નેશનલ

મહાદેવ બેટિંગ એપ કેસઃ અભિનેતા સાહિલ ખાનને પહેલી મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઑનલાઈન મહાદેવ બેટિંગ ઍપ્લિકેશનને પ્રમોટ કરવાના કેસમાં ફિલ્મ અભિનેતા સાહિલ ખાનને આખરે છત્તીસગઢની એક હોટેલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં સાહિલ ખાન વિવિધ રાજ્યોમાં સંતાતો ફરતો હતો, પરંતુ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના અધિકારીઓ પીછો કરી તેની ધરપકડ કરી હતી.

સાયબર સેલની એસઆઈટીએ છત્તીસગઢ રાજ્યના જગદાલપુર સ્થિત હોટેલમાંથી પકડી પાડેલા 50 વર્ષના અભિનેતા સાહિલ જાહીદ ખાનને રવિવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો. કોર્ટે તેને 1 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.


આ પણ વાંચો:
મહાદેવ બેટિંગ ઍપ કેસ અભિનેત્રી તમન્ના ભાટિયાને સાયબર સેલના સમન્સ

સ્ટાઈલ અને એક્સક્યુઝ મી ફિલ્મથી જાણીતા થયેલા અભિનેતા સાહિલ ખાને ગુનો નોંધાયા પછી ધરપકડથી બચવા બૉમ્બે હાઈ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે 24 એપ્રિલે અરજી ફગાવી દીધા પછી ખાન રફુચક્કર થઈ ગયો હતો. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસ ખાનને શોધી રહી હતી.

મુંબઈથી ગુમ થયા પછી ખાન ગોવા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ગઢચિરોલી અને છત્તીસગઢ ગયો હતો. પોલીસની ટીમ સતત તેનો પીછો કરી રહી હતી. આ કેસમાં એસઆઈટીએ અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલો ખાન બીજો આરોપી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


આ પણ વાંચો:
મહાદેવ બેટિંગ એપ મુદ્દે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલની મુશ્કેલી વધી, ગુનો નોંધાયો

ઑનલાઈન બેટિંગ ઍપથી મેળવેલાં નાણાં મિલકત, હોટેલ્સ અને અન્ય વ્યવસાયોમાં ભારત અને વિદેશમાં રોકવામાં આવ્યાં હતાં. ગેરકાયદે ઑનલાઈન સટ્ટાબાજી ચલાવીને નાગરિકો પાસેથી નાણાં પડાવી કથિત છેતરપિંડી કરવા સાથે સરકારને ટૅક્સ ન ભરી આર્થિક નુકસાન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. અંદાજે 15 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આ કેસ નવેમ્બર, 2023ના રોજ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં સાહિલ ખાન અને અન્ય 31 જણ સામે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન આરોપીઓનાં બૅન્ક ખાતાઓ, મોબાઈલ ફોન્સ, લૅપટોપ્સ અને અન્ય ટેક્નિકલ ઉપકરણોની ચકાસણી કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.


આ પણ વાંચો:
મહાદેવ બેટિંગ એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવમાં આવશે

મુંબઈ પોલીસે 32 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) મહાદેવ બેટિંગ ઍપમાં મની લોન્ડરિંગ પ્રકરણની તપાસ હાથ ધરી હતી. આ મામલે ઈડીએ પણ નવ જણની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના એન્ટી કરપ્શન બ્યૂરો/આર્થિક ગુના શાખાએ 14 એપ્રિલે દાવો કર્યો હતો કે તેમની ટીમે પણ નવી દિલ્હી અને ગોવાથી બે જણની ધરપકડ કરી હતી. મહાદેવ ઑનલાઈન ગેમિંગ અને બેટિંગ ઍપ્લિકેશનના કથિત ગેરકાયદે ઑપરેશન્સ સંબંધી આ બન્નેની ધરપકડ કરાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button