ઇંગ્લૅન્ડે જાહેર કરી વર્લ્ડ કપ ટીમની ટીમ, આઇપીએલના ચાર સફળ બૅટર સિલેક્ટ થયા
મૅન્ચેસ્ટર: બરાબર એક મહિના પછી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે અને એ માટેની 15 ખેલાડીઓની ટીમ સૌથી પહેલાં ન્યૂ ઝીલૅન્ડ જાહેર કરી ત્યાર પછી હવે ઇંગ્લૅન્ડે પણ પોતાની ટીમની જાહેરાત કરી છે. જૉસ બટલરને કૅપ્ટન્સી સોંપી છે અને તેના સહિત ટીમમાં ખાસ કરીને ચાર એવા બૅટર્સ છે જેમને બ્રિટિશ ટીમમાં સામેલ કરાયા છે.
આઇસીસીએ તમામ દેશોને પહેલી મે સુધીમાં ટીમ જાહેર કરી દેવાની મહેતલ આપી છે.
જૉસ બટલર ઉપરાંત ફિલ સૉલ્ટ, જૉની બેરસ્ટો અને વિલ જૅક્સને 15 ખેલાડીઓમાં સ્થાન અપાયું છે. આ ચારેય બૅટર બહુ જ સારા ફૉર્મમાં છે. એ ઉપરાંત ટીમના બીજા પાંચ પ્લેયર પણ આઇપીએલમાં રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને આઇપીએલ ફળી છે. એમાંના અમુક પ્લેયર આપોઆપ જ વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ થઈ જવાના હતા, પરંતુ કેટલાકને આઇપીએલનો પર્ફોર્મન્સ ફળ્યો છે.
રાજસ્થાનની ટીમનો બટલર આ વખતની આઇપીએલમાં બે સદી સહિત કુલ 319 રન બનાવી ચૂક્યો છે. ફિલ સૉલ્ટ કોલકાતાની ટીમમાં છે અને તે ચાર હાફ સેન્ચુરી સહિત 392 રન બનાવી ચૂક્યો છે. જૉની બેરસ્ટો પંજાબની ટીમમાં છે અને તેના નામે એક ધમાકેદાર સેન્ચુરી સહિત કુલ 204 રન છે. વિલ જૅક્સ બેન્ગલૂરુની ટીમમાં છે અને તેણે આ વખતની આઇપીએલમાં એક સેન્ચુરી (100*) અને એક હાફ સેન્ચુરી (55) ફટકારી છે.
વર્લ્ડ કપ માટેની 15 પ્લેયરની બ્રિટિશ ટીમના બીજા પાંચ પ્લેયર સૅમ કરૅન (પંજાબ), રીસ ટૉપ્લી (બેન્ગલૂરુ), લિઆમ લિવિંગસ્ટન (પંજાબ), મોઇન અલી (ચેન્નઈ) અને જોફ્રા આર્ચર (મુંબઈ) આઇપીએલ-2024માં રમી રહ્યા છે.
ઇંગ્લૅન્ડની વર્લ્ડ કપ માટેની ટીમ:
જૉસ બટલર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, વિલ જૅક્સ, જૉની બેરસ્ટો, બેન ડકેટ, હૅરી બ્રૂક, લિઆમ લિવિંગસ્ટન, મોઇન અલી (વાઇસ-કૅપ્ટન), સૅમ કરૅન, ક્રિસ જોર્ડન, ટૉમ હાર્ટલી, આદિલ રાશીદ, જોફ્રા આર્ચર, માર્ક વૂડ અને રીસ ટૉપ્લી.