આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રાહુલ ગાંધી મુદ્દે રાજ્યસભા સાંસદ કેસરીદેવ સિંહ શું કહી ગયા?

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમા કોઈ મુદ્દો નથી રહ્યો, પ્રખર ગરમી વચ્ચે કરવામાં આવતા સંવાદમાં સમાજ ઉત્કર્ષ, માત્ર સામાજિક બેઠકો, અને સધાતો સંવાદ. પ્રજાકીય પ્રશ્નો અને વેદનાને વાચા આપતું પ્રતિનિધિત્વ કરવાના કદાચ કોઈ કોડ નથી રહ્યા. બધુ જ નરેન્દ્રભાઇના વિકાસની યશગાથામાં આવી જાય છે તેવું ઉમેદવારો માને છે અને મતદારોને જાહેરસભામાં સમજાવે છે. વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીને રસસ્તામાં ઉભરાતી ગટરના નિરાકરણ માટે એક રાહદારી ઊભા રાખીને સવાલો પૂછે ત્યારે, ઉમેદવાર માટે સ્થિતિ હાસ્યાસ્પદ થઈ જાય તેવો ઘાટ ઘડાયો. જો કે, ઉમેદવારે મનમાં કહ્યું હોય કે, ‘હું લોકસભાનો ઉમેદવાર છુ. હવે આ કામ મારુ નહીં’ તેવું શક્ય છે. પણ ગુજરાતમાં આખી ધરી હવે ક્ષત્રિય સમાજનો ભાજપ તરફનો વિરોધ ‘ટોક ઓફ ધ સ્ટેટ’ બન્યો છે.આ વચ્ચે વાંકાનેરના રાજવી પરિવારના કેસરિદેવ સિંહ જેઓ રાજ્યસભા સાંસદ પણ છે તેમણે આજે રાહુલ ગાંધીના રાજા રજવાડા પર કરેલી પત્રકાર પરિષદ રાજકીય વિશ્લેષકો તો ઠીક સામાન્ય નાગરિકને પણ ’ઉડીને આંખે વળગી છે’.

ક્ષત્રિય સમાજ જે કારણથી રોષે ભરાયો છે તે પરસોત્તમ રૂપાલાનું નિવેદન છે. ત્યાર પછીનો ઘટનાક્રમ આખું ગુજરાત જાણે છે. ભાજપ પાસે સમાધાનની ફોર્મ્યુલાના ભાગરૂપ ‘રૂપાલા ના જોઈએ’નો તંત પણ પકડાયો. પણ ‘ધાર્યું ધણીનું થાય’ એ કહેવત પ્રમાણે જ પાર્ટીએ રૂપાલા જ ઉમેદવાર વાળી વાત પર હવે ક્ષાત્રવટ પર આવીને ઊભી છે,જ્યારે ચૂંટણીના મતદાન આડે હવે એક જ સપ્તાહ બાકી છે.

સ્વાભાવિક છે કે કેસરીદેવ સિંહ સતાધારી પાર્ટીના સાંસદ છે,એટલે રાહુલ ગાંધીના રાજા-રજવાડા વાળા નિવેદન પર પોતાનું નિવેદન આપે. પણ એક જ દિવસમાં ઉપાધ્યક્ષ ભારત બોઘારા અને કેસરીદેવસિંહ બંને એ પત્રકાર પરિષદ યોજવી પડે તેવો કયો પહાડ તૂટી પડ્યો ? મુદ્દા અલગ હશે,સૂર એક જ.

રાજ્ય સભા સાંસદ કેસરીદેવસિહ રૂપાલાના નિવેદન માટે ક્ષોભ અનુભવી ચૂક્યા છે ? ગામડે-ગામડે ક્ષત્રિય સમાજનો વિરોધ હવે ભાજપના દિગ્ગજ નેતાઓની શહેરી સભા સુધી પહોચ્યો છે, તેનો રંજ છે રાજવી પરિવારના કેસરિદેવ સિંહને ? પરસોતમ ભાઈના નિવેદન થી સાંસદને કશું અરુચિકર લાગ્યું તે અંગે પણ ફોડ પાડ્યો હોત તો ક્ષત્રિય સમાજને પણ ‘કાળજે ઘા,પર મલમની કદાચ અનુભૂતિ થાત’.પણ અપેક્ષિત રીતે જ એવું કશું ન થયું.

શું કહ્યું રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહે ?
વાંકાનેરના રાજવી અને ભારતીય જનતા પક્ષ રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલાના જમાનામાં રાજવીઓ પ્રજા માટે સતત ચિંતા કરતા હતા.562 રજવાડા દેશ હિત માટે જોડાયા હતા.રાહુલ ગાંધીને ઇતિહાસ જાણવાની જરૂર છે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દા પર સ્પષ્ટતા કરે. ગુજરાતની પ્રજા અને ક્ષત્રિય સમાજ આને વખોડે છે. અને નિવેદન બદલ માફી માંગી જોઈએ

લોકો આ વખતની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા કરી રહ્યા છે કે મોંઘવારી બેકારી શિક્ષણ આરોગ્ય ટેકનોલોજી વિજ્ઞાન રોડ રસ્તા વિકાસ… આ બધા મુદ્દાઓ ચૂંટણીમાંથી ગુમ થઈ અને માત્ર રાજા રજવાડા અને ક્ષત્રિય આ શબ્દની આસપાસ દરેક પક્ષની પીન અટકી ગઈ છે.

રૂપાલાનું નિવેદન ક્ષત્રિય સમાજની અસ્મિતા પર ‘ઘા’- કોંગ્રેસ

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ડોક્ટરે હેમાંગ વસાવડાએ કહ્યું કે રાહુલ ગાંધીનું એક વિધાન ભાજપના દરેક લોકોને અખરી ગયું વડાપ્રધાન થી માંડી અને કાર્યકર સુધી માફી માગવા માટે સોશિયલ મીડિયા પર તૂટી પડે છે તો પુરુષોત્તમ રૂપાલા જેણે રજવાડાની અસ્મિતા ઉપર ઘા કર્યો છે, બહેનો દીકરીઓની ચારિત્ર ની વાત ઉછાળી છે, સામાન્યમાં સામાન્ય ક્ષત્રિય પણ અસ્મિતા ની લડાઈ લડી રહ્યા છે ત્યારે ભાજપના આ ક્ષત્રિય નેતાઓને પરસોત્તમ રૂપાલની એ વાત કેમ ખૂંચતી નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપાલાને કેમ હટાવ્યા નહીં.ત્યારે ક્ષત્રિય સમાજ વ્હાલો ન હતો? આ તો એવી વાત થઈ કે ભૂકંપનો 2.1 નો ઝટકો વધારે લાગે છે અગાઉ 9.1 નો ઝટકો આવ્યો તેનું કાંઈ નહીં? ક્ષત્રિય સમાજ અને સામાન્ય માણસ પણ આ રાજકારણ સમજી શકે એટલી વિચાર શક્તિ ધરાવે છે. ભાજપના નેતાઓ લોકોને મૂરખ સમજતા હોય તો તે તેમની ભૂલ છે. આમ ડોક્ટર વસાવડાએ શાબ્દિક પ્રહારો કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button