કેન્યા ડૂબ્યુંઃ મૃત્યુઆંક ૧૦૦ની નજીક, ફરી શાળાઓ ખોલવાનું મોકૂફ

નૈરોબીઃ ભારે વરસાદ પછી દુબઈમાં સૌથી વધુ નુકસાન થયું હતું, ત્યારબાદ આફ્રિકન દેશ કેન્યામાં વરસાદને કારણે મોટી જાનહાનિના સમાચાર છે. કેન્યામાં ભારે વરસાદના કારણે આવેલા પૂરના લીધે દેશમાં શાળાઓ ખોલવાનું ફરીથી એક અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. જેનું કારણ પૂર્વ આફ્રિકન દેશમાં મધ્ય માર્ચથી પૂર સંબંધિત મૃત્યુઆંક ૧૦૦ની નજીક પહોંચી ગયો હોવાનું મનાય છે.
શિક્ષણ મંત્રાલયે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે પૂરના લીધે કેટલીક શાળાઓ પર પ્રતિકૂળ અસર પડી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ૧૦૦થી વધુ શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા. જેમાંથી કેટલાકની દિવાલો ધરાશાયી થઇ છે તો કેટલાકના છાપરા ઉડી ગયા છે. તમામ શાળાઓ સોમવારે ફરી ખોલવાની હતી પરંતુ હવે ૬મેના રોજ ખુલશે.
નોંધનીય છે કે કેન્યામાં પૂરમાં ૯૩ લોકો મૃત્યુ પામ્યા છે અને રવિવારે રાત્રે ઉત્તરી ગારિસા કાઉન્ટીમાં બોટ પલટી જતા આ સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. કેન્યાના રોડ ક્રોસે જણાવ્યું હતું કે તેઓએ બોટમાંથી ૨૩ લોકોને બચાવ્યા હતા, પરંતુ એક ડઝનથી વધુ લોકો હજુ પણ ગુમ છે. માર્ચના મધ્યભાગથી દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે વધુ વરસાદની ચેતવણી આપી છે.
પોલીસ રેકોર્ડ મુજબ કેન્યામાં સૌથી વધુ મૃત્યુ રાજધાની નૈરોબીમાં નોંધાયા છે. કેન્યાનું મુખ્ય એરપોર્ટ શનિવારે પૂરના પાણીથી ભરાઇ ગયું હતું. જેના કારણે કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. દેશભરમાં ૨૦૦,૦૦૦થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરો ડૂબી ગયા છે અને લોકો શાળાઓમાં આશરો લઇ રહ્યા છે.