ધર્મતેજ

સાંપ્રત રાજકારણ ને શ્રીરામનો જીવન સંદેશ

ચિંતન -હેમંત વાળા

કળિયુગ ચાલે છે, વાત સાચી છે. કળિયુગનો સૌથી વધુ પ્રભાવ રાજસત્તા પર જોવા મળે છે. જ્યાં ઉપરના સ્તરે જ નીતિમત્તાનો અભાવ હોય ત્યાં એ રોગ સમાજમાં પ્રસરે તે સ્વાભાવિક છે. રાજસત્તા કેવી હોવી જોઈએ અને રાજધર્મ કેવી રીતે પાળી શકાય તે માટે આપણી પાસે તો પ્રેરણાદાયક ઉદાહરણો છે. તેમાં સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રીરામનું છે, રામ-રાજ્યનું છે. અહીં કેટલીક મર્યાદાને કારણે, પ્રસંગોનો ઉલ્લેખ કર્યા વગર, શ્રીરામના જીવનમાંથી આજના રાજકારણ માટે થોડા સૂચનો છે. આ સૂચનો એટલા સહજ છે કે રામના જીવનને થોડું જાણનાર વ્યક્તિ પણ તેનો સંદર્ભ સમજી શકશે.
શ્રીરામના જીવન-ચરિત્ર પરથી સ્થાપિત થાય છે કે વ્યક્તિગત સિદ્ધિ કે હેતુ માટે રાજસત્તાનો ઉપયોગ ન કરી શકાય, સત્તા પ્રાપ્ત થયા પછી વિવેકપૂર્ણ વ્યવહાર બહુ જરૂરી છે. નેતાએ નૈતિક કટિબદ્ધતા જીવનભર જાળવવાની હોય, સમાજ માટે એક આદર્શ ઉદાહરણ સ્થાપવાનું હોય. નેતાના મનમાં વિરોધી પ્રત્યે પણ સમજણ હોવી જોઈએ, તેમની સાથેના વ્યવહારમાં પણ નીતિમત્તા જળવાવી જોઈએ. નેતાએ વિરોધીના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો જોઈએ. શ્રીરામના જીવનનો અભ્યાસ કરતા આ બધી બાબતો પ્રતીત થશે.

શ્રીરામ પોતાના જીવન દ્વારા દર્શાવી ગયા કે રાજાએ – સત્તાધીશે – નેતાએ આદર્શ સાથે ક્યારેય બાંધછોડ ન કરવી; પણ અહીં તો મર્યાદિત સંખ્યાના મત માટે પણ આદર્શોને સદંતર ભૂલી જવામાં આવે છે. શ્રીરામ દ્વારા વિશ્ર્વાસનીયતા સ્થાપિત કરવાની જે વાત છે તે સાંપ્રત સમયમાં ભાગ્યે જ જોવા મળે છે. આજના નેતાઓએ ખાસ સમજવાનું એ છે કે પ્રજાને રામભરોસે ન છોડાય. જો પ્રજાના લાભમાં હોય તો અશક્ય જણાતું કામ પણ હાથ પર લેતા ખચકાટ ન થવો જોઈએ.

પોતાના જીવનમાં શ્રીરામે સ્થાપિત કર્યું કે સત્તાધિશે કોઈપણ સંજોગોમાં ધર્મનો સાથ ના છોડવો – ધર્મ એટલે નિમિત્ત કાર્યથી સ્થપાતું ઉત્તરદાયિત્વ. નીતિમત્તાના ઉચ્ચ ધોરણ સ્થાપવા માટે નેતાએ વિશ્ર્વાસઘાત કરવાથી દૂર રહેવું પડે. સામાજિક અને રાજકીય માપદંડ સાથે શ્રીરામે વ્યક્તિગત જીવનમાં પણ નેતા માટે માપદંડ સ્થાપેલા છે. તેમના જીવન પરથી જણાશે કે નમ્રતા જાળવી રાખવી અગત્યની છે. ક્રોધ પર પણ કાબુ હોવું જોઈએ. શાસ્ત્રોક્ત નિષ્ઠાથી રાજદંડ ધારણ કરવો જોઈએ. પૈસો, પદ, જ્ઞાન કે શસ્ત્રને આધારે મળેલા સામર્થ્યનો ઉપયોગ ધર્મ અને સત્યની સ્થાપના માટે કરવો જોઈએ. રાજકારભાર માટે વ્યક્તિની પસંદગીમાં વ્યક્તિગત સંબંધો વચ્ચે ન આવવા જોઈએ. વાનરસેના સાથે તેમના સંબંધોથી શ્રીરામે એમ સ્થાપિત કર્યું છે કે, દરેક વ્યક્તિમાં એક ચોક્કસ પ્રકારની સંભાવના રહેલી હોય છે. સત્તા પર બેસનાર વ્યક્તિએ દરેકની સંભાવનાનો હકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. દર વખતે શ્રેષ્ઠ મનુષ્યની પસંદગી જરૂરી નથી પણ મનુષ્યમાંથી શ્રેષ્ઠ ગુણો શોધી તેના પ્રયોજનની જરૂર છે. સત્તા પ્રાપ્ત થયા પછી વફાદારીની કદર કરતા આવડવું જોઈએ. કોઈનો ઉપયોગ કરી તેનો ત્યાગ ન કરવાનો હોય. સામાજિક ઉત્કર્ષ માટે સામ-દામ દંડ-ભેદની નીતિ અપનાવી સફળતા માટે પ્રયત્ન કરવો પડે. પરંતુ આ આખી પ્રક્રિયામાં સામાજિક મૂલ્યોનું અવમૂલ્યન થવું જોઈએ. સાંપ્રત સમયમાં નેતાઓ દ્વારા આ બધી બાબતોનું ધ્યાન રખાતું હોય તેવું જણાતું નથી.

કૌટુંબિક તેમજ સામાજિક પરંપરાનું મહત્ત્વ જાળવી રાખવું પડે. સાથે સાથે પ્રશ્ર્નાર્થ જનક બાબતોનું ખંડન પણ કરવું પડે. પરંતુ કુટુંબ કે વ્યક્તિગત સંબંધ સામાજિક ઉત્તરદાયિત્વ કરતા મહત્ત્વના ન થઈ જવા જોઈએ. આજે તો રાજકારણના કેન્દ્રમાં પણ કુટુંબ જ હોય તેમ જણાય છે. વ્યક્તિગત જીવનની બાબતો, સામાજિક અને રાજકીય જીવન પર હાવી ન થઈ જવી જોઈએ. વ્યક્તિગત હેતુ માટે સામાજિક વ્યવસ્થા કે રાજ વ્યવસ્થાનો ઉપયોગ ન કરાય તેમ શ્રીરામ પોતાના જીવન થકી સ્થાપિત કરી ગયા છે. કઠિન તેમજ વિપરીત પરિસ્થિતિમાં પણ સૌમ્યતા જાળવી રાખવી પડે, અને બધાને વિશ્ર્વાસ અપાવવો પડે કે બધું સારું થઈ રહેશે. જ્યારે પડકાર ઉભો થાય ત્યારે પોતે આગળ આવવાનું હોય. સાથે સાથે સમુહકાર્યનું મહત્ત્વ પણ સ્થાપિત થવું જોઈએ. નેતાએ સમાજના હિત માટે જોખમ લેવા પણ તૈયાર રહેવું પડે. શ્રીરામના રાવણ સાથેના યુદ્ધમાં આ બધી બાબતો જોવા મળે છે. નેતાએ નકારાત્મકતાથી દૂર રહેવું જોઈએ. નાની મોટી દરેક વ્યક્તિનું માન જાળવવું અને તેના સહકારની કદર કરવી જોઈએ. પોતે રાજા-પાઠમાં આવ્યા વગર રાજસત્તાના નાટકમાં દરેક પાત્રનું મહત્ત્વ છે તેમ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નેતાઓએ એ સમજવું પડે કે સામર્થ્યવાન વ્યક્તિએ ક્ષમાશીલતાના ગુણ વધુ વિકસાવવા પડે. વ્યક્તિગત ધોરણે નેતાઓએ મૃત્યુની આમાન્યા પણ જાળવવી જોઈએ.

રાજધર્મ એક બાબત છે અને વ્યક્તિગત શ્રદ્ધા બીજી બાબત; આ બંને વચ્ચે ક્યાંય ગૂંચવાડો ન ઊભો થવો જોઈએ.

કૌટુંબિક તેમજ સામાજિક પરંપરાનું મહત્ત્વ ક્યારેય ઓછું ન થવા દેવું. ગમે તે પદ પર પહોંચ્યા પછી પણ ગુરુ, સંસ્કૃતિ અને સંસ્કારનું મહત્ત્વ ઓછું ન થવું જોઈએ. આ બધા રાજકારણ રમવાના સાધનો નથી. સાંપ્રત સમયના નેતાઓમાં પણ ક્યાંક અપવાદ હોય છે. કેટલાક સંપૂર્ણતામાં શ્રીરામ જેવા નહીં હોય, પરંતુ શ્રીરામના કેટલાક આદર્શને તેઓ દ્રઢતાથી અનુસરતા હોય તેમ જણાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ