ઇન્ટરનેશનલસ્પોર્ટસ

હેડ-કોચ બન્યા પછી ગૅરી કર્સ્ટને પાકિસ્તાનને શું પ્રોમિસ આપ્યું?

ગિલેસ્પીએ બાબર આઝમની ટીમને ચાર ગુરુચાવી આપી

કરાચી: સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બૅટર ગૅરી કર્સ્ટને અસાધારણ કોચિંગમાં ભારતને 2011માં વન-ડેનો વર્લ્ડ કપ અપાવવા ઉપરાંત ટેસ્ટ-ક્રિકેટમાં મોખરાનું સ્થાન પણ અપાવ્યું હતું અને હવે તેઓ પાકિસ્તાનને ઓછામાં ઓછી એક મોટી આઇસીસી ટ્રોફી અપાવવા માગે છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કર્સ્ટનને આગામી જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ પહેલાં વ્હાઇટ બૉલ ફૉર્મેટ (ટી-20 તથા વન-ડે)ની ટીમના કોચ તરીકે નીમી દીધા છે. જૂનમાં ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાવાનો છે.
ગૅરી કર્સ્ટન હાલમાં આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના મેન્ટર છે. તેઓ ભારત ઉપરાંત સાઉથ આફ્રિકાના ત્રણ વર્ષ સુધી હેડ-કોચ હતા.


આગામી ત્રણ વર્ષમાં (2024થી 2026 દરમ્યાન) ત્રણ મોટી ક્રિકેટ સ્પર્ધા રમાવાની છે. 2024નો ટી-20 વર્લ્ડ કપ અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં અને 2026નો ટી-20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. એ પહેલાં 2025માં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. કર્સ્ટને સોમવારે પાકિસ્તાન બોર્ડના પૉડકાસ્ટમાં કહ્યું, ‘પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે મેં સિમ્પલ ટાર્ગેટ નક્કી કર્યો છે. જો આ ટીમ આગામી ત્રણ મોટી આઇસીસી ઇવેન્ટમાંથી એક જીતશે તો તેમના માટે બહુ મોટી સિદ્ધિ કહેવાશે.’


કર્સ્ટને એવું પણ કહ્યું છે કે ‘પાકિસ્તાનની ટીમ એના બેસ્ટ ફૉર્મમાં રમે એના પર હું ખાસ ધ્યાન આપીશ. જો એવું થશે તો આ ટીમ એકાદ ટ્રોફી તો જીતશે જ. આ ટીમ અત્યારે પર્ફોર્મન્સની દૃષ્ટિએ કઈ સ્થિતિમાં છે અને એમાં શું સુધારો કરવાની જરૂર છે એ હું સૌથી પહેલાં નક્કી કરીશ અને એ રીતે તેમનામાં સુધારો લાવીશ.’


ર્ક્સ્ટન ગુજરાત ટાઇટન્સના મેન્ટર છે એટલે એ કૉન્ટ્રૅક્ટ પૂરો કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીને પાકિસ્તાને ટેસ્ટ ટીમનો હેડ-કોચ બનાવ્યો છે, જ્યારે ભૂતપૂર્વ ખેલાડી અઝહર મહમૂદને ત્રણેય ફૉર્મેટની ટીમનો સહાયક કોચ બનાવવામાં આવ્યો છે.


ગિલેસ્પીએ પૉડકાસ્ટમાં કહ્યું છે, ‘પાકિસ્તાનના નૅશનલ ક્રિકેટર્સને મારી મુખ્ય સલાહ એ છે કે તમે તમારી સ્ટાઇલની ક્રિકેટ રમજો, તમને જે અભિગમ માફક ન આવતો હોય એની પાછળ પડવાનું છોડી દેજો. મારી ચાર સલાહ ખાસ ધ્યાનમાં રાખજો. મેદાન પર ઊતરો એટલે હકારાત્મક અભિગમ જ જાળવી રાખજો, આક્રમકતા પણ એટલી જ જરૂરી છે, ક્રિકેટચાહકોને મનોરંજન પૂરું પાડતા રહેજો અને હંમેશાં ચહેરા પર સ્મિત જાળવી રાખજો. ગેમને એન્જૉય કરતા રહીને જ રમજો.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button