લ્યો નવો વિવાદ “રાહુલ ગાંધીનાં કથિત નિવેદન પર ભાજપે લગાવ્યો રાજપૂત સમાજના અપમાનનો આરોપ”
બેન્ગ્લુરું : ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ત્રીજા તબક્કા (Phase-3)નું સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ભાજપ-કોંગ્રેસ (Congress)ના નેતા એક પછી એક રેલીઓ કરી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે શનિવારે રાહુલ ગાંધીએ કર્ણાટક (Karnataka)નાં બેલ્લારીમાં એક જનસભાને સંબોધતા આપેલા નિવેદનને લઈને વિરોધ મચ્યો છે.
તાજેતરમાં ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ આપેલા ક્ષત્રીય સમાજ અંગેના વિવાદિત નિવેદન પર ભારે ઉહાપોહ મચ્યો છે અને હજુ તે વિરોધ શાંત નથી થયો ત્યાં બીજો એક વિવાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓના નિવેદન પર ખડો થયો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની પ્રજાની સાથે મળીને આઝાદી પ્રાપ્ત કરી, લોકતંત્ર લાવ્યા અને દેશને સંવિધાન આપ્યું.’
આ નિવેદન બાદ ભાજપ (BJP)એ રાહુલ ગાંધી પર માછલા ધોયા હતા. ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ સોશિયલ મીડિયા એક્સ (X) પર રાહુલ ગાંધી પર નિશાન સાધતા લખ્યું હતું કે ‘કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું.’
ભાજપ આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવિયે રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં અપાયેલા રાજપૂત સમાજ અંગેના નિવેદનનો વિડીયો શેર કરીને કહ્યું હતું કે , રાહુલ ગાંધીએ તાત્કાલિક રાજપૂત સમાજની માફી માંગવાની માંગ કરી હતી.
હાલમાં જ રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ (kshatriya community) વિશે ટિપ્પણી કરી હતી. જેને લઈને ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે અને ભાજપ પાસે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. જો કે પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ સામે ત્રણ વાર માફી માગી ચુક્યા છે. તેવા સમયે ભાજપને રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદનનો લાભ પરસોતમ રૂપાલાના વિરોધની બળતરા પર મલમ સાબિત છે કે કેમ તે જોવું રહ્યું.