ભારતીય નેવીનું અદભૂત પરાક્રમ, હુતી મિસાઈલ હુમલાનો શિકાર બનેલા તેલ જહાજને બચાવી લીધું
હુથી બળવાખોરોએ અરબી સમુદ્રમાં પનામા-ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર એમવી એન્ડ્રોમેડા સ્ટાર પર મિસાઈલ ફાયર કરી હતી. આ ટેન્કરમાં 22 ભારતીયો સહિત 30 ક્રૂ મેમ્બર હતા. ટેન્કરે તરત જ ઈમરજન્સી મદદ માટે અપીલ કરી હતી. એ સમયે નજીકના ભારતીય નૌકાદળના જહાજ INS કોચીએ તાત્કાલિક કાર્યવાહી કરી તેની મદદ કરી હતી. આ ઘટના 26 એપ્રિલ 2024ની છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ યમનમાંથી ત્રણ એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. લાલ સમુદ્રમાં મૈશા અને એમવી એન્ડ્રોમેડા સ્ટાર વાણિજ્યિક જહાજોનું લક્ષ્ય હતું. MV એન્ડ્રોમેડા સ્ટાર એ સેશેલ્સ દ્વારા સંચાલિત પનામા-ધ્વજવાળું જહાજ છે.
જોકે, મિસાઈલને કારણે જહાજને વધુ નુકસાન થયું નથી, પરંતુ ભારતીય નૌકાદળનું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ કોચી તરત જ ટેન્કરને મદદ કરવા પહોંચી ગયું હતું. તેણે જહાજ ઉપરના તમામ ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા હતા. આ દરમિયાન નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા એરિયલ રિકોનિસન્સ કરવામાં આવ્યું હતું. આસપાસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. નેવીની એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ ટીમે ટેન્કર પર મિસાઈલ હુમલાના સ્થળની તપાસ કરી હતી. નેવીએ જણાવ્યું હતું કે 22 ભારતીયો સહિત તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. જહાજને તેના આગામી પ્રવાસ માટે રવાના કરવામાં આવ્યું છે.
INS કોચીની તાકત વિશે વાત કરીએ તો INS કોચી કોલકાતા વર્ગનું બીજું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જહાજ છે. આ જહાજ 2015થી નેવીમાં તૈનાત છે. 7500 ટન વિસ્થાપન સાથેના આ યુદ્ધ જહાજની લંબાઈ 535 ફૂટ છે. બીમ 57 ફીટ છે. છ પ્રકારના આધુનિક સેન્સરથી સજ્જ આ જહાજ મહત્તમ 56 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. આ જહાજત્રણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વોરફેર અને ડિકોય સિસ્ટમથી સજ્જ. 32 બરાક-8 અને 16 બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ. 1 Oto Melara 76 mm નેવલ ગન, 4 AK-630 CIWS, 4 ટોર્પિડો ટ્યુબ, 2 RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચરથી સજ્જ છે. તેના પર બે સી કિંગ અથવા ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે.
ભારતનું ધ્યાન માત્ર ચીન અને પાકિસ્તાનની સુરક્ષા પર નથી. ભારતીય નૌકાદળ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સતત ધાક જમાવીરહ્યું છે. આખી દુનિયા તેની પ્રશંસા કરી રહી છે. નવેમ્બર 2023 થી અત્યાર સુધીમાં ભારતીય નૌકાદળે 110 લોકોને દરિયામાં ચાંચિયાઓ અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચાવ્યા છે.
14 ડિસેમ્બર 2023… એમવી રૂએનને હાઇજેક કરવામાં આવ્યું હતું. ભારતીય નેવીએ હાઇજેકરોનો પીછો કર્યો હતો અને ખલાસીઓને બચાવ્યા.
23 ડિસેમ્બર 2023… MV કેમ પ્લુટો પર ડ્રોન હુમલો. નેવીએ તાત્કાલિક કાર્યવાહી કરી.
04 જાન્યુઆરી 2024… એમવી લીલા નોરફોકનું હાઇજેકીંગ રોક્યું.
17 જાન્યુઆરી 2024… MV Genco Picardy પર ડ્રોન/મિસાઇલ હુમલા બાદ તુરંત એક્શન લીધી
26 જાન્યુઆરી 2024… MV માર્લિન લુઆન્ડા પર થયેલા મિસાઇલ હુમલામાં તાત્કાલિક કાર્યવાહી કરી
29 જાન્યુઆરી 2024… SLFV લોરેન્ઝા પુથાનું હાઇજેકીંગ રોક્યું
28/29 જાન્યુઆરી 2024… FV ઈમાન અને અલ નૈમીને હાઇજેક થતું અટકાવ્યું.
29 જાન્યુઆરી 2024… FV Omari નું હાઇજેકીંગ અટકાવ્યું
22 ફેબ્રુઆરી 2024… એમવી આઇલેન્ડર પર થયેલા મિસાઇલ હુમલા પર તાત્કાલિક કાર્યવાહી કરી.
04 માર્ચ 2024… MV MSC સ્કાય-2 પર મિસાઈલ હુમલો થયો ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરી.
06 માર્ચ 2024… MV ટ્રુ કોન્ફિડન્સ પર મિસાઈલ હુમલો થયો ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરી.
29 માર્ચ 2024… અલ-કંબર જહાજમાંથી તમામ ક્રૂને છોડાવ્યા. 9 લૂંટારૂઓની કરી ધરપકડ.
ભારતીય નેવીની શૌર્યગાથા અનંત છે.