ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનમાં 200-પ્લસના સ્કોર સાવ સામાન્ય થઈ ગયા છે અને એવામાં ચેપૉકમાં ચેન્નઈએ હૈદરાબાદ સામેના મહત્ત્વના મુકાબલામાં પ્રથમ બૅટિંગ કરવાની તક મળ્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 212 રન બનાવ્યા હતા.
ઋતુરાજ ગાયકવાડ (98 રન, 54 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) 20મી ઓવરમાં 200 રનના ટોટલ પર નટરાજનના બૉલમાં ઉતાવળે સદી પૂરી કરવા જતાં લૉન્ગ-ઑન પર નીતિશ રેડ્ડીને આસાન કૅચ આપી બેઠો હતો. જોકે તે ફરી એકવાર કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો. 23મી એપ્રિલે ચેન્નઈમાં જ તેણે લખનઊ સામે અણનમ સદી (108 રન) ફટકારી હતી, પણ માર્કસ સ્ટોઇનિસની 124 રનની અણનમ સદીના કારણે ગાયકવાડની સેન્ચુરી પાણીમાં ગઈ હતી.
ગાયકવાડની ડેરિલ મિચલ સાથે બીજી વિકેટ માટે 107 રનની અને શિવમ દુબે સાથે 74 રનની ભાગીદારી થઈ હતી. એમએસ ધોનીને ફરી એકવાર ટીમની ઇનિંગ્સની છેવટની પળો રમવા મળી હતી. તેણે એક ફોર સાથે પાંચ રન બનાવ્યા હતા અને લાગલગાટ સાતમી વાર અણનમ રહ્યો હતો. તે આ સીઝનમાં હજી સુધી આઉટ નથી થયો. શિવમ દુબે (39 રન, 20 બૉલ, ચાર સિક્સર, એક ફોર) પણ છેક સુધી આઉટ નહોતો થયો.
ઓપનર અજિંક્ય રહાણે (9 રન) ફરી એકવાર સારું નહોતો રમી શક્યો. જોકે ડેરિલ મિચલે 32 બૉલમાં બાવન રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું.
હૈદરાબાદના ભુવનેશ્ર્વર, નટરાજન અને ઉનડકટને એક-એક વિકેટ મળી હતી.
હૈદરાબાદે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરીને સૌને આશ્ર્ચર્યમાં મૂકી દીધા હતા, કારણકે અત્યાર સુધી પ્રથમ બૅટિંગ મળતાં હૈદરાબાદે 277 રન, 287 રન અને 266 રનના તોતિંગ સ્કોર નોંધાવ્યા હતા અને હવે જ્યારે પહેલા બૅટિંગ કરવાનો મોકો મળ્યો તો એનો લાભ નહોતો લીધો.