આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠક પરથી એકનાથ શિંદેની શિવસેનાએ ઉમેદવાર કર્યો જાહેર

મુંબઈ: મહાયુતિમાં પાંચ બેઠક માટે મડાગાંઠ ચાલી રહી હતી અને તેમાંથી એક બેઠક ઉપર આખરે મહાયુતિ તરફથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી એકનાથ શિંદે જૂથની શિવસેના તરફથી આ બેઠક પરથી રવિેન્દ્ર વાયકરને ઉમેદવારી આપવામાં આવી છે. રવિન્દ્ર વાયકરનો સામનો આ બેઠક પર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના અમોલ કીર્તિકર વિરુદ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે આ બેઠક પર કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમ લડવા માગતા હતા. જોકે, આ બેઠક તેમને નહીં ફાળવવામાં આવતા તેમણે ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડી વિરુદ્ધ નિવેદનો આપવાના શરૂ કર્યા હતા, જેને પગલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, નિરુપમે જણાવ્યા મુજબ તેમણે એ પહેલા જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.


રવિન્દ્ર વાયકર 20 વર્ષથી મુંબઈ મહાપાલિકામાં નગરસેવક રહી ચૂક્યા છે. 1992માં સૌથી પહેલી વખત તે નગરસેવક તરીકે ચૂંટાઇ આવ્યા હતા અને 2006થી 2010 દરમિયાન પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી.


તે 2009, 2014 અને 2019માં વિધાનસભ્ય તરીકે પણ ચૂંટાઇ આવ્યા અને 2014માં સત્તામાં આવેલી ભાજપ અને શિવસેનાની સરકાર દરમિયાન તેમને પ્રધાનપદ પણ આપવામાં આવ્યું હતું.


શિવેસનાના બે ભાગલા પડ્યા ત્યાર બાદ ગજાનન કીર્તિકર જે આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા તે એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા હતા. જોકે, તેમના પુત્ર અમોલ કીર્તિકર ઉદ્ધવ ઠાકરે સાથે જ રહ્યા અને તેમને આ લોકસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવારી પણ સોંપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button