માથેરાનમાં મોજઃ પાંચ લાખ પ્રવાસીએ માણી મજા, રેલવેને થઈ આટલી આવક
મુંબઈ: માથેરાન મુંબઈગરાઓ માટે પસંદગીનું હિલ સ્ટેશન રહ્યું છે. મધ્ય રેલવે આ હિલ સ્ટેશન સુધી પહોંચવા માટે ટોય ટ્રેન ચલાવે છે અને એ તેને પર્યટકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. આ ટ્રેને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૩.૫૪ કરોડની મહેસૂલ ઊભી કરી છે. આ ટ્રેનમાં પાંચ લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો.
માથેરાન મુંબઈ, પુણે અને આસપાસના ક્ષેત્રના નાગરિકો માટે નજીકમાં નજીક આવેલું સૌથી પ્રિય હિલ સ્ટેશન છે. ૧૧૭ વર્ષ પહેલાં શરૂ થયેલી નેરલ-માથેરાન ટોય ટ્રેન ભારતની અમુક જ હેરિટેજ માઉન્ટેન રેલવેમાંની એક છે.
નેરલથી માથેરાન સુધી પહાડોની વચ્ચેથી ચાલતી આ ટ્રેનની સર્વિસ નેરોગેજ લાઈન પર છે. આ ઉપરાંત અહીં શટલ સર્વિસ પણ ચાલી રહી છે. વર્તમાનમાં મધ્ય રેલવે નેરલ-માથેરાન-નેરલ વચ્ચે દરરોજ ચાર સેવા અને અન્ય ૧૬ શટલ સેવાઓ ચાલી રહી છે. આમાંથી ૧૨ સેવા દરરોજ ચાલે છે અને ચાર વિશેષ સેવા માત્ર સપ્તાહના અંતે ચાલે છે.
સ્લીપિંગ પોડ્સ પણ શરૂ કરાશે
મધ્ય રેલવે માથેરાનમાં આગામી સમયમાં સ્લીપિંગ પોડ્સ, જેને પોડ્સ હોટેલ પણ કહેવામાં આવે છે, શરૂ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે. આમાં સિંગલ પોડ, ડબલ પોડ અને ફેમિલી પોડની સુવિધા હશે, જે પર્યટકોની જરૂરિયાતોને પૂરી પાડવા માટે વિકલ્પ આપશે.
એસી પોડ વધુ આરામ અને પ્રાઈવસી આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આમાં મોબાઈલ ચાર્જિંગ, લોકર રૂમ, ફાયર એલાર્મ, ઈન્ટરકોમ સિસ્ટમ, ડિલક્સ શૌચાલય અને બાથરૂમ જેવી સુવિધાઓ હશે.