આપણું ગુજરાત

ડભોઈમાં બાળકીનું રિક્ષા ચાલકે અપહરણ કર્યું

અમદાવાદ: ડભોઇ વડોદરા ભાગોળ પાસે રાધે કોમ્પ્લેક્ષની સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા મહેન્દ્ર રાજુ નાયકની પત્ની એક માસ પહેલાં પરપુરુષ સાથે ફરાર થઇ ગયા બાદ ૩ વર્ષની દિવ્યા (નામ બદલ્યું છે) સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.
મહેન્દ્ર મજૂરી કામે ગયા હતા. માસૂમ દીકરી રમતા-રમતા ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતાં માર્ગ ઉપર પહોંચી ગઇ હતી. સવારે ૯ વાગે મજૂરી કામેથી ઘરે પરત ફરેલા મહેન્દ્રને ઝૂંપડપટ્ટીમાં જ રહેતા સાળાએ જણાવ્યું કે દિવ્યા મળતી નથી. દીકરીની શોધખોળ દરમિયાન તે ન મળતા પિતા બપોરે ડભોઇ પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને દીકરી ગુમ થયાની જાણ કરી હતી.
ડભોઈ પોલીસે તાત્કાલિક અલગ-અલગ છ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દિવ્યાને શોધવા માટે ડભોઇ તેમજ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારીઓ સહિત ૪૦ જવાનોની ટીમે નઓપરેશન દિવ્યાસ્ત્ર નામ આપી શોધખોળ શરૂ કરી હતી. જેમાં એક ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની શરૂઆત કરી હતી. બીજી ટીમે ઘટના સ્થળની આસપાસના ઓટોરિક્ષા ચાલકો, ટેમ્પો ચાલકોની પૂછપરછ શરૂ કરી દીધી હતી. દરમિયાન એક સીસીટીવી ફૂટેજમાં માસૂમ દિવ્યાનું અપહરણ કરીને એક વ્યક્તિ ઓટો રિક્ષામાં બેસાડી લઈ જતો હોય તેવું દેખાઈ આવ્યું હતું.
પોલીસને બાતમી મળી હતી રિક્ષાવાળો શિનોર ચોકડી પાસે છે જેથી ટીમ શિનોર ચોકડી રવાના કરી હતી. તે ટીમે ચોકડી ઉપરના વાહન ચાલકોની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ડભોઇ પોલીસના એક જવાનને ફોન આવ્યો કે, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બુંજેઠા ગામમાંથી બોલુ છું. ગામમાં એક વ્યક્તિ આશરે અઢી-ત્રણ વર્ષની બાળકીને લઇને સવારથી ઘરે આવ્યો છે. તેના ઘરમાં કોઇ બાળક નથી. જેથી એક ટીમ બુંજેઠા રવાના કરી હતી. નર્મદા જિેલ્લાના બુંજેઠા ગામમાં અપહરણ કરેલી બાળકીને લેવા પહોંચેલી પોલીસની ટીમે ખાતરી કર્યા બાદ નિંદ્રાધીન દિવ્યાનો કબજો લઇને અપહરણકાર અમરત ધૂળા વણકર (ઉં.વ.૪૭)ની ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button