આજે સાંજ સુધીમાં અમેઠી-રાયબરેલીનાં કોંગ્રેસનાં ઉમેદવારોનો ફેંસલો; પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે – સૂત્રો
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની અમેઠી (Amethi) અને રાયબરેલી (Raebareli) લોકસભા બેઠકો ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. એક સમયે કોંગ્રેસના ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી બેઠક રાહુલ ગાંધી હારી ચુક્યા છે, જ્યારે રાયબરેલીથી સતત ચૂંટણી જીતી રહેલા સોનિયા ગાંધી પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડવાના નથી. દરમિયાન, સૂત્રોને પાસેથી સમાચાર મળ્યા છે કે કોંગ્રેસ મંગળવાર સાંજ સુધીમાં અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
સૂત્રોથી પ્રાપ્ત એવી વિગતો પ્રાપ્ત થઇ છે કે પ્રિયંકા ગાંધી 2024માં લોકસભાની ચૂંટણી નહીં લડે. મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી આગામી ત્રણ દિવસ સુધી ચૂંટણી કાર્યક્રમમાં જ વ્યસ્ત રહેશે. પ્રિયંકાના આવતીકાલે આસામ, 2 મેના રોજ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અને 3 મેના રોજ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કાર્યક્રમો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રિયંકા ગાંધી રાયબરેલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડે તેવી સંભાવના હતી.
લોકસભા ચૂંટણી માટે કુલ 7 તબક્કામાં મતદાન યોજાવાનું છે. યુપીની 80 અલગ-અલગ સીટો પર સાત તબક્કામાં એક પછી એક ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી પ્રારંભ થઇ ચુક્યું છે, જ્યારે સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને આવવવાના છે.