અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ!
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં જાણ્યું કે સર્વત્ર પરમાત્માને જોવાની દૃષ્ટિથી નમ્રતા આવે છે. હવે આગળ ભગવાન કૃષ્ણ કહે છે-
“સર્વત્ર અંતર્યામી રૂપે રહેલા પરમાત્માને જે ભક્ત મન દ્વારા સમાન ભાવથી જુએ છે તે પોતાનો નાશ કરતો નથી, તેથી પરમ મુક્તિને પામે છે.સનાતન હિંદુ સંસ્કૃતિની એક વિલક્ષણ સમજણ એટલે સમગ્ર જડ ચેતન સૃષ્ટિમાં પરમાત્માની હાજરીનો સ્વીકાર ! આપણા ઋષિમુનિઓ તથા સંતોએ વૈદિક ગ્રંથોનું અધ્યયન અને આધ્યાત્મિક સાધનાને પરિણામે આ નક્કર વાતની ભેટ આપણને આપી છે. આ સમગ્ર સૃષ્ટિ પરમાત્માના અનુપ્રવેશથી ઉદ્ભવી છે. અને એટલે દરેક કણ કણ અને જીવ- પ્રાણીમાત્રમાં પરમાત્માનો અંતર્યામીપણે વાસ છે. અને એટલે જ સનાતન ધર્મમાં પર્વત, નદી, સમુદ્ર, વૃક્ષ, પશુ સહિત અન્ય મનુષ્યમાં પરમાત્માને જોવાની એક આગવી સમજણ રહેલી છે. અને તેને પરિણામે પેઢી દરપેઢી આ સમાજ કેળવાતી આવી છે. આજ કારણસર ગંગા-યમુના વગેરે નદીઓનું પૂજન, ગોવર્ધન પૂજા કે ગિરનાર પરિક્રમા, તુલસી કે પીપળાના વૃક્ષની પૂજા, ધરતીની પૂજા વગેરે સનાતન પરંપરાનો સહજ ભાગ છે. ભગવાન સર્વત્ર છે આ વાક્ય રોજબરોજના જીવનમાં અનેક વખત આપણે સાંભળ્યું હશે. આવી જ અનુભૂતિને વર્ણવતાં ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયું છે-
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપે અનંત ભાસે ..
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા
થઈ ફૂલી રહ્યો આકાશે .
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા
અંતે તો હેમનું હેમ હોયે .
જોકે આ પ્રમાણે બોલે તો છે લગભગ બધા, પણ આ વાતને માનીને વર્તે છે કેટલા? એ પ્રશ્ર્ન છે. અહીં જ મોટો તફાવત પડે છે. માનવું એટલે ખાલી બોલવું નહિ, પણ તે પ્રમાણે વર્તવું. જો આ વાત જીવમાં ઊતરી ગઈ હોય તો જીવનમાં એ વાત જીવાતી જોવા મળે છે. હિરણ્યકશ્યપુ અને પ્રહલાદની કથાથી સૌ કોઈ પરિચિત છે. અગ્નિથી લાલચોળ કરેલા લોખંડના થાંભલામાં પણ ભક્ત પ્રહલાદને પરમાત્માની હાજરી નિ:શંક અનુભવાઈ અને એટલે જ હિરણ્યકશ્યપુના કહેવાથી તે લોખંડના લાલચોળ થાંભલાને પણ નિર્ભયપણે બાથ ભીડી શકે છે.
જ્યાં સુધી નદી, પર્વત, વૃક્ષ વગેરેમાં ભગવાનનો વાસ છે તે માનવાની વાત છે ત્યાં સુધી તો ઘણા માનીને વર્તી શકે પણ જ્યારે અન્ય મનુષ્યમાં ભગવાનનો વાસ માનવાની વાત આવે છે ત્યાં તકલીફ પડે છે. તેમાં પણ માતા પિતા કે વડીલોને આદર આપવો સહેલો છે. પણ કોઈ સામાન્ય મનુષ્ય હોય, વિરોધી વ્યક્તિ હોય કે બાળક હોય, તેનામાં ભગવાન વસે છે તેમ માનીને તેની સાથે વર્તવું લગભગ અશક્ય બની જાય છે. આ વાત સમજાવતાં ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે ….જે ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, તે પોતાની ઇચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે.
પણ જેમને પરમાત્માનો સાક્ષાત્કાર છે તેમને સમગ્ર સૃષ્ટિમાં પરમાત્માનું દર્શન થાય છે. સાચા સંતો આ રીતે જીવન જીવતા જોવાં મળે છે. કારણ તેમને પરમાત્માનો સાક્ષાત્કાર છે, જેના કારણે સમગ્ર ચરાચર તેમને પરમાત્માનાં અસ્તિત્વની સર્વોચ્ચ પ્રતીતિ રહે છે. આ પ્રતીતિને કારણે તેઓ પોતાની પ્રશંસા કરનારમાં જ નહીં પરંતુ નિંદા કરનારમાં પણ પરમાત્માનું દર્શન કરે છે. ગરીબ-તવંગર, ભણેલા- અભણ, બાળક-વૃદ્ધ સર્વેમાં સમાનભાવે પરમાત્માનું દર્શન થાય છે. કોઈનું પણ દિલ દુભાય તેવું વર્તન ક્યારેય કરતાં નથી.
૧૯૮૬ના વર્ષમાં અમેરિકાના ડલાસ શહેરમાં એક શિબિર પ્રસંગે કેટલાક યુવકો શિબિરના અંતે વાસણ ઉટકવાની સેવા કરી રહ્યા હતા. અચાનક તેમની નજર પાછળ ગઈ તો થોડે દૂર કોઈ જોઈ ન જાય તેમ પ.પૂ. મહંતસ્વામી મહારાજ તે યુવકોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા હતા. ભગવાધારી એક સંત દ્વારા શિષ્ય સમા યુવકોને થતાં દંડવત પ્રણામનું દુર્લભ દૃશ્ય જોઈ, આ સંતની અનોખી સાધુતા યુવકોને સ્પર્શી ગઈ. આ મહંતસ્વામી મહારાજ એટલે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના આદ્યાત્મિક વારસદાર. તેઓ લાખો ભક્તોના ગુરૂપદે બિરાજતાં હોવાં છતાં જાહેરમાં ૫-૬ વર્ષના બાળકને પગે લાગતાં તેઓને લોકોએ જોયાં છે. કારણ તેઓ સર્વમાં રહેલાં પરમાત્માને સમાન ભાવથી જુએ છે.
ભગવાનને સર્વત્ર જોતાં મહાપુરુષોના જીવનમાં મૈત્રી અને દયાભાવ જ નહીં પરંતુ બીજા પ્રત્યે પૂજ્યભાવ પણ સહજ જ હોય છે.