રાઘવ ચઢ્ઢાની હાલત અંગે સૌરભ ભારદ્વાજે આપી મોટી માહિતી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી વખતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ લીકર કેસમાં જેલમાં છે, જ્યારે પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અંગે વિપક્ષ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આ મુદ્દે પાર્ટીના નેતાએ ચઢ્ઢા અંગે સ્પષ્ટતા કરી હતી.
દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે આપના સાંસદ રાઘવ ચઢ્ઢાની ચૂંટણીના પ્રચારમાં ગેરહાજરી અંગે કહ્યું હતું કે રાઘવ ચઠ્ઠા આંખના ઓપરેશન માટે બ્રિટનમાં છે. આંખોમાં ઊભી થયેલી મુશ્કેલી બાદ રાઘવ ચઢ્ઢાને સારવાર માટે યુકે ગયા છે. મને તો એટલે સુધી કહેવામાં આવ્યું હતું કે તેમને આંખોમાં ગંભીર સમસ્યા ઊભી થઈ હતી અને સમયસર સારવાર કરવામાં આવી ન હોત તો આંખો જવાની પણ નોબત આવી હોત. તેઓ ઝડપથી સાજા થાય એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. તેઓ સાજા થયા પછી ભારત પાછા આવશે અને પાર્ટી માટે ચૂંટણીનો પ્રચાર કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યાનુસાર રાઘવ ચઢ્ઢા આંખના રેટિના ડિટેચમેન્ટને રોકવા માટે બ્રિટનમાં વિટ્રેક્ટોમી સર્જરી કરવા માટે ગયા છે. રેટિના ડિટેચમેન્ટ જે સમયસર સારવાર કરવામાં આવે નહીં તો આંખોમાં દેખાવા મુદ્દે મુશ્કેલી સર્જાય છે, જેનાથી આંખે અંધાપો પણ આવી શકે છે.
રાઘવ ચઢ્ઢા દેશમાં નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીના સાંસદે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ 18 એપ્રિલના એક્સ પર પોસ્ટ લખી હતી, જેમાં કેજરીવાલ ડાયબિટિસના દર્દી છે. કેજરીવાલને જેલ પ્રશાસન દ્વારા ઈન્સ્યુલિન આપવામાં આવતા નથી એ એકદમ અમાનવીય અને જેલના નિયમો વિરુદ્ધ છે.
પંજાબ પોલીસે કથિત રીતે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની તુલના ભાગેડુ વિજય માલ્યા સાથે કરવા સંબંધમાં એક યુટયુબ ચેનલની સામે એફઆઈઆર નોંધી હતી. કેપિટલ ટીવીની સામે એફઆઈઆર લુધિયાણા લોકસભા સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક પપ્પી પરાશરના દીકરા વિકાસ પરાશર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીએ ચેનલ પર માનહાનિ અને ભ્રમિત કન્ટેન્ટનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.