વિસ્ફોટ સાથે ફાટ્યું ઓક્સિજન સિલિન્ડર
સપ્લાય કરતા કર્મચારીઓના ચિંથરા ઊડી ગયા
લખનઊઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. અહીં, ઠાકુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાગંજ ચોક પર એક ખાનગી હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડર ફાટતા તેની ડિલિવરી આપવા આવેલા બે યુવકોના મૃત્યુ થયા હતા.
ઘટનાની વિગત મુજબ શોભિત અને આરિફ ઓક્સિજન પ્લાન્ટના કર્મચારી છે. બંને તેમના રાબેતા કામ પ્રમાણે સિલિન્ડર પહોંચાડવા જેપીએસ ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. તે સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે સિલિન્ડર સપ્લાય કરવા આવેલા બંને કર્મચારીઓ ઉછળીને દૂર ફેંકાઇ ગયા હતા અને તેમના હાથ, પગ શરીરથી અલગ થઇ ગયા હતા.
જોરદાર ધડાકાને કારણે બાજુમાંથી પસાર થતી કાર પણ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. આ ઘટનાની માહિતી આપતા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સિલિન્ડર ફાટવાનો અવાજ એટલો જોરદાર હતો કે તે લગભગ 5 મિનિટ સુધી બંને કાનમાં કંઇ જ સંભળાતું નહોતું. તેના કાન જાણે કે બહેરા જ થઇ ગયા હતા.
માત્ર ધુમાડાના વાદળો જ દેખાતા હતા. અકસ્માતને જોતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા તુરંત જ 108 એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચી હતી. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં આરિફનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું.
પોલીસે ઘટનાની નોંધ લઇને તપાસ શરૂ કરી છે. તપાસ બાદ અકસ્માતનું કારણ જાણવા મળશે. જ્યારે ખાનગી હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે તેમની તરફથી ઓક્સિજન સિલિન્ડરનો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી.