નેશનલ

જેલમાં બંધ મનીષ સિસોદિયાની રાહ લંબાઇ

જામીન પર 4 ઓક્ટોબરે થશે સુનાવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પરની સુનાવણી 4 ઓક્ટોબર સુધી ટાળી દીધી છે. સિસોદિયાની આ વર્ષે ફેબ્રુઆરીમાં દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠે જણાવ્યું હતું કે કોર્ટ શુક્રવાર અથવા અન્ય કોઈ દિવસે અરજીઓ પર સુનાવણી કરી શકે છે.

દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા વતી કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ નિયમિત જામીન પર દલીલ કરવા માટે 3 થી 4 કલાકનો સમય માંગ્યો હતો. સિંઘવીએ આ કેસને લઈને મીડિયામાં સતત પ્રકાશિત થઈ રહેલા સમાચાર સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેના પર જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે કોર્ટ આ અહેવાલો પર ધ્યાન આપતી નથી. ત્યારબાદ મામલો આગામી સુનાવણી સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
મનીષ સિસોદિયાએ તેમની બીમાર પત્ની સીમાને મળવા માટે માનવતાના આધાર પર વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. સીમાની બગડતી સ્થિતિનું વર્ણન કરતા કેટલાક મેડિકલ રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે.


3 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટની બેન્ચે મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બેન્ચે કહ્યું કે તેઓ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA) હેઠળ જામીન આપવા માટેની શરતોને પૂર્ણ કરી રહ્યા નથી.
હવે તેમની જામીન અરજી પર સુનાવણી 4 ઓક્ટોબરે થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button