બેન્કોની બેદરકારી સામે સાબદા રહેવું પડશે ગ્રાહકે
બેન્કોની-ખાસ કરીને ખાનગી બેન્કોની ત્રુટિઓ ને નિયમ ઉલ્લંઘન બહાર આવવા લાગ્યા છે. એમની સામે રિઝર્વ બેન્કેપગલાં લેવાનાં શરૂ પણ કરી દીધાં છે. આમ છતાં આવા સમયમાં ગ્રાહકોએ ખુદ જાગ્રત ને સાવચેત રહેવું જરૂરી છે
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
જ્યારે પણ રિઝર્વ બેન્કે કોઈ મોટી બેન્ક સામે શિસ્ત ભંગના પગલાં લે છે ત્યારે એની પાછળ ધાર્યાં કરતાં વધારે મોટાં કારણ હોય છે. ઉદાહરણ તરીકે હર્ષદ મહેતાનું સ્કેમ ૨૫ એપ્રિલે (૧૯૯૨) બહાર પડ્યું એનાં ૨૦ દિવસ પહેલાં જ એ વખતના રિઝર્વ બેન્કના ગવર્નર વેંકિટરમણન આ લખનારને એમના બંગલે રવિવારને દિવસે આપેલી એક લાંબી મુલાકાતમાં જણાવ્યું હતું કે શેરબજારમાં અન્ય બજારોમાંથી કે અન્ય માર્ગે નાણાં આવી રહ્યાં છે એની રિઝર્વ બેન્કને જાણ છે અને એની તપાસ ચાલી રહી છે.!
રિઝર્વ બેન્કે એક બહુ જ મોટી ખાનગી બેન્ક સામે પગલાં લીધાં એ એટલા ગંભીર નહોતાં જેટલી ગંભીર એ બેન્કના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આચરાતી ગેરરીતિ હતી, એ ગેરરીતિ પ્રકાશમાં આવી ત્યારે ખબર એની ગંભારતાની ખબર પડી. અમુક ઉદ્યોગપતિ ભારત છોડી ગયા પછી પણ ઘણી ગેરરીતિ બહાર આવી હતી. આ ઘટનાઓ આજે પણ સૌને યાદ છે. આમ તો રિઝર્વ બેન્કને ઓડિટ રિપોર્ટમાં અનેકવિધ સંકેત મળતા રહેતા હોય છે , પણ પગલાં લેવાય ત્યાં સુધીમાં ઘણું બધું થઈ જતું હોય છે. એ પછી એ આટોપી પણ લેવાતું હોય છે.
વર્ષો પહેલાં એક ખાનગી ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક’ ની ગેરરીતિ સામે આવી હતી. આ બેન્કના ગ્રાહકો મોટા ભાગે હીરા ઉદ્યોગના હતા અને એ ઉદ્યોગ સામે એ સમયે આક્ષેપ હતો કે તેમાં પારદર્શકતાનો અભાવ છે એટલે બેન્કના કામકાજ પર પ્રશ્ર્નો ઉઠતા રહેતા હતા. રિઝર્વ બેન્કે ત્યારે રાતોરાત નિર્ણય લઈને પેલી બેન્કને એક સરકારી બેન્ક દ્વારા ટેક ઓવર કરાવી લીધી પછી ઘણું બધું ઘી ઘીના ઠામમાં પડ્યું રહ્યું હતું.
તાજું ઉદાહરણ: કિસ્સો કોટક બેન્કનો તાજેતરમાં ‘કોટક મહિન્દ્ર બેન્ક’ સામે રિઝર્વ બેન્કે લીધેલી એકશનને ધ્યાનમમાં રાખી કેટલાંક જુના કિસ્સા સામે આવી ગયા. બાય ધ વે, હાલ તો કોટક મહિન્દ્ર બેન્ક’ ચર્ચાનો વિષય બની છે.
વાત કંઈક આમ છે. કોટક મહિન્દ્ર બેન્ક’ને હાલ નવા ક્રેડિટ કાર્ડ કસ્ટમર બનાવવાની તેમ જ ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ મારફત નવા ગ્રાહક લેવાની મનાઈ ફરમાવતો આદેશ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આપવા સાથે બેન્કના વર્તમાન ક્રેડિટકાર્ડ ધારકો અને એકાઉન્ટ ધારકો ચિંતામાં આવી ગયા છે, જો કે, આ એકશનથી વર્તમાન ગ્રાહકોને આની અસર થવાની નથી, તેમના કામ રાબેતા મુજબ ચાલતા રહેશે. માત્ર હાલ નવા ગ્રાહકો નહી બની શકે. અલબત્ત, આ સાથે ‘કોટક મહિન્દ્ર બેન્ક’માં લોન માટે અરજી કરનારા પણ અટવાઈ ગયા છે. દરમિયાન, ‘કોટક મહિન્દ્ર બેન્કે’ એક સ્પષ્ટતા બહાર પાડીને કહ્યું છે કે તેના વર્તમાન તમામ ગ્રાહકોને ખાતરીપૂર્વકની સર્વિસિસ મળતી રહેશે. બેન્ક ઓનલાઈન સિવાય ઓનબોર્ડ એટલે કે ઓફલાઈન નવા એકાઉન્ટસ ખોલવાનું ચાલુ રાખી શકે છે. શેરના ભાવને અસર થયા વિના ન રહે અહી એ નોંધવું મહત્ત્વનું છે કે આ બેન્કને કોઈ આર્થિક ક્રાઈસિસ આવી નથી, બેન્ક નાણાંકીય રીતે સધ્ધર છે, પરંતુ રિઝર્વ બેન્કના આવાં પગલાંની પશ્ર્ચાદભૂમાં કંઇક બીજુ જ હોય એમ જણાય છે. અગાઉ ૧૧ વર્ષ પહેલાં પણ કોટક સહિતની ઘણી બેન્કો કરન્સી ડેરીવેટિવ્સ સેલિંગના કેસમાં દંડપાત્ર બની હતી. રિઝર્વ બેન્કના નિર્ણયથી કોટક બેન્કના શેરના ભાવ તૂટયા છે અને મોટા બ્રોકેરેજ હાઉસિસે તેના શેરને ડાઉનગ્રેડ કરી હોવાનું પણ બજારની ચર્ચામાં આવ્યું છે.
હજી થોડા મહિના પહેલાં જ રિઝર્વ બેન્કે ‘પેટીએમ બેન્ક’ સામે આવા જ કડક કદમ ભર્યા હતા, આ પુર્વેે ખાનગી ક્ષેત્રની અગ્રણી ‘એચડીએફસી’ બેન્ક સામે કડક એકશન લેનાર આરબીઆઈએ આ વખતે કોટક બેન્ક સામે વધુ કડક એકશન લઈને બેન્કિંગ અને ફાઈનેન્શિયલ સેકટરમાં વધુ ગંભીરતાનો માહોલ ઊભો કર્યો છે. આને લીધે આ સેકટરમાં શિસ્ત વધશે. ‘કોટક બેન્ક’ સામે લેવાયેલાં પગલાં માટે નિયમોના ઉલ્લંઘન, ઉપેક્ષા, તેની ક્ષતિઓ દૂર કરવા બાબતે બેફિકરાઈ કે પછી થયેલા વિલંબ ઉપરાંત બીજાં પણ કારણો ચોપડે અથવા ચોપડાની બહાર છે.ઈલેકટોરલ બોન્ડસનું ભૂત ચૂંટણી પ્રક્રિયા પહેલાં જેણે ધૂણવાનું શરૂ કરેલું એ ઈલેકટોરલ બોન્ડસનું ભૂત હજી ધૂણી રહ્યું છે, આ ભૂત ભગાડવાનું કાર્ય કઠિન બન્યું છે, જો કે કોટક બેન્ક સામે તાજેતરમાં રિઝર્વ બેન્ક તરફથી લેવામાં આવેલાં કડક પગલાં કદાચ રિઝર્વ બેન્કની પોતાની છબીને ખરડાતી બચાવવા માટે હોય એવું બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો જણાવી રહ્યા છે. કોટક ગ્રુપની કંપનીએ ઈલેકટોરલ બોન્ડસમાં કરેલા રોકાણ પાછળનો ઈરાદો રિઝર્વ બેન્ક પાસેથી છૂટછાટ મેળવવાનો હોવાનું બે ખાનગી વેબસાઇટ્સના અહેવાલોમાં જણાવાયું હતું. જો આમ હોય તો એનાથી રિઝર્વ બેન્કની છાપ ખરડાય, જેમાંથી બચવા માટે રિઝર્વ બેન્કે ‘કોટક બેન્ક’ સામે પગલાં લીધાં હોવાનું ચર્ચાઇ રહ્યુું છે.
આ એકશન પેલા ભૂતને ભુલાવવામાં અથવા બીજે ભટકાવવામાં સહાય કરે તો નવાઈ નહીં. હાલ તો ટોચના બેન્કર ઉદય કોટકની ‘કોટક મહિન્દ્ર બેન્ક’ સામે અનેક સવાલ અને શંકાનાં વાદળો ઘેરાવાના શરૂ થઈ ગયા છે. કેટલો સમય લાગશે?
અગાઉ રિઝર્વ બેંકે ‘એચડીએફસી’ બેન્ક સામે લીધેલી સમાન એકશન પછી તેના નિયમપાલન બાદ પુન: એ કામકાજ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આશરે ૭ થી ૮ મહિના લગાડ્યો હતા.
‘કોટક બેન્ક’ને પણ હવે રાબેતા મુજબ કામકાજ કરવાની મંજૂરી મેળવવામાં ખાસ્સો સમય લાગી શકે છે. અલબત્ત, હાલ તો રિઝર્વ બેન્કે આ અંકુશો કેટલાં સમય માટે ચાલુ રહેશે તે વિશે કંઈ ફોડ પાડીને કહ્યું નથી. આ વિષય હાલ તો ચર્ચા-ચિંતા અને શંકાનો બન્યો છે.
ખાનગી બેન્કોમાં એકાઉન્ટસ ખોલાવતા વર્ગમાં એક ભય રહયા કરશે એવું પણ કહેવાય છે. લોકો હવેપછી જાહેર ક્ષેત્રની બેન્કમાં પણ પોતાનું એકાદ એકાઉન્ટ રાખવાનું પસંદ કરશે તેમ જ ઓનલાઈન સર્વિસ લેવાનું પસંદ કરશે. નિયમનકાર તરીકે રિઝર્વ બેન્કની નામના એક નિયમન સંસ્થા તરીકે પોતાની નામના ખરાબ ન થાય એ માટે પણ રિઝર્વ બેન્ક કડક બની છે, કારણ કે વિવિધ બેન્કોમાં જે રીતે ખામીઓ-ત્રુટિઓ જોવા મળે છે તે ગ્લોબલ સ્તરે પણ આરબીઆઇ સામે સવાલ ઊભા કરી શકે છે. હવે રિઝર્વ બેન્ક કોઈની પણ શેહ રાખશે નહીં એવો સંદેશ તેણે આ એકશનથી વધુ એકવાર આપ્યો છે.