બે કે ચાર પીએમ બનાવીએ અમારી મરજીઃ હવે કોણે આપ્યું આ નિવેદન?
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ફરી એક વખત વિરોધ પક્ષો પર નિશાન સાધતા વિવાદાસ્પદ નિવદેન આપ્યું છે. આ વખતે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સરમુખત્યાર ગણાવતા કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી એક સરમુખત્યાર દેશ ચલાવી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે નવા વડા પ્રધાન બનાવવાના આપેલા નિવેદનનો જવાબ આપતા રાઉતે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીની લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલી સરકાર એક સરમુખત્યાર કરતાં ખૂબ સારી છે. દેશ એક હુકુમશાહ ચલાવી રહ્યો છે. જેને લોકશાહી પદ્ધતિએ ચૂંટવામાં આવ્યા તે હવે સરમુખત્યાર બની ગયા છે.
રાઉતે વધુમાં કહ્યું હતું કે અમે લોકો બે વડા પ્રધાન બનાવીએ કે પછી ચાર વડા પ્રધાન એ અમારી મરજી છે. કંઇપણ થઇ જાય પણ અમે દેશને સરમુખત્યારશાહી તરફ નહીં લઇ જવા દઇએ.
આ પણ વાંચો: એકનાથ શિંદેને જેલમાં નાખવા ભાજપે કાવતરું રચ્યું હોવાનો સંજય રાઉતનો દાવો
પોતાની જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કરતા રાઉતે કહ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.A. જોડાણ (મહાવિકાસ આઘાડી) 300થી વધુ બેઠકો પર જીતીને આવશે. બે તબક્કાના મતદાન દરમિયાન સ્પષ્ટ થઇ ગયું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના બૈતુલમાં ભાષણ આપતા વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ઇન્ડિયા જોડાણ દ્વારા વન યર વન પીએમ (પ્રાઇમ મિનિસ્ટર)ની યોજના બનાવાઇ રહી છે. એક વર્ષે એક વડા પ્રધાન, બીજા વર્ષે બીજો, ત્રીજા વર્ષે ત્રીજો, ચોથા વર્ષે ચોથો અને પાંચમા વર્ષે પાંચમો વડા પ્રધાન. આમ કહી મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું, જેનો જવાબ રાઉતે પુણેમાં પત્રકારો સાથે વાતચીત કરતા આપ્યો હતો.