નેશનલ

‘RSS હંમેશા અનામતના સમર્થનમાં રહ્યું છે…’, અનામત વિવાદ વચ્ચે મોહન ભાગવતનું નિવેદન

હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ઘમાસાણ વચ્ચે અનામત વિષે રાજકારણ ગરમાયું (Reservation controversy) છે, એવામાં આજે તેલંગાણાના હૈદરાબાદ(Hyderabad)માં એક શૈક્ષણિક સંસ્થામાં કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત(Mohan Bhagwat)એ કહ્યું કે RSS હંમેશા અનામતને સમર્થન આપતું રહ્યું છે. અગાઉ કોંગ્રેસે દાવો કર્યો હતો કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીજી વાર સત્તા પર આવશે, તો તેઓ બંધારણ બદલી દેશે અને અનામત નીતિને હટાવી દેશે.

RSSના પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટતા કરતા કહ્યું કે કહ્યું કે સંઘ શરૂઆતથી જ બંધારણ મુજબ અપાયેલી તમામ અનામતનું સમર્થન કરી રહ્યું છે પરંતુ કેટલાક લોકો ખોટા વીડિયો સર્ક્યુલેટ કરી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘનું માનવું છે કે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અનામતનો સમયગાળો વધારવો જોઈએ. સંઘ પરિવારે કયારેય કેટલાક વર્ગોને આપવામાં આવેલી અનામતનો વિરોધ કર્યો નથી.

નોંધનીય છે કે મોહન ભાગવત અગાઉ પણ અનામતને સમર્થન આપી ચુક્યા છે, ગયા વર્ષે તેમણે નાગપુરમાં કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામત ચાલુ રાખવું જોઈએ. દેખાતો ન હોવા છતાં, સમાજમાં હજુ પણ ભેદભાવ અસ્તિત્વ ધરાવે છે.

અનામતને બાબતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધને વચ્ચે મોહન ભાગવતનું આ નિવેદન મહત્વનું છે, કરણ કે સત્તાધારી પક્ષ ભાજપની વિચારધારા RSSની વિચારધારાથી પ્રેરિત છે. વડા પ્રધાન મોદી સહીત ભાજપના દિગ્ગજ નેતાઓ એક કે બીજી રીતે RSS સાથે જોડાયેલા છે.

મધ્ય પ્રદેશમાં યોજાયેલી એક રેલીમાં વડા પ્રધાન મોદીએ કોંગ્રેસને ‘ઓબીસી સમુદાયની સૌથી મોટી દુશ્મન’ ગણાવી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસે ઓબીસીની સાથે તમામ મુસ્લિમ જાતિઓનો સમાવેશ કરીને ધાર્મિક આધાર પર આરક્ષણ આપ્યું છે. આ પગલાથી ઓબીસી સમુદાય અનામતના નોંધપાત્ર ભાગથી વંચિત રહી જશે.

જ્યારે વિવાદ વધ્યો, ત્યારે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, કોંગ્રેસે પછાત વર્ગના ભાગમાંથી મુસ્લિમોને અનામત આપ્યું છે એ દાવો એક જુઠ્ઠાણું છે. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે શું ભૂતપૂર્વ વડા પ્રધાન દેવેગૌડા તેની શરૂઆત કરી હતી, શું હજુ પણ તેઓ મુસ્લિમોના ક્વોટાનું સમર્થન કરે છે? તેમણે રાજ્યના લોકોને આ સ્પષ્ટ કરવું જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનેક વાર ભાજપ અને RSSને અનામત વિરોધી ગણાવી ચુક્યા છે.

2015ની બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા, RSSના વડા મોહન ભાગવતે અનામત વિષે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે અનામત નીતિની “સમીક્ષા” કરવાનું સુચન કર્યું હતું. તેમની ટિપ્પણીના આધારે મહાગઠબંધને ભાજપ અનામત વિરોધી ગણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button