એકસ્ટ્રા અફેર

હવે રાજા-રજવાડાંના અપમાનનો વિવાદ, હે રામ…

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલા નિવેદનની મગજમારી પતી નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા-રજવાડાં વિશે કરેલી બફાટથી નવો ફણગો ફૂટ્યો છે. રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં કહ્યું કે, ભારતમાં રાજા-મહારાજાઓનું રાજ હતું ત્યારે એ લોકો ઈચ્છે તે કરતા હતા. જેની જમીન જોઇએ છિનવીને લઈ લેતા હતા. કૉંગ્રેસ અને કૉંગ્રેસના કાર્યકરોએ દેશની જનતા સાથે મળીને આઝાદી અપાવી, લોકશાહીની સ્થાપના કરી અને દેશને પોતાનું બંધારણ આપ્યું.

રાહુલના નિવેદન સામે ભાજપના નેતા મેદાનમાં આવી ગયા છે. ભાજપના નેતા રાહુલના નિવેદનને ક્ષત્રિય અને હિંદુત્વનું અપમાન ગણાવી રહ્યા છે તો મોદીએ તો આ વાતને હિંદુ વર્સીસ મુસ્લિમનો રંગ આપીને રાહુલ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આક્ષેપ જ મૂકી દીધો મોદીનું કહેવું છે કે, રાહુલ ગાંધીએ શિવાજી મહારાજ અને કિત્તુર ચેન્નમા જેવા ભારતના મહાન રાજાઓ અને રાણીઓનું અપમાન કર્યું છે. કૉંગ્રેસના રાજકુમારે કહ્યું છે કે ભૂતકાળના રાજા-મહારાજાઓ ક્રૂર શાસકો હતા કે જેમણે સામાન્ય લોકોની સંપત્તિ છીનવી લીધી હતી.

મોદીના કહેવા પ્રમાણે તો, રાહુલે એમ પણ કહ્યું કે. રાજા-મહારાજા પોતાની પ્રજાનું શોષણ કરતા હતા અને તેનો અર્થ શું છે? તેનો અર્થ ફક્ત એ જ થાય કે, રાહુલે શિવાજી મહારાજ જેવા મહાન રાજા અને કિત્તુર ચેન્નમ્મા જેવી મહાન રાણીઓનું અપમાન કર્યું છે. કિત્તુર ચેનમ્મા કોણ છે તેની દેશનાં મોટા ભાગનાં લોકોને ખબર જ નથી તેથી જાણ ખાતર કહી દઈએ કે, કિત્તુર ચેનમ્મા કર્ણાટકના કિત્તુર નામના રજવાડાનાં રાણી હતાં કે જેમની છાપ પ્રજાવત્સલ રાણી તરીકેની હતી.

મોદીએ સવાલ કર્યો છે કે હું રાજકુમારને પૂછવા માંગુ છું કે તમે રાજા-રાણીઓનું અપમાન કરો છો અને ટીકા કરો છો પણ તમે સદીઓ સુધી નવાબ, નિઝામ, સુલતાનન અને બાદશાહો દ્વારા કરવામાં આવેલા અત્યાચારો વિશે કેમ બોલતા નથી? તમે રાજા-રાણીઓના યોગદાન વિશે જાણતા નથી કે પછી તુષ્ટિકરણના રાજકારણમાં જ રચ્યાપચ્યા રહેવા માંગો છો? કૉંગ્રેસના નેતાઓને ઔરંગઝેબે કરેલા અત્યાચાર યાદ નથી અને એવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરી રહ્યા છે જે ઔરંગઝેબની પ્રશંસા કરતી રહે છે. મંદિરોનો નાશ કરનારા અને ગૌહત્યા કરનારા સુલતાનોની ટીકા કરતાં કૉંગ્રેસને પેટમાં દુ:ખે છે.

કૉંગ્રેસે પણ સામે રાહુલ ગાંધીના નિવેદનને યોગ્ય ગણાવીને રાહુલ ગાંધીના નિવેદનના વીડિયો સાથે ભાજપે છેડછાડ કરી હોવાનો આક્ષેપ મૂક્યો છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદીનો સંસદનો જૂના વીડિયો મૂક્યો છે. શક્તિસિંહ ગોહિલનો દાવો છે કે, દેશની સંસદમાં વડા પ્રધાન મોદીએ જ કહ્યું હતું કે રાજા મહારાજાઓ સાથે અંગ્રેજોની સાઠગાંઠ હતી. ભાજપ આ મુદ્દે બિલકુલ ચૂપ છે પણ રાહુલે રાજા-રજવાડાંનું અપમાન કરી નાંખ્યું હોવાની રેકર્ડ ચાલુ રાખી છે.

આ વિવાદમાં ભાજપ અને કૉંગ્રેસમાંથી કોણ સાચું છે તેની પળોજણમાં આપણે નથી પડતા પણ આ વિવાદ પરથી બે વાત સ્પષ્ટ છે. પહેલી વાત એ કે, આપણા રાજકારણીઓને બીજાંની લીટી નાની કરીને પોતાની લીટી મોટી બતાવવામાં રસ છે. ને બીજી વાત એ કે, આપણા રાજકારણીઓ લોકોને ભૂતકાળમાં જ રચ્યાપચ્યા રાખવાની ગંદી માનસિકતામાંથી બહાર આવવા માગતા જ નથી. આ દેશની સમસ્યાઓ, દેશનાં લોકોની તકલીફો વગેરેનું તેમના માટે કોઈ મહત્ત્વ નથી. લોકોની લાગણીઓને ઉશ્કેરીને સત્તા કબજે કરવામાં જ તેમને રસ છે.

આ વાત કૉંગ્રેસને પણ લાગુ પડે છે અને ભાજપને પણ. રાહુલ ગાંધીએ કૉંગ્રેસની લીટી મોટી કરવા રાજા-રજવાડાંની લીટી નાની કરીને તેમને અત્યાચારી કે લોકોની સંપત્તિ છિનવી લેનારા કહેવાની જરૂર જ નહોતી કેમ કે ઐતિહાસિક રીતે આ વાત સાચી નથી. રાહુલ ગાંધી ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં કરીને બધાંને એક લાકડીઓ હાંકે એ તેમનું અજ્ઞાન દર્શાવે છે. આ દેશમાં ઘણાં એવાં રજવાડાં હતાં કે જેમણે પ્રજાને ન્યાયપૂર્ણ શાસન આપ્યું અને લોકોનું ભલું કર્યું. રાહુલે આ ઈતિહાસ જાણવો જોઈએ અને રાજા-રજવાડાંના યોગદાનને સમજવું જોઈએ.

બીજી વાત એ કે, આ દેશની આઝાદી માત્ર કૉંગ્રેસની દેન નથી. દેશની આઝાદી વખતે કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી તેથી બધાં તેની છત્રછાયામાં લડ્યાં તેથી તેને જશ મળ્યો, બાકી આઝાદીની લડત એકલા કૉંગ્રેસીઓની લડત નહોતી. અંગ્રેજો સામે આખો દેશ એક સાથે થઈને લડ્યો હતો ને તેના કારણે આ દેશને આઝાદી મળી હતી. આ દેશનું બંધારણ પણ કૉંગ્રેસની દેન નથી ને દેશના બંધારણમાં અપાયેલા અધિકારો પણ કૉંગ્રેસે નથી આપ્યા. દેશની બંધારણ સભામાં આખા દેશના પ્રતિનિધિ હતા તેથી બંધારણ આ દેશની પ્રજાએ બનાવ્યું છે કૉંગ્રેસે નહીં.

ભાજપ પણ આખી વાતને વિકૃત રીતે રજૂ કરી રહ્યો છે કેમ કે, આ દેશમાં બધા મુસ્લિમ સુલતાનો કે બાદશાહો પણ અત્યાચારી નહોતા. ઘણા મુસ્લિમ શાસકો અત્યાચારી હતા તો હિંદુ શાસકો પણ અત્યાચારી હતા જ તેથી કોઈ એક ધર્મના શાસકો પર જ અત્યાચારીનું લેબલ ના લગાવી શકાય. ભાજપ, રાજા-રજવાડાંનાં અપમાનને ક્ષત્રિયોના અપમાનમાં ખપાવી રહ્યો છે પણ વાસ્તવમાં બધા રાજા ક્ષત્રિય નહોતા. ભાજપ પોતાના ફાયદા માટે એક સમાજના અપમાનનો મુદ્દો ચગાવીને કૉંગ્રેસની જેમ જ ગંદુ રાજકારણ જ રમી રહ્યો છે.

ભાજપને પણ એક સવાલ કરવો જોઈએ કે, કૉંગ્રેસ મુસ્લિમ બાદશાહો કે સુલતાનોની ટીકા કરતો નથી તો ભાજપ અય્યાશ ને લોકો પર અત્યાચાર કરનારા હિંદુ શાસકોની નામ જોગ ટીકા કરશે ? મોદીએ રાજાઓની અંગ્રેજો સાથે સાંઠગાંઠ હતી એવું કહેલું તેનો ખુલાસો કરશે?

ક્ષત્રિયોએ પણ એક વાત સમજવાની જરૂર છે કે રાજા-રજવાડાંની ટીકા એ ક્ષત્રિયોની ટીકા નથી કેમ કે બધા ક્ષત્રિયો રાજા નહોતા ને બધા રાજા ક્ષત્રિય નહોતા. આ દેશમાં અત્યાચારી ક્ષત્રિયો સામે લડનારા પણ ક્ષત્રિયો જ હતા. મહારાણા પ્રતાપ માત્ર અકબર સામે નહોતા લડ્યા પણ અકબરની ગુલામી કરનારા રાજપૂતો સામે પણ લડ્યા હતા. રાજકારણીઓ પોતાના ફાયદા માટે ગમે તેવી ફેંકાફેંક કરી નાંખતા હોય છે ને કોઈ પણ વાતને વિકૃત રીતે રજૂ પણ કરી નાંખતા હોય છે. તેના કારણે જે તે સમુદાયને ખરાબ લાગે તેમાં કશું ખોટું નથી પણ તેની સામે હોહા કર્યા વિના ઠંડી તાકાત બતાવવી જોઈએ ને લોકશાહીમાં ઠંડી તાકાત શું છે એ કહેવાની જરૂર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button