It’s confirm: જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ ભાજપની ટિકિટ પર મુંબઈ ઉત્તર-મધ્યથી ચૂંટણી લડશે, પૂનમ મહાજનનું પત્તું કપાયું
મુંબઇઃ લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. બીજેપીએ મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરીને ઉજ્જવલ નિકમને ઉમેદવાર જાહેર કર્યા છે. મહારાષ્ટ્રના જલગાંવ શહેરના મરાઠા પરિવાર સાથે જોડાયેલા પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને હવે ભાજપે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. લોકસભાની ચૂંટણીમાં 543 બેઠકોમાંથી 400ને પાર કરવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવતી ભાજપ વર્તમાન ઉમેદવારનું પુનરાવર્તન કરવાને બદલે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની યોજના દર્શાવે છે.
મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા મતવિસ્તાર પર ખૂબ ધ્યાન આપી રહી છે. છેલ્લા બે ટર્મથી અહીં ભાજપ તરફથી પૂનમ મહાજન ઊભા રહ્યા હતા, પણ તેમનું પ્રદર્શન ખાસ કંઇ રહ્યું નથી. 2019માં તેમના વોટ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભાજપ માટે એક એક સીટ મહત્વની છે. તે દરેક બેઠક પર વિચારી વિચારીને નિર્ણય કરી રહી છે.
નિકમ 26/11ના હુમલા અને 20026ના ખેરલાંજી હત્યાકાંડ સહિતના સંવેદનશીલ કેસો માટે જાણીતા સરકારી વકીલ રહ્યા હતા. 2008ના મુંબઈ આતંકી હુમલાના ગુનેગારોની ટ્રાયલમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિકમની ભૂમિકાએ નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું. તેમણે આતંકવાદી અજમલ કસાબને દોષિત ઠરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે એકમાત્ર જીવિત આતંકવાદી હતો, જેને 2012માં ફાંસી આપવામાં આવી હતી. 1993ના બોમ્બે બોમ્બ ધડાકા માટે જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં વકીલ ઉજ્જવલ નિકમની પણ મહત્વની ભૂમિકા હતી. તેમના કાર્યને કારણે હુમલા પાછળના મુખ્ય સૂત્રધારો પૈકીના એક યાકુબ મેમણ સહિત અનેક મુખ્ય કાવતરાખોરોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. નિકમે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ, ગુલશન કુમાર હત્યા કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ, ગેટવે ઓફ ઈન્ડિયા બ્લાસ્ટ જેવા ઘણા કેસ લડ્યા છે. આતંકવાદ-સંબંધિત કેસો ઉપરાંત, નિકમ અસંખ્ય સીરીયલ કિલર્સ, ગુનેગારો અને ગંભીર ગુનાઓના આરોપી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં સામેલ છે. તેમના નોંધપાત્ર કેસોમાં પુણે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ અને સનસનાટીભર્યા BMW હિટ એન્ડ રન કેસની કાર્યવાહીનો સમાવેશ થાય છે.