સલામતી માટેની માગનો ટેકો ખસતાં વૈશ્ર્વિક સોનામાં પાંચ સપ્તાહની તેજીને બ્રેક, પરંતુ કેન્દ્રવર્તી બૅન્કોની માગનો ટેકો જળવાઈ રહ્યો
કોમોડિટી -રમેશ ગોહિલ
આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં ઈઝરાયલ-ઈરાન વચ્ચેનો રાજકીય-ભૌગોલિક તણાવ વધે તેવી ભીતિ હેઠળ વૈશ્ર્વિક સ્તરે સલામતી માટેની માગને ટેકે સતત પાંચ સપ્તાહ સુધી સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઉછાળો આવ્યા બાદ ગત સપ્તાહે તણાવ હળવો થતાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો ખસી જતાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, સપ્તાહના અંતે અમેરિકાનાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં રૉઈટર્સની અપેક્ષાનુસાર ૦.૩ ટકાનો વધારો થયો હતો અને બજારની ૨.૬ ટકાની ધારણા સામે ૨.૭ ટકાના સ્તરે રહ્યો હોવાથી અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ જે ૪.૭૦૬ ટકાના સ્તરે હતી તે ઘટીને ૪.૬૬૩ ટકાના સ્તરે રહી હોવાથી સોનાના ભાવમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સપ્તાહના અંતે સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૩૪૮.૭૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ગત સપ્તાહે ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં હાલના તબક્કે વૈશ્ર્વિક સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો જળવાઈ રહેતાં મોટો ઘટાડો અટક્યો હતો અને ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે. આમ ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ઝવેરી બજારમાં પણ વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહ સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિતના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૯મી એપ્રિલનાં રૂ. ૭૩,૪૦૪ સામે સાધારણ નરમાઈ સાથે રૂ. ૭૩,૧૬૧ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૭૧,૫૯૮ અને ઉપરમાં રૂ. ૭૨,૮૭૫ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧.૩૦ ટકા અથવા તો રૂ. ૯૫૬ના ઘટાડા સાથે રૂ. ૭૨,૪૪૮ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાપ્તાહિક ધોરણે નવ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં થોડો વધુ ભાવઘટાડો જોવા મળ્યો હતો. એકંદરે ગત સપ્તાહે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં ગ્રાહકોને આ ભાવસપાટી સ્વીકાર્ય ન હોય તેમ રિટેલ સ્તરની માગ અત્યંત પાંખી રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહેવાને કારણે જ્વેલરી ઉત્પાદકોની માગ પણ છૂટીછવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલને તબક્કે બજારમાં ઊંચા મથાળેથી જૂના સોનામાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. તેમ જ રિસાઈકલિંગનાં પ્રમાણમાં પણ વધારો થયો છે.
આગામી સમયગાળામાં સોનામાં ભાવ વધારા માટે અનુકૂળ સ્થિતિ છે અને ભાવઘટાડા કરતાં વધારાની શક્યતા વધુ હોવાનું મોર્ગન સ્ટેન્લીએ એક નોટ્સમાં જણાવતાં ઉમેર્યું કે અમે સોનામાં ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર સુધીની મંદીની શક્યતા નથી જોતા, પરંતુ વર્ષનાં બીજા છમાસિકગાળામાં ભાવ વધીને ઔંસદીઠ ૨૭૬૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા જોઈ રહ્યા છીએ. કેમ કે સામાન્યપણે ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં વ્યાજદરમાં ઘટાડાના સંજોગોમાં રોકાણકારોની માગ સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં વધુ રહેતી હોય છે. વધુમાં નોટ્સમાં ઉમેર્યું હતું કે સોનામાં વાસ્તવિક ઊપજ (યિલ્ડ) સાથે નકારાત્મક સંબંધ હોવાની અપેક્ષા રાખવામાં આવે છે, કારણ કે તે વાસ્તવિક ઊપજમાં વધારો થતાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં સંબંધિત સ્પર્ધાત્મકતા ગુમાવે છે.
વધુમાં મધ્યપૂર્વનાં દેશોમાં તણાવ હળવો થવાની સાથે પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની આગેવાની હેઠળ કેન્દ્રવર્તી અથવા તો સેન્ટ્રલ બૅન્કોની સોનામાં જળવાઈ રહેલી લેવાલી સોનાના ભાવને વધુ ગબડતા અટકાવી રહી છે. તેમ જ વર્તમાન વૈશ્ર્વિક સ્તરની રાજકીય-ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંક સમયમાં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં સલામતી માટેની લેવાલી અટકે તેવી શક્યતા પણ નથી જણાતી. અત્રે નોંધનીય બાબત એ છે કે ચાઈના ગોલ્ડ એસોસિયેશને ગત શુક્રવારે જણાવ્યું હતું કે સોનામાં સલામતી માટેની માગમાં વધારો થતાં આ વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં સોનામાં વપરાશી માગ ૫.૯૪ ટકા વધીને ૩૦૮.૯૧ ટનની સપાટીએ રહી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની ગત માર્ચ મહિના સુધીમાં સતત ૧૭માં મહિના સુધી સોનામાં ખરીદી જળવાઈ રહેતાં ગત માર્ચના અંતે ચીનની સોનાની અનામત વધીને ૨૨૬૨.૬૭ ટનની સપાટીએ રહી હોવાનું એસોસિયેશને ઉમેર્યું હતું.
દરમિયાન ગત સપ્તાહે સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં બાહ્યપ્રવાહ જોવા મળ્યો હતો, પરંતુ હવે બાહ્યપ્રવાહ ઓસરવા લાગ્યો હોવાનું મોર્ગન સ્ટેન્લીએ અહેવાલમાં જણાવ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત માર્ચના મધ્ય સુધી અમેરિકા અને એશિયામાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ જળવાઈ રહ્યો હતો તેની સામે યુરોપનો બાહ્યપ્રવાહ રહ્યો હતો. આમ એકંદરે આ તમામ પરિબળો સોનામાં તેજી શાંત પડી હોવાના કોઈ સંકેત નથી દર્શાવતા, એમ મોર્ગન સ્ટેન્લીએ નોટ્સમાં ઉમેર્યું હતું.
વર્તમાન વર્ષ ૨૦૨૪નાં પહેલા ત્રિમાસિકગાળામાં અમેરિકાનાં જીડીપીમાં અનપેક્ષિત જોવા મળેલા ઘટાડાના અહેવાલ સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી બની હતી અને વૈશ્ર્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, સપ્તાહના અંતે જાહેર થયેલા માર્ચ મહિના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં વધારો થવાથી હવે ફેડરલ રિઝર્વ આગામી ૩૦ એપ્રિલ અને પહેલી મેની બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદરમાં કપાત અંગેના કેવા સંકેતો મળે છે તેનાં પર રોકાણકારોની નજર છે.