બારડોલીમાં ક્ષત્રિય સમાજનો હુંકાર, ‘આ લડાઈ હાર-જીતની નહીં, અમારી અસ્મિતાની છે, ભાજપ 10 બેઠકો ગુમાવશે’
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ધોબીપછાડ આપવાની રણનીતિ સાથે ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. જે રણનીતિના ભાગરૂપે રાજકોટના રતરપુર બાદ આજે દક્ષિણ ગુજરાતના બારડોલી ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. બારડોલીમાં આ બીજા ક્ષત્રિય મહાસંમેલનમાં રમજુભાએ ‘બસ હવે બહુ થયું’નું સૂત્ર આપ્યું હતું.
આજે બારડોલીમાં કેદારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું હતુ. જેમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા, પીટી જાડેજા અને મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત આ સંમેલનમાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લાના ક્ષત્રિય અગ્રણીઓ સહિત 10 હજાર જેટલા અગ્રણીઓ સામેલ થયા હતા.
સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ ક્ષત્રિય સમાજનું મહાસંમેલનમાં ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા કહ્યું કે, ‘આ લડતના કારણે અમારી ઉપર આંદોલનકારીનો ટેગ લગાવી દેવામાં આવ્યો છે. આથી મત આપવા જાવ, ત્યારે તમારી દીકરીનો ચહેરો જોઈને જજો. ગુજરાતમાં ભાજપ 10 બેઠકો ગુમાવશે અને રુપાલા તો 1 હજાર ટકા હારશે. રાજકોટ લોકસભા બેઠક માટે અમે બૂથ કમિટિ તેમજ મધ્યસ્થ કાર્યાલય પણ બનાવી દીધુ છે.
આપણે EVMમાં ભાજપ સામેનું બટન અડ્યા વિના સાફ રાખવાનું છે. બારડોલીમાં તાપમાન 40 ડિગ્રી છે, પણ સંમેલન જોઈ 80 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. અસ્મિતાનું કેન્દ્ર બિંદુ રાજકોટ છે. તમે અમારી પાઘડી ઊછાળી છે, તમે સમજી લેજો. અમારું નાક કાપવા વાળાનું નાક અમે રહેવા દેતા નથી. ગુજરાતમાં ભાજપ 10 બેઠકો ગુમાવી રહી છે.”
આ મહાસંમેલનમાં તૃપ્તિ બાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, ‘અમારી આ લડાઈ હાર-જીતની નહીં, પરંતુ અમારી અસ્મિતાની છે. રુપાલા હોય કે રાહુલ, વાત સમાજની છે. રુપાલાને માફી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. 52 હજાર બૂથ પર રુપાલા જ છે, એમ સમજીને વોટ આપજો. રુપાલાને હરાવવા માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીશું. હમણાં તલવાર મ્યાંનમાં છે.
આપણી તલવાર આપણી મત બેંક છે અને ઈવીએમમાં 3 સેકન્ડ સુધી દબાવી રાખજો. નાના ગામમાં ભાજપ પ્રચાર કરી શકતું નથી અને નાની ઓરડીમાં મીટીંગ કરી રહ્યા છે. આ સિવાય તેમણે ક્ષત્રિયાણીઓની શક્તિ પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘તમે 5 મીટરની પાઘડીમાં આટલું અભિમાન કરો છો અમે 10 મીટરની કેસરી સાડી પહેરીએ છીએ અમે પાવર હાઉસ છીએ’.
દશરથબા વાઘેલાએ પણ ભાજપને નિશાન બનાવતા કહ્યું કે, આ 26 વીઘાના મેદાનમાં કમળના ફૂલ ખીલવવાના હતા, પરંતુ રુપાલાના એક શબ્દના કારણે કમળના બધા ફૂલનું નિકંદન નીકળી જવાનું છે. આજે ભાજપના નેતાઓ ગામડામાં પ્રચાર માટે નથી જઈ શકતા અને નાની ઓરડીમાં મિટિંગ કરી રહ્યાં છે. આજ રાજપૂતોની તાકાત છે.
પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વાત કરતાં કહ્યું કે, ‘રાજકીય રીતે ક્ષત્રિયોની બાદબાકી કરવામાં આવી છે, આપણે બધુ જ જાણીએ છીએ કે રાજ્યસભા, વિધાનસભા અને લોકસભામાં આવગણના કરવામાં આવી રહી છે.
મારા હાથ નીચે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. સરકારમાં માંગણી મૂકીએ ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિમાં ન મુકાય તેને માટે યોગ્ય રજૂઆત કરવામાં આવે. રૂપાલાના મુદ્દે સંકલન સમિતિ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
,