જુઓ તો ખરા, નરેન્દ્ર મોદીની કેવી ગાઢ અસર વિરોધીઓ પર પણ પડે છે!
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ
જેમની પક્ષ નિષ્ઠા અંગે રતીભાર પણ શંકા ન કરી શકાય તેવા એક સિનિયર અને ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસી આગેવાન એક સામાજિક પ્રસંગમાં મળી ગયા.સ્વાભાવિક રીતે જ રાજકીય વાતો નીકળી તો એમની આસપાસ બેઠેલા અમારી જેવા ૧૦-૧૨ લોકોના આશ્ર્ચર્ય વચ્ચે તેઓએ કહ્યું કે “આપણા રાજ્યના વિકાસ માટે આખા ગુજરાતે એકીઅવાજે મોદીને એક ગુજરાતી તરીકે ટેકો આપવો જોઈએ. તેમની એ વાતને ન્યાયિક ઠેરવવાના ઉદ્દેશથી તેઓએ ભૂતકાળના બે દાખલાઓ ટાંકતા કહ્યું કે(૧):-“પ્રતિભા પાટીલ કોંગ્રેસ પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા ત્યારે કોંગ્રેસના (એ વખતના) પ્રખર વિરોધી પક્ષ શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેએ પ્રતિભા પાટીલ તો ‘મહારાષ્ટ્રની દીકરી’ કહેવાય એમ કહીને ટેકો આપેલો(૨):-એ પછી કોંગ્રેસ પક્ષ તરફથી પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારે કોંગ્રેસના કટ્ટર વિરોધી મમતા બેનરજીએ ‘આમાર માનુષ’ કહીને મુખર્જીને ટેકો આપેલો.એ રીતે ગુજરાતે પણ સંગઠિત થઈને, રાજ્યના વિકાસ માટે તમામ મતભેદ ભૂલી જઈને પોતાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા નરેન્દ્ર મોદીને બળ પૂરું પાડવા ભરપૂર ટેકો આપવો જોઈએ.”આ આખી વાતનો ગુરતમ સાધારણ અવયવ એ આવે છે કે નરેન્દ્ર મોદી પોતાના પ્રખર વિરોધી પક્ષના નિષ્ઠાવાન નેતાના હૃદયમાં પણ સ્થાન મેળવી શકે છે હોં!
શું ગુજરાતના ચૂંટણી પંચને ભા.જ.પ.ના કોર્પોરેટર પણ મદદરૂપ થાય છે?
ભારતના ચૂંટણી પંચે આ વર્ષે એક પ્રશંસનીય વ્યવસ્થા ગોઠવી છે.આ વ્યવસ્થામાં એવું કરાયું છે કે જે વૃદ્ધ મતદાર શારીરિક અશક્તિવસાત મતદાન મથક સુધી ન પહોંચી શકે તેઓને તેમનાં ઘરે જઈને મતદાન કરાવે છે. આ ઉત્તમ વ્યવસ્થા અનુસાર અમદાવાદમાં એક પથારીવશ વૃદ્ધને મતદાન કરાવવા તેમના ઘરે ચૂંટણી પંચના કેટલાક અધિકારી ગયા.પંચની એ કારમાં મહિલા મ્યુનિસિપલ કોર્પોરેટર મીનાક્ષી નાયક પણ બેઠાં હતાં! જોગાનુજોગ એવું થયું કે જે વૃદ્ધનો મત લેવા ચૂંટણી પંચના અધિકારીઓ ગયા હતા તે વૃદ્ધ ક્ષત્રિય આંદોલનથી જાણીતાં થયેલાં ગીતાબા પરમારના સસરા હતા.
ગીતાબાએ તટસ્થ ગણાતા ચૂંટણી પંચની કારમાં ભા.જ.પ.ના મહિલા કોર્પોરેટરને બિરાજમાન થયેલાં જોઈને મોબાઈલ કેમેરો ચાલુ રાખીને પૂછપરછ કરી ત્યારે આ વિગતો બહાર આવી.જો કે ગીતાબાની પૂછપરછ વખતે એ કોર્પોરેટર બહેને કાગળથી પોતાનું મોઢું છૂપાવી દીધું હતું.
આ ઘટના સૂચવે છે કે ભા.જ. પ. સારુ મતદાન થાય એ માટે પણ કેટલો બધો સક્રિય છે. આ ઘર ગીતાબાનું છે એ જાણ્યા પછી જ કદાચ ભા.જ.પ.ના મહિલા કોર્પોરેટર ઘરમાં એ વૃદ્ધને મતદાનમાં મદદ કરાવવા નહીં
ગયાં હોય એવું બને.સિક્કાની
બીજી બાજુ એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેટર મીનાક્ષી નાયક એવો ખુલાસો કરે છે કે પોતે માત્ર ઘર બતાવવા ગયાં હતાં! અહીં “કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી એ કહેવત યાદ
આવે હોં!
પૂનમ માડમ પાસે અમિત શાહ ને સી.આર.પાટીલ કરતાં ય વધારે મિલકત છે!
આગામી તા.૭મી એ ગુજરાતમાં યોજાનાર લોકસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરાઈ ગયાં છે.આ ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ સોગંદનામા કરીને પોતાની પાસેની(ક):-રોકડ રકમ(ખ):-ઘરેણાં અને (ગ):-મિલકતોની વિગતો જાહેર કરી છે.આમાંની કેટલીક વિગતો ખૂબ રસપ્રદ છે.દા.ત.જામનગરના ભા.જ.પ.ના ઉમેદવાર પૂનમ માડમ પાસે રૂ.૧૪૭ કરોડની મિલકત છે.જે સૌથી વધારે છે.તેમની પછીના ક્રમે અમિત શાહ પાસે ૬૫.૬૭ કરોડ, સી.આર.પાટીલ પાસે રૂ.૩૯.૪૯ કરોડની મિલકત છે.લોકોને આશ્ર્ચર્ય થાય એ વાતનું થયું કે પુરુષોત્તમ રૂપાલા પાસે માત્ર ૧૭.૪૩ કરોડની જ મિલકત છે! કોંગ્રેસનાં ભરત મકવાણા પાસે ૨૫.૫૮ કરોડની અને સોનલ પટેલ પાસે ૧૭.૫૯ કરોડની મિલકત છે. સૌથી વધુ રોકડ રકમ ‘આપ’ના ઉમેશ મકવાણાએ રૂ.૫૫.૬૩ લાખ જાહેર કરી છે. તેમની પછીનાં ક્રમે આવતા પુરુષોત્તમ રૂપાલાએ રૂ.૨૮.૦૩ લાખ દર્શાવી છે. કોંગ્રેસના નૈષધ દેસાઈએ રૂ.૨૭.૦૦ લાખ, પ્રભા તાવિયાડે રૂ.૧૯.૫૦લાખ અને ચંદનજી ઠાકોરે રૂ.૧૫.૧૮.લાખ રોકડ હાથ પર હોવાનું દર્શાવ્યું છે. સોગંદનામા અનુસાર કોની પાસે સૌથી ઓછી સંપત્તિ છે એ જોઈએ તો કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલન પાસે માત્ર રૂ.૧૭/- લાખની (સૌથી ઓછી)અને જે.પી.મારવિયા પાસે રૂ.૨૩/-લાખ,‘આપ’ના ચૈતર વસાવા પાસે રૂ.૫૧/- લાખ, ભા.જ.પ.ના ચંદુ શિહોરા પાસે રૂ.૫૧/-લાખ અને કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર પાસે રૂ.૯૧/-ની સંપત્તિ છે. આ આંકડાઓ પરથી તારણ એવું કાઢી શકાય કે કોંગ્રેસના ઉમેદવારો ભા.જ.પ.અને(કોક જગ્યાએ) ‘આપ’ કરતા પણ ઓછી મિલકત અને રોકડ રકમ ધરાવે છે! છેલ્લાં ૨૭ વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે તેનું ય આ ક્દાચ પરિણામ હોઈ શકે હોં!
મનસુખ માંડવિયાનો પૃથ્વી પ્રેમ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદર લોકસભાની બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર મનસુખ માંડવિયા જરા જુદી માટીના નોખા માનવી છે એવું ઘણીવાર દેખાય.એનું કારણ કદાચ એ હોઈ શકે કે તેઓએ ‘બુનિયાદી શિક્ષણ’ નામક વિષય પર પીએચ.ડી. કર્યું છે તે કારણે તેઓ ભાવનગર જિલ્લાના સણોસરામાં આવેલ આદર્શ શૈક્ષણિક સંસ્થા લોકભારતી અને અન્ય એવી ગાંધીવાદી સંસ્થાઓના સતત સંપર્કમાં રહ્યા છે! તાજેતરમાં જ તેમના અનોખાપણાનું એક ઉદાહરણ જોવા મળ્યું.બન્યું એવું કે પોરબંદર સાઈકલિંગ ક્લબ દ્વારા “વિશ્ર્વ પૃથ્વી દિવસ નિમિત્તે એક સાઈકલ રેલી યોજાઇ હતી.પ્રચારમાં સંપૂર્ણ વ્યસ્ત હોવા છતાં મનસુખ માંડવિયાએ સાઈકલ રેલીમાં ભાગ લેવા પહોંચી ગયા હતા.લોકસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે પણ માંડવિયાએ સમય કાઢીને ‘વિશ્ર્વ પૃથ્વી દિવસ’ની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી. અહીં એ નોંધવું પણ રસપ્રદ થઈ પડશે કે મનસુખ માંડવિયા જ્યારે સંસદ સભ્ય બન્યા ત્યારે સંસદ ભવનમાં પણ તેમણે ‘ક્લાઈમેટ ક્લબ’ની પણ શરૂઆત કરી હતી અને તેમાં શરત એવી હતી કે જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાઈકલ પર સંસદ ભવનમાં આવતા-જતા રહેશે. માંડવિયા પૃથ્વીના સંરક્ષણ માટે સંવેદનશીલ પણ છે અને સક્રિય પણ છે.તેઓને મન ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્ત્વની છે અને તેથી જ તેઓ વિશ્ર્વ પૃથ્વી દિવસે સાઈકલ રેલીમાં જોડાયા.જોવાની મજા તો એ આવી કે આ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટા ક્લિક કર્યા અને તે ફોટોઝ પર સોશિયલ મીડિયામાં લખ્યું કે”My little army in action to save the planet.’ મનસુખ માંડવિયાની આ સંવેદનશીલતા ગમી જાય એવી છે હોં!
ક્ષત્રિયોને મનાવવા કાજે…
ગુજરાતનાં કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને આવરી લેતા માર્ગ પર ક્ષત્રિયોનો અસ્મિતા ધર્મરથ ફર્યો છે. તેની સામે ભા.જ.પ.ના નાયબ ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરીને કચ્છ, સાબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને ભાવનગરની બેઠક પર પહોંચી જઈને ત્યાં રાજપૂતોને કારણે કેટલું નુકસાન થઈ શકે તેનું આકલન કરી ક્ષત્રિયોના રોષને ખાળવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. દલીલથી નહીં પણ દિલથી રાજપૂતોને જીતવાનો અને હવે ક્ષત્રિયોને ઉશ્કેરાવાનું કે દુભાવાનું કોઈ કારણ ન મળે તેના પ્રયત્નો પણ રત્નાકર અને સંઘવી કરી રહ્યા છે. આનું કારણ કદાચ એવું છે કે ક્ષત્રિયોનો રૂપાલા સામેનો રોષ હવે ભા.જ.પ. સામેના રોષમાં પરિવર્તિત થઈ રહ્યો છે.હજુ ક્ષત્રિયોના બે મહાસંમેલન બારડોલી અને જામનગરમાં પણ યોજાવાના છે. આગામી લોકસભાની જે ચૂંટણી ભા.જ.પ. ગુજરાતમાં આરામથી સુતાસુતા જીતી જશે એવો માહોલ હતો ત્યાં હવે જાણે ભા.જ.પ.એ જીતવા માટે પરસેવો પાડવો પડે છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે હોં!