રૂપાલા સામે ક્ષત્રિયો આકરા પાણીએ: રાજનાથસિંહે કહ્યું બધા જ સાથે !
ગુજરાતનાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો સૌરાષ્ટ્ર,ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ યથાવત છે.એક તરફ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ ક્ષત્રિય સમાજનો તાપ ભાજપ માટે અગનજવાળા સાબિત થઈ રહ્યો છે. આ વચ્ચે લોકસભા ચૂંટણીમા ભાજપના પ્રચાર માટે આવેલા કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ‘બધા જ સાથે છે’. ભાજપના દિગ્ગજ નેતા રાજનાથસિંહના આ નિવેદન બાદ રાજકીય વિશ્લેષકો માને છે કે રાજનાથસિંહને સાચી માહિતી અપાઈ નથી. અથવા તેઓ ખુદ આ વાતનો જાહેરમાં સ્વીકાર કરવા તૈયાર નથી. આજે આણંદ,ભાવનગરમાં રાજનાથસિંહની જનસભા છે ત્યારે, જનસભા દરમિયાન ક્ષત્રિય સમાજ કોઈ વિરોધ,પ્રદર્શન કરે તો નવાઈ નહીં.
શું સ્થિતિ છે ?
શનિવારે મહેસાણાના વિસનગરમાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન હતું. સમાજે પોતાનો એક જ એજન્ડા રાખ્યો છે.મોદીનો નહીં, વિરોધ રૂપાલાનો,પણ હવે રૂપાલા મુદ્દે ભાજપે નમતું ના જોખ્યું એટલે ભાજપના તમામ લોકસભા ઉમેદવારોનો વિરોધ. છેલ્લા ત્રણથી ચાર દિવસમાં જામનગર, ભાવનગર, રાજકોટ,સહિતના વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી ચૂક્યો છે. આજે સાંજે બારડોલીમાં અસ્મિતા સંમેલન છે. ત્યારે ચોતરફથી ક્ષત્રિયોનો વિરોધ હવે થોડો આકરો વર્તાઇ રહ્યો છે.
રૂપાલાએ ગામડા પડતાં મૂક્યા,શહેરમાં પ્રચાર
ક્ષત્રિય સમાજના વધતાં વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પોતાના પ્રચારની રણનીતિ બદલી નાખી છે. પરસોત્તમ રૂપાલાએ હવે શહેરી વિભાગમાં અલગ-અલગ જ્ઞાતિ સંમેલનમાં ચૂંટણી પ્રચાર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપે રૂપાલાને ગામડા પડતાં મૂકવા અને ઇંટેલીજ્ન્સ વિભાગ (IB)એ આપેલી માહિતીની ચર્ચા મુજબ, રાજકોટમાં જ્યાં સરળતાથી જનસભા થાય ત્યાંજ કરવી તેવું સૂચન છે જો કે IB એ એવી પણ માહિતી આપી હોવાની વાત છે કે, ભાજપ રાજકોટ બેઠક સરળતાથી જીતી શકે છે.