…. તો સંજય રાઉત મુખ્ય પ્રધાનની પત્રકાર પરિષદમાં પત્રકાર તરીકે હાજર રહેશે, અને પ્રશ્ન પણ પૂછશે
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં આવતી કાલે એટલે કે 16મી સપ્ટેમ્બરના દિવસે પ્રધાન મંડળની બેઠક યોજાનાર છે. આ બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પત્રકારો સાથે સંવાદ કરશે. ત્યારે આ પત્રકાર પરિષદમાં જો તક મળે તો હું એક પત્રકાર તરીકે ઉપસ્થિત રહીશ એમ શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું. તથા હું મુખ્ય પ્રધાનને પ્રશ્નો પણ પૂછીશ એમ પણ રાઉતે કહ્યું. તેથી હાલમાં જેટલી ચર્ચા પ્રધાન મંડળની બેઠકની છે એટલી જ ચર્ચા આ પત્રકાર પરિષદની પણ થઇ રહી છે. જો સંજય રાઉત પત્રકાર પરિષદમાં જશે તો ત્યાં સંવાદ નહીં પણ ઘમાસાણ થશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.
પત્રકારો સાથે વાત કરતાં સંજય રાઉતે જણાવ્યું હતું કે, આવતી કાલે કેબિનેટની બેઠક છે. તેથી અમે ત્યાં રોકાઇશું. આ બેઠક ત્રણ કલાકની છે. ત્યાર બાદ મુખ્ય પ્રધાન પત્રકારોને મળશે. ત્યાર બાદ અમે એમની સાથે વાત કરીશું.
વધુમાં રાઉતે જણાવ્યું કે, હવે તમે કેટલું ખોટું બોલો છો એ અમારે સાંભળવું છે. જો તક મળશે તો હું એ પત્રકાર પરિષદમાં હાજર રહીશ. બધાની સામે જ પ્રશ્ન પૂછીશ. હું પણ પત્રકાર જ છું. તેથી હું તો જવાનો જ છું. જો મને પોલીસ રોકશે નહીં તો હું એ પત્રકાર પરિષદમાં જરુરથી જઇશ. તમારા હાથમાં કાયદાની બંદૂક છે. જો તમે મને રોકશો નહીં તો હું ચોક્કસ આવીશ. તથા મુખ્ય પ્રધાનને પત્રકાર તરીકે પ્રશ્ન પણ પૂછીશ. એમ રાઉતે કહ્યું.