ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, અમદાવાદમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો
અમદાવાદ: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીની સાથે સાથે લૂકના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.ત્યારે આજે રવિવારે હવામાન વિભાગે દ્વારા ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં વરસાદ અને ગરમી અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ આખા મહિનાના વાતાવરણની લોન્ગ રેન્જ ફોરકાસ્ટ કરી હતી.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે, રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થવાના નથી. તાપમાન યથાવત રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, કેટલાક વિસ્તારોમાં એકાદ ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે.
આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાં ઘટાડો થતા તાપમાનનો પારો પણ 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજ્યમાં અત્યારની સ્થિતિમાં હીટવેવની કોઇ વોર્નિંગ આપવામાં નથી આવી. છેલ્લા 24 કલાકમાં મહત્તમ અમદાવાદમાં 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.2 ડિગ્રી નોંધાયુ છે. સૌથી મહત્તમ તાપમાનમાં લઘુત્તમ 30.6 ડિગ્રી દ્વારકામાં નોંધાયુ છે.
આ પણ વાંચો: ગરમીના દિવસોમાં તમારા ડાયેટમાં આટલા આહારનું સેવન કરવાનું ચૂકશો નહીં
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતના પૂર્વ અને દક્ષિણ ભાગમાં આવેલા અમુક જિલ્લાઓ જેમ કે, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે પરંતુ, કોઈપણ જિલ્લામાં નોંધી શકાય એવો વરસાદ વરસ્યો ન હતો.
આ જ પ્રકારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતના ભાગોમાં 28 અને 29 તારીખે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મેં મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટીવ વધી શકે છે. અખાત્રીજ આસપાસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા રહેશે.