કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હેલિકોપ્ટરે ટેકઓફ વખતે ગુમાવ્યું સંતુલન…

બેગુસરાયઃ લોકસભાની ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરવાની સાથે દેશના દરેક વિસ્તારમાં પ્રચાર કરી સભાનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પેહલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા તેમના નેતાઓને ચૂંટણી પ્રચાર અને સભામાં પહોંચવા માટે સૌથી વધુ હેલિકૉપ્ટર્સ ભાડાં પર લેવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહ જાહેરસભામાં જતી વખતે હવામાં જ તેમનું હેલિકૉપ્ટરનું બેલેન્સ બગડી જવાની ઘટના બની હતી.
આજે બિહારના બેગુસરાયમાં ભાજપ નેતા અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. ચૂંટણી પ્રચાર માટે અમિત શાહ હેલીકૉપ્ટરથી અહીં પહોંચવાના હતા, પરંતુ અમિત શાહના હેલીકૉપ્ટરનું અચાનક બેલેન્સ જતાં તે હવામાં જ ડોલવા માંડ્યુ હતું. ટેક ઓફ કરતી વખતે અમિત શાહના હેલીકૉપ્ટરે બેલેન્સ ગુમાવ્યું હતું.
જોકે આ હેલીકૉપ્ટરનું હવામાં જ બેલેન્સ જવાની ઘટનામાં અમિત શાહ બચી ગયા હતા અને તેમને કોઈ પણ ઇજા થઈ નથી. આ હેલિકૉપ્ટરે જ્યારે સંતુલન ગુમાવ્યું ત્યારે અમિત શાહ તેની અંદર જ બેઠા હતા, જેને કારણે મેદાન પર હાજર રહેલા દરેક લોકો ગભરાઈ ગયા હતા તેમ જ આ હેલિકૉપ્ટરનો અકસ્માત થવાની પણ મોટી શક્યતા હતી.
જોકે હેલિકૉપ્ટરના પાઇલોટે સમયસર હેલિકૉપ્ટર પર ફરીથી કાબૂ મેળવી લેવા મોટી હોનારત ટળી ગઈ હતી.
અમિત શાહ જે હેલિકૉપ્ટરમાં બેઠા હતા તે હેલિકૉપ્ટરમાં કયા પ્રકારની અને કયા કારણસર ખરાબી સર્જાઈ હતી, તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી તેમ જ આ મામલે કોઈપણ સત્તાવાર જાહેરાત પણ હજુ સુધી કરવામાં આવી નથી.