આપણું ગુજરાતઆમચી મુંબઈટોપ ન્યૂઝ

આજે ગુજરાત સ્થાપના દિવસ : વડાપ્રધાન, મુખ્યમંત્રી સહીત તમામે પાઠવી શુભેચ્છા

ગાંધીનગર : આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાત આજે તેના ૬૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. મહાગુજરાતની ચળવળથી આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી. બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈ રાજ્યને વિભાજિત કરીને બે નવા રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. એટલા માટે જ આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે.

દેશની સ્વતંત્રતા બાદ ભાષાના આધારે રાજ્યોની રચના માટેની માંગને લઈને ૧૯૫૬મા આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી. ત્યારબાદ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાષાકીય રાજ્ય રચવાની માંગે જોર પકડ્યું. તેના એક મોટું આંદોલન ચલાવાયું. ખરેખર તો આ લડત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ થઇ હતી અને ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય નાયક મુંબઈ સમાચારના પત્રકાર રહી ચુકેલા ગુજરાતના ઇન્દુચાચા એટલે કે ઈન્દુલાલ યાજ્ઞિક હતા. પ્રજામાં જાગેલા અદ્વિતીય વિરોધ બાદ અંતે કેન્દ્ર અને મુંબઈ સરકારને નમતું જોખવું પડ્યું હતું અને અસ્તિત્વમાં આવ્યું સ્વતંત્ર ગુજરાત રાજ્ય.

ગુજરાતનો ૬૪મો સ્થાપના દિવસ ૨૪ની લોકસભા ચૂંટણીનાં સમયમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીત તમામે ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ….!!!”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી, “સૌ ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

સમૃદ્ધ સંસ્કૃતિ, ઉદાર આતિથ્ય અને પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત ગુજરાતે આઝાદીના આંદોલનથી લઈને દેશના એકીકરણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. આજે ગુજરાત પોતાના શ્રમ, સમર્પણ અને સહયોગથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. સ્થાપના દિવસ પર ગુજરાતની બહેનો અને ભાઈઓની સર્વોચ્ચ પ્રગતિ અને સર્વાંગી વિકાસની શુભકામનાઓ વ્યક્ત કરું છું.”

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ટ્વિટર પર ગુજરાતના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી,
“ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના.
ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું.
ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે, ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે.


આવો, આપણે સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના.
જય જય ગરવી ગુજરાત.”

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે,

“આવો, વ્હાલા ગુજરાતીઓ ગુજરાતી હોવાનું ગૌરવ કરીએ,
સૌ સાથે મળીને ગુજરાતની ગરવી અસ્મિતાને ઉજાગર કરીએ !
જય જય ગરવી ગુજરાત…..


ગુજરાત સ્થાપના દિવસની અનેકાનેક શુભકામનાઓ !”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button