સ્પોર્ટસ

લિયોનેલ મેસીનો રેકૉર્ડ-બ્રેક ક્રાઉડ સામે ગોલનો વિક્રમ

મૅસેચ્યૂસેટ્સ (અમેરિકા): આર્જેન્ટિનાનો વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી જ્યાં જાય ત્યાં વધારાનું ક્રાઉડ સ્ટેડિયમ તરફ આકર્ષાય છે અને મેસી મોટા ભાગે ગોલ કરીને પ્રેક્ષકોનો ફેરો ફોગટ નથી જવા દેતો.

શનિવારે રાત્રે એવું જ બન્યું. અમેરિકામાં મૅસેચ્યૂસેટ્સના ફૉક્સબરો ખાતેના સ્ટેડિયમમાં આ પહેલાં એક મૅચમાં વધુમાં વધુ 61,316 પ્રેક્ષકોની હાજરીનો રેકૉર્ડ હતો, પણ શનિવારે 65,612 પ્રેક્ષકોએ મેસીવાળી મૅચ માણી અને એ સાથે પ્રેક્ષકોની સંખ્યાનો નવો રેકૉર્ડ રચાયો હતો. બીજું, મેજર લીગ સૉકર (એમએલએસ) નામની ટૂર્નામેન્ટમાં ઇન્ટર માયામી ટીમ વતી સીઝનની પહેલી સાત મૅચમાં 16 ગોલ કરવાનો નવો વિક્રમ મેસીએ નોંધાવ્યો છે.


આ પણ વાંચો:
પ્રેક્ષકોએ હુરિયો બોલાવતાં મેસી હરખાયો, પણ રોનાલ્ડો ભડકી ગયો!

મેસીએ શનિવારે બે ગોલ કર્યા હતા અને ઇન્ટર માયામીએ ન્યૂ ઇંગ્લૅન્ડ રિવૉલ્યૂશન ક્લબની ટીમને 4-1થી હરાવી દીધી હતી. મેસીએ 32મી અને 67મી મિનિટમાં ગોલ કર્યો હતો. ઉરુગ્વેનો લુઇસ સુઆરેઝ પણ ઇન્ટર માયામી ટીમમાં છે અને તેણે 88મી મિનિટમાં ગોલ કર્યો હતો. ચોથો ગોલ બેન્જામિન ક્રેમાસ્કીએ 83મી મિનિટમાં કર્યો હતો.

ઇન્ટર માયામી ટીમનો શાનદાર વિજય થયો, પણ આ મૅચમાં ગોલની શરૂઆત ન્યૂ ઇંગ્લૅન્ડ ટીમના ખેલાડીએ કરી હતી. તોમાસ શૅન્કૅલે આર્જેન્ટિનાનો છે અને તેણે મૅચ હજી તો શરૂ થઈ ત્યાં 40મી સેક્ધડમાં ગોલ કરીને મૅચને શરૂઆતથી જ રોમાંચક બનાવી દીધી હતી. જોકે ત્યાર પછી મેસીના 32મી મિનિટમાં ડાબા પગથી કરેલા ગોલ સાથે ઇન્ટર માયામીએ ન્યૂ ઇંગ્લૅન્ડને એકેય ગોલ ન કરવા દીધો અને ઉપરાઉપરી ચાર ગોલ કરીને 4-1થી વિજય મેળવી લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button