ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ: મૈત્રકયુગ
ગૌરવશાળી ગુજરાતના ઇતિહાસમાં ક્ષત્રપ- મૈત્રક અને સોલંકી એમ ત્રણ વંશનું મહત્ત્વનું યોગદાન છે . આજ ૧ મે- ‘ગુજરાત સ્થાપના દિન ’ અવસરે યાદ કરીએ યશસ્વી મૈત્રકયુગને…
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
ગુજરાતનો ઇતિહાસ શોધવાની શરૂઆત કરો એટલે સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરવા પડે. ભગવાનનું મથુરાથી દ્વારકા પધારવાની ક્ષણો એ ગુજરાતની સૌથી પાવન પળ હતી. ગુજરાતને યાદ કરવા બીજી ઘટના હોય તો સમ્રાટ અશોક અને એના જૂનાગઢ પર લખાયેલા શિલાલેખ છે. ઇશુ પૂર્વે ત્રીજી સદીમાં લખાયેલા શિલાલેખમાં પ્રાણીઓ પરત્વે દયાભાવથી માંડી માતા-પિતાની સેવા કરવા સુધીના જીવન માટે અગત્યના ચૌદ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ગ્રીક રાજા મિલિન્દ તથા એના વંશજોના શાસનની અસર જોવા મળી છે. ગુજરાતનો પહેલો સુવર્ણકાળ શક સામ્રાજ્ય થકી શરૂ થયો. ભારતીય પરંપરામાં ભળી ગયેલા આ મહાક્ષત્રપના ક્ષતરાત વંશમાં ભૂમક અને નહપાન જેવા શક્તિશાળી રાજાઓએ રાજ્ય કર્યું. પશ્ર્ચિમી ક્ષત્રપ તરીકે જાણીતા બનેલા ચાષ્ટન અને તેના વારસદારોએ સામ્રાજ્યની હદ લગભગ અડધા ભારતમાં પહોંચાડી દીધી હતી. આ વંશમાં થયેલા રુદ્રદામનનો શિલાલેખ ગિરનાર પર જોવા મળે છે. શકોની સૌથી મોટી વિશેષતા એમના સમયના મળતા અવનવા સિક્કા છે. ત્રણસો કરતાં વધારે વર્ષ રાજ્ય કર્યા પછી શક પ્રજા ધીમે ધીમે ગુજરાતમાં ઓગળી ગઇ અને એક નવા સુવર્ણયુગનો પ્રારંભ થયો.
ગૌરવશાળી ગુજરાતના એ યુગના ઇતિહાસમાં ત્રણ વંશોનું મહત્ત્વનું યોગદાન છે : ક્ષત્રપ, મૈત્રક અને સોલંકી કાલ કહી શકાય. મગધની વાત કરતી વેળા ચર્ચા કરી હતી કે ગુપ્ત વંશના નામ પર અંતિમ બસ્સો વર્ષ શાસન ચાલ્યું. ગુપ્તવંશના કહેવાતા રાજવીઓએ પોતાની મર્યાદા સમજીને મગધ પ્રાંત પર જ અધિકાર રાખ્યો.
સ્વાભાવિક છે કે મુખ્ય રાજ્ય નબળું પડે એટલે બીજા શક્તિશાળી રાજ્ય ઉભા થાય. ઉત્તર પ્રદેશના કનોજમાં મૌખરીઓએ સામ્રાજ્ય બનાવ્યું. મૌખરીઓને સૌથી મોટી ચેલેન્જ વિદેશી હૂણોની હતી. મોટા ટોળામાં આવીને લૂંટફાટ કરતાં. હૂણોને હરાવીને મૌખરીઓએ છેક માળવા સુધી રાજ્યની સરહદો વિકસાવી. હૂણોની રાજધાની સિયાલકોટ એટલે કે શાકલમાં હતી. હૂણોના સરદાર મિહિરકૂળને મૌખરી ઇશાનવર્મને રોકી રાખ્યા.
આ દરમિયાન મધ્ય ભારતમાં એક પ્રતાપી રાજા યશોવર્મા થયો. ભગવાન શિવ સિવાય કોઇની પણ સામે નહીં નમવાનું પ્રણ ધરાવતા યશોવર્માનું શ્રેષ્ઠ યોગદાન હોય તો તે છે હૂણોનો કાયમી ધોરણે ત્રાસ દૂર કર્યો. ગુપ્તો નબળા પડ્યા એ અરસામાં એક ઓર શક્તિશાળી રાજ્ય બન્યું, મૈત્રકોનું વલભી રાજ્ય બન્યું. સંસ્કૃત શબ્દ વલભીનો અર્થ ઝરુંખો થાય અને બીજો અર્થ છત કે છાપરું થાય.
ભગવાન સૂર્ય એટલે મિહીરના અપભ્રંશ પરથી મૈત્રક નામ આવ્યું હોવાની માન્યતા છે. મૈત્રકોનું રાજ્યની સ્થાપના ભટ્ટાર્કે સૌરાષ્ટ્રના વલભીપુરમાં કરી. વર્ષ ૪૭૦થી વર્ષ ૭૮૯ સુધી મૈત્રકયુગ રહ્યા પછી ફરી સોલંકી યુગનો સુવર્ણયુગ આવ્યો. પાંચમી સદીમાં સેનાપતિ ભટ્ટાર્ક ગુપ્ત સામ્રાજ્યમાં સૌરાષ્ટ્રનો વહીવટદાર હતો. પોતાને સ્વતંત્ર રાજવી ઘોષિત કરવા છતાં ભટ્ટાર્ક અને તેના પછી બનેલા રાજાએ પોતાને સેનાપતિ તરીકે ઓળખાણ આપી હતી.
ભટ્ટાર્કના ચારેય પુત્રોએ રાજ્ય ભોગવ્યું હતું. ધ્રુવસેન પહેલાની પત્ની ચંદ્રલેખાના પ્રયત્નોથી જૈન ધર્મસભા થઈ હતી. જૈનમાં બે મુખ્ય પંથ શ્ર્વેતાંબર અને દિગંબર આ સભાની દેન છે એવું માનવામાં આવે છે.
મૈત્રક વંશના છેક ત્રીજા રાજવી દ્રોણસિંહે પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કર્યો હતો. મૈત્રક રાજાઓ મહારાજા તરીકે સંબોધન કરાવતા. ધરસેન ચોથાએ તો ખાસ પદવી ધારણ પરમભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્ર્વર ચક્રવર્તીની કરી હતી. બોલો આમાં કશું ઘટે?
મૈત્રક કુળના શિલાદિત્ય દર વર્ષે મોક્ષમાર્ગ માટે ખાસ સભાનું આયોજન કરતો. મૈત્રક યુગમાં શિક્ષણ નગરી ગણાતા વલભીમાં ભણેલા છોકરાઓને કોઈ પણ રાજ્યમાં સારા હોદ્દા સાથે નોકરી મળતી હતી. મૈત્રક રાજવીઓએ સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર વેપાર વિકસિત કરવા બંદરોનો વિકાસ કર્યો, હ્યુ એન સંગે વલભી રાજ્યની સમૃદ્ધિના ખૂબ વખાણ કર્યા હતાં. વલભીપુરને સમૃદ્ધ બનાવવામાં છેલ્લા રાજવી શિલાદિત્ય સાતમાનો મોટો ફાળો હતો પણ કમનસીબે આરબોએ આઠમી સદીમાં ખતમ કર્યો હોવાની ચર્ચા વિદ્વાનો વચ્ચે થતી હોય છે. અન્ય એક સંશોધન મુજબ જંગલી લૂંટફાટ કરતાં લોકોના હુમલામાં રાજ્ય ખતમ થયું હોવાની પણ માન્યતા છે.
શિલાદિત્ય ત્રીજાના સમયે ઘોઘા પર આરબોએ હુમલો કર્યો હતો, એ પછી વલભીના સમૃદ્ધ રાજ્ય પર નાના મોટા હુમલા થતા રહ્યા. મૈત્રક રાજ્ય સાથે વર્ધન વંશ પણ સત્તામાં આવ્યો, હર્ષવર્ધનની પુત્રી સાથે મૈત્રક મહારાજા ધ્રુવસેન બીજાએ લગ્ન કર્યું હતું.
હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધન જ્યારે નિધન પામ્યા, એમનો મોટો પુત્ર રાજ્યવર્ધન સત્તા પર આવ્યો. રાજ્યવર્ધનની બહેન રાજશ્રીના લગ્ન મૌખરી રાજા ગૃહવર્મા સાથે થયાં હતાં.
મગધ નબળું પડતાં બંગાળમાં શક્તિશાળી રાજા શશાંક આવ્યો, જેણે મૌખરી રાજા ગૃહવર્માને હરાવીને મારી નાખ્યો અને રાજશ્રીને જેલમાં પૂરી. રાજ્યવર્ધન બહેનને છોડાવવાની લડાઇમાં માર્યો ગયો. રાજ્ય સાચવવાની અને બહેનને છોડાવવાની જવાબદારી હર્ષવર્ધન પર આવી. સાથોસાથ હૂણોનો ત્રાસ વધ્યો હતો. બનેવી ગૃહવર્માનું રાજ્ય ચલાવવાની જવાબદારી પણ હર્ષવર્ધનની હતી. એક માણસ એ જમાનામાં કેટલું કરે? આમ છતાં તમામ પરિસ્થિતિ સામે સફળતાપૂર્વક હર્ષવર્ધને લડત આપી. બહેન રાજશ્રીને પરત લાવી. આખા ઉત્તર ભારત પર હર્ષવર્ધનની ધાક જમાવી, દક્ષિણના રાજાઓને પણ એમની સરહદમાં રાખ્યા.
હર્ષવર્ધનને યાદ એટલા માટે કરવો જોઈએ કે અનેક સમસ્યાઓ વચ્ચે રત્નાવલિ, નાગાનંદ અને પ્રિયદર્શિકા નાટક લખ્યા. નાગાનંદ નાટક ભજવીને પણ બતાવ્યું હતું. સાહિત્યપ્રેમી શૈવ વિચારધારા ધરાવતો પ્રતાપી હર્ષવર્ધનના સમયમાં બાણભટ્ટે કાદંબરી અને હર્ષચરિતની રચના કરી. હર્ષના સમયે ઇસ્લામની સ્થાપના થઈ.
આ બધા વંશોનો યુગ સાતમી સદી આવતા ખતમ થવા લાગ્યો, નાના નાના રાજ્ય ઉદય પામવા લાગ્યા. ફરી એકવાર મગધ મજબૂત થયું તો બીજા રાજ્યો સાથે લડાઇઓ થવા લાગી. કનોજ સામ્રાજ્ય મજબૂત બનતા મગધ ખતમ થયું. કનોજ શક્તિશાળી બનતા કાશ્મીરના લલિતાદિત્યએ કનોજના યશોવર્માને હરાવ્યો. જાણીતા ભવભૂતિ યશોવર્માના રાજ્યમાં હતાં.
લલિતાદિત્યએ કાશ્મીર રાજ્યની સરહદ છેક ગુજરાત સુધી લાવીને પશ્ર્ચિમમાં આરબોને હરાવ્યા. તિબેટને પોતાના રાજ્યમાં જોડતાં વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. લલિતાદિત્યના મૃત્યુ પછી ગુર્જર પ્રતિહારો અને બંગાળમાં પાલવંશ સત્તા પર આવ્યો.
બીજી તરફ ઇસ્લામની સ્થાપના થતા નજર વર્ષોથી વેપારી મિત્ર ભારત પર પડી અને એની શરૂઆત એટલે અગ્નિને ઇષ્ટ માનતી સૌમ્ય પ્રજા પારસીઓએ ઘરબાર છોડીને ભારત આવવું પડ્યું.
ધ એન્ડ :
આચાર્ય યાસ્કની રચના નિરુક્ત પર પહેલી કે બીજી સદીમાં જંબુસરના દુર્ગાચાર્યએ ટીકાઓ લખી હતી. દુર્ગાચાર્યએ પોતાનું નામ જંબુમાર્ગાશ્રમવાસી તરીકે આપ્યું હતું.