ગુજરાતના સફેદ કાંદા નિકાસની મંજૂરી: મહારાષ્ટ્રના ખેડૂતોએ આપી આ પ્રતિક્રિયા
મુંબઈ: કાંદાની નિકાસ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી ગુજરાતના સફેદ કાંદાની નિકાસને મંજૂરી આપતા કેન્દ્ર સરકારના નિર્ણય સામે મહારાષ્ટ્રના ખેડૂતોએ તેમ જ વિરોધ પક્ષોએ અવાજ ઉઠાવ્યો છે.
છ દેશમાં 99,150 મેટ્રિક ટન કાંદાની નિકાસને મંજૂરી આપતા કેન્દ્ર સરકારની એજન્સીના નિવેદનને ભારતીય જનતા પક્ષના નેતાઓએ ટાંક્યું હતું. જોકે, આ નિવેદનને ખેડૂત સંઘે છેતરામણું હોવાનું જણાવી કેન્દ્ર સરકારે ખેડૂતોના લાભમાં નથી એવા જૂના નિર્ણયને નવા સ્વરૂપે રજૂ કર્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
શાસક ભાજપ સરકારે કાંદાના રોકડીયા પાકને ચૂંટણી દરમિયાનની જાહેરાતથી દૂર રાખ્યો છે, કારણ કે બાકીના ત્રણ તબક્કાની મહારાષ્ટ્રની ચૂંટણી (ઉત્તર અને પશ્ચિમ મહારાષ્ટ્ર તેમજ મરાઠવાડા) પહેલા ખેડૂતોમાં અસંતોષ પેદા થવાનો ભય રહેલો છે. જોકે, ગુજરાતથી 2000 ટન સફેદ કાંદાની નિકાસની પરવાનગી કેન્દ્ર સરકારે આપતા વિવાદ ઊભો થયો છે.
નિકાસ પરના પ્રતિબંધને કારણે નુકસાની ભોગવી રહેલા નાશિક અને લાસલગાંવ સહિત કેટલાક જિલ્લાના ખેડૂતોએ તેમની સાથે અન્યાય કર્યો હોવાનું કહ્યું હતું. ખેડૂતોના નેતા રાજુ શેટ્ટીએ બેવડા ધોરણો બદલ ભાજપ અને શાસક જોડાણની આકરી ટીકા કરી હતી. શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે આ નિર્ણય મહારાષ્ટ્ર વિરોધી હોવાનું જણાવ્યું હતું.