નિફ્ટી માટે ૨૨,૩૦૦ની સપાટી નિર્ણાયક: મજબૂત અંડરટોન સાથે બજારની નજર ફેડરલના નિર્ણય, કંપની પરિણામો ઇકોનોમિક ડેટા પર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારને અસરકર્તા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળોમાં કોઇ મોટા ફેરફાર થયા નથી પરંતુ આ સપ્તાહે બજારની નજર એફઓએમસી બઠકના નિર્ણય, કોપોરેટ ક્ષેત્રના ચોથા ત્રિમાસિક પરિણામ, ઓટોનોબાઇલના વેચાણના આંકડા અને સ્થાનિક આર્થિક ડેટા પર રહેશે. પહેલી મેના રોજ મહારાષ્ટ્ર દિન નિમિત્તે બજાર બંધ રહશે. રોકાણકારો ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયની ખાસ પ્રતીક્ષા કરી રહ્યાં છે. આ ઉપરાંત મેન્ટુફેકચરિંગ પીએમઆઇ ડેટાની બજારના સેન્ટિમેન્ટ પર અસર થઇ શકે છે. બજાર હકારાત્મક પૂર્વગ્રહ સાથે મજબૂત થવાની અપેક્ષા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
સમીક્ષા હેઠળાના ૨૬ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બજારે એક ટકાના વધારા સાથે રાહતનો શ્ર્વાસ લીધો હતો, જોકે પાછલા શુક્રવારે અપેક્ષા કરતાં નીચા અમેરિકન જીડીપી અને યુએસ કોર પીસીઇના ઊંચા ભાવો (અગ્રિમ અનુમાન દીઠ)ને કારણે ફેડ રેટ કટ ચક્રમાં વધુ વિલંબનો સંકેત મળતા બજારનો સાપ્તાહિક ઉછાળો મર્યાદિત રહ્યો હતો.
કોર્પોરેટ ક્ષેત્રના માર્ચ ક્વાર્ટરના મિશ્ર પરિણામો, મધ્ય પૂર્વના તણાવમાં મળેલા હાશકારા, ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડા અને મેન્યુફેકચરિંગ અને સર્વિસિસ સેકટરના ફ્લેશ ડેટા સકારાત્મક રહેતા ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. જોકે, તે અગાઉના સપ્તાહમાં ઈન્ડેક્સ ૧.૬૫ ટકા ગબડ્યો હતો.
નિષ્ણતોએ જણાવ્યું હતું કે, આ ચાર સત્રના સપ્તાહમાં, ફેડરલના વ્યાજ દરના નિર્ણય, કોર્પોરેટ કમાણી, માસિક ઓટો વેચાણ ડેટા અને ઉત્પાદન પીએમઆઇ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરીને, બજાર હકારાત્મક પૂર્વગ્રહ સાથે મજબૂત થવાની અપેક્ષા છે. ચાલુ અર્નિંગ સિઝનને ધ્યાનમાં રાખીને વધુ શેરલક્ષી કામકાજમાં વ્યસ્ત રહેશે.
સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ ૦.૮૮ ટકા વધીને ૭૩,૭૩૦ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ઇન્ડેક્સ ૧.૨ ટકા વધીને ૨૨,૪૨૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. પરંતુ વ્યાપક બજારોમાં સારી એવી તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ અનુક્રમે ચાર અને ૪.૪ ટકા ઉછળ્યા હતા અને નવી બંધ ઊંચાઈએ પહોંચ્યા હતા.
સોમવારે, બજારો પ્રથમ આઇસીઆઇસીઆઇ બેન્ક, મારૂતિ સુઝુકી અને એચસીએલ ટેક્નોલોજીના ત્રિમાસિક પરિણામો પર પ્રતિક્રિયા આપશે, જે સપ્તાહના અંતે જાહેર કરવામાં આવ્યા હતા.
ટોચના ફંડ મેનેજરે જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં બજારમાં કોન્સોલિડેશનની અપેક્ષા છે. મોટાગજાના રોકાણકારો બોન્ડ્સ અને સોના તરફ ફંટાઇ શકે છે. વધુમાં, આગામી યુએસ ફેડની નીતિની જાહેરાત અને નોન-ફાર્મ પેરોલ ડેટા વૈશ્ર્વિક બજારોને અસર કરશે, જ્યારે ચાલુ ચોથા ક્વાર્ટરની કમાણીના અહેવાલો સ્થાનિક બજારની ગતિશીલતાને પ્રભાવિત કરશે.
પ્રાથમિક બજારોના મોરચે, આ સપ્તાહે મેઇન બોર્ડમાં કોઈ નવો આઇપીઓ નથી, પરંતુ એસએમઇ સેગમેન્ટમાં હલચલ ચાલુ રહેશે. સ્ટોરેજ ટેક્નોલોજીસ એન્ડ ઓટોમેશન, એમકે પ્રોડક્ટ્સ અને સાઈ સ્વામી મેટલ્સ એન્ડ એલોયસ, એમ ત્રણ કંપનીઓના પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ) ૩૦મી એપ્રિલે ખુલશે અને ત્રીજી મેના રોજ બંધ થશે, જ્યારે સ્લોન ઈન્ફોસિસ્ટમ માટે આઈપીઓ ત્રીજી મેના રોજ ખુલશે.
જીઓસ્પેશિયલ ટેક્નોલોજી સોલ્યુશન્સના અગ્રણી પ્રદાતાઓમાંની એક, સ્કેનપોઇન્ટ જીઓમેટિક્સ લિમિટેડ ૩૦મી એપ્રિલે રૂ. ૪૯.૪૦ કરોડના રાઈટ્સ ઈશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ શેરદીઠ ત્રણ રૂપિયાના પ્રીમિયમ સહિત પાંચ રૂપિયાનો ભાવ જાહેર કર્યો છે. રેકોર્ડ ડેટ ૧૯મી એપ્રિલ નક્કી થઇ હતી અને ભરણું આઠમી મેના રોજ બંધ થશે. રેશિયો ૬૭:૪૭ (રેકોર્ડ તારીખ મુજબ, કંપનીના પાત્ર ઇક્વિટી શેરધારકો દ્વારા પાસે રહેલા દરેક ૬૭ ઇક્વિટી શેર માટે ૪૭ ઇક્વિટી શેર્સ) નક્કી થયો છે.
વૈશ્ર્વિક સ્તરે, તમામની નજર પહેલી મેના રોજ યોજાનારી બે દિવસીય ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના પરિણામ પર રહેશે. બજારના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ ૫.૨૫-૫.૫૦ ટકાના ફેડ ફંડ રેટમાં કોઈ ફેરફારની અપેક્ષા ધરાવતા નથી. બજારનું ધ્યન ફેડ ચેરમેન જેરોમ પોવેલની કોમેન્ટ્રી પર રહેશે.
કોમેન્ટ્રીમાં નિષ્ણાતો ફેડરલ રિઝર્વ તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ક્યારે ઘટાડો કરવાનું શરૂ કરશે તે અંગેના સંકેતો શોધશે. કોર્પોરેટ કમાણી સિવાય, બેરોજગારી દર, નોન ફાર્મ પેરોલ્સ, મેન્યુફેકચરિંગ અને સર્વિસિસ પીએમઆઇ, યુનાઇટેડ સ્ટેટ્સમાંથી માસિક ફેક્ટરી ઓર્ડર ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
અન્ય વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોના મેન્યુફેકચરિંગ પીએમઆઇ ડેટા, યુરોપના જીડીપી ડેટા અને બેન્ક ઓફ જાપાનની નાણાકીય નીતિ મીટિંગની મિનિટ્સ પણ સેન્ટિમેન્ટને અસર પહોંચાડશે.
સ્થાનિક મોરચે પાથછા ફરીએ તો માર્ચ ક્વાર્ટરના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે અત્યાર સુધી મિશ્રિત છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, કોલ ઇન્ડિયા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ટાઇટન કંપની અને કોટક મહિન્દ્રા બેન્ક જેવી નિફ્ટી-૫૦ બેન્ચમાર્કમાની કંપનીઓ સહિત ૨૦૦થી વધુ કંપનીઓ આ સપ્તાહે ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.
આ ઉપરાંત ઈન્ડસ ટાવર્સ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, અદાણી પાવર, અંબુજા સિમેન્ટ્સ, એવન્યુ સુપરમાર્ટ્સ, ટાટા ટેક્નોલોજી, જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક, કેપીઆઈટી ટેક્નોલોજી, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, પૂનાવાલા ફિનકોર્પ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હેવેલ્સ ઈન્ડિયા, બ્લુ સ્ટાર, કોફોર્જ, ડાબર ઈન્ડિયા, ફેડરલ બેંક, ગોદરેજ પ્રોપર્ટીઝ, જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને આઇડીબીઆઇ બેંક પણ સપ્તાહ દરમિયાન તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે.
બજારના સહભાગીઓ એપ્રિલ માટેના માસિક ઓટો વેચાણના આંકડા પર પણ નજર રાખશે, જે પહેલી મેથી બહાર પાડવામાં આવશે. બ્રોકરેજ ટુ-વ્હીલર તેમજ પેસેન્જર વાહનોના વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિની અપેક્ષા રાખે છે, પરંતુ કમર્શિયલ વાહનોના વેચાણમાં નબળાઈ જોવા મળે છે અને ટ્રેક્ટર સેગમેન્ટમાંથી નિરસ સંકેતની ધારણા છે. આ ઉપરાંત, બીજી મેના રોજ રીલિઝ થતા અંતિમ ઉત્પાદન પીએમઆઇ ડેટા પણ જોવામાં આવશે. પ્રારંભિક ડેટા મુજબ, એચએસબીસી મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ એપ્રિલ માટે ૫૯.૧ પર આવ્યો હતો. વધુમાં, માર્ચ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ૩૦ એપ્રિલે જાહેર કરવામાં આવશે, જ્યારે ૧૯ એપ્રિલે પૂરા થયેલા પખવાડિયા માટે બેન્ક લોન અને ડિપોઝિટ વૃદ્ધિના આંકડા અને ૨૬ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણની અનામતો ત્રીજી મેના રોજ જાહેર કરવામાં આવશે.
આ સપ્તાહે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની પ્રવૃત્તિ પર પણ નજર રાખવામાં આવશે, જોકે અગાઉના સપ્તાહમાં તેમજ ચાલુ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં એફઆઇઆઇ આઉટફ્લો સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) દ્વારા સતત મજબૂત ખરીદી દ્વારા સરભર થઇ ગઇ હતી.
અગાઉના સપ્તાહમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેશ સેગમેન્ટમાં રૂ. ૧૪,૭૦૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે ડીઆઇઆઇએ કામચલાઉ ડેટા મુજબ રૂ. ૨૦,૭૯૬ કરોડના શેરની ખરીદી કરી હતી. ચાલુ મહિનામાં હજુ બે ટ્રેડિંગ દિવસો બાકી હોવા છતાં, એપ્રિલમાં અત્યાર સુધીમાં એફઆઇઆઇ દ્વારા કુલ ચોખ્ખું વેચાણ રૂ. ૩૬,૯૩૩ કરોડના સ્તરે હતું, જે જાન્યુઆરી ૨૦૨૩ પછી સૌથી વધુ છે, જ્યારે ડીઆઇઆઇએ મહિના દરમિયાન રૂ. ૪૨,૦૬૫ કરોડની નેટ ખરીદી કરી હતી.
ટેકનિકલી રીતે નિફ્ટી ૫૦ એ સાપ્તાહિક ચાર્ટ પર એક હાઈ વેવ પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે, જે ભાવિ બજારના વલણ વિશે તેજીમંદીવાળા વચ્ચે અનિર્ણાયકતા દર્શાવે છે. એકંદરે, જ્યાં સુધી ઇન્ડેક્સ ૨૨,૩૦૦નું સ્તર ધરાવે છે ત્યાં સુધી વલણ તેજીવાળાની તરફેણમાં રહી શકે છે. જો કે શુક્રવારે દૈનિક ચાર્ટ પર ડાર્ક ક્લાઉડ કવર કેન્ડલસ્ટિક પેટર્ન હતી, જે મંદીનું રિવર્સલ વલણ હતું, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઇન્ડેક્સે ૧૦-અઠવાડિયાના ઇએમએ (૨૨,૨૨૨)નો પણ બચાવ કર્યો હતો, જે ઇન્ડેક્સ માટે આગામી સપોર્ટ તરીકે કામ કરી શકે છે. આથી જો ઇન્ડેક્સ ૨૨,૫૦૦ની સપાટી ફરીથી હાંસલ કરે એન થોડા દિવસો માટે ઉપર ટકી રહે તો નિષ્ણાતોના મતે બેન્ચમાર્ક સરળતાથી ૨૨,૭૦૦-૨૨,૮૦૦ના સ્તરને હાંસલ કરી શકે છે. જો કે ૨૨,૩૦૦ પરના સમર્થનનો ભંગ બજારોમાં વેચાણનું દબાણ વધુ તીવ્ર બનાવી શકે છે. સાપ્તાહિક ઓપ્શન્સ ડેટા દર્શાવે છે કે નિફ્ટીને ઊંચી બાજુએ ૨૨,૫૦૦ પર અડચણનો સામનો કરવો પડી શકે છે, અને તેનાથી ઉપરની ટકાઉપણું ઇન્ડેક્સને બહુપ્રતિક્ષિત ૨૩,૦૦૦ માર્ક સુધી લઈ જઈ શકે છે, જ્યારે ૨૨,૦૦૦ આગામી સત્રોમાં ચાવીરૂપ સપોર્ટ બનવાની ધારણા છે.