ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

શ્રીલંકાએ ડ્રેગનને આપ્યો આંચકો, ચીને એરપોર્ટ બનાવ્યું પણ સંચાલન ભારતને સોંપ્યુ

કોલંબોઃ કરોડો ડૉલર ખર્ચીને ચીને શ્રીલંકામાં જે એરપોર્ટ બનાવ્યું એ એરપોર્ટ પર ભારતનો કબજો થયો છે. ચીનને મોટો ફટકો આપતાં શ્રીલંકાએ હંબનટોટામાં મત્તાલા રાજપક્ષે ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી ભારતને સોંપી છે અને આમાં રશિયન કંપની પણ ભારતની મદદ કરશે. શ્રીલંકા સરકારની કેબિનેટે શુક્રવારે આ નિર્ણય લીધો છે. શ્રીલંકા સરકારના પ્રવક્તાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. આ એરપોર્ટ 209 મિલિયન અમેરિકી ડોલરના ખર્ચે બાંધવામાં આવ્યું હતું અને એક સમયે ફ્લાઈટ્સના અભાવને કારણે ‘વિશ્વનું સૌથી નિર્જન એરપોર્ટ’ તરીકે ઓળખાતું હતું. સરકારના પ્રવક્તા અને મંત્રી બંધુલા ગુણવર્દનેએ પત્રકારોને જણાવ્યું હતું કે શ્રીલંકાની કેબિનેટે 9 જાન્યુઆરીએ સંભવિત પક્ષોના letter of interestને આમંત્રિત કરવાની મંજૂરી આપી હતી.

શ્રીલંકાના દરિયાકાંઠાના શહેર હમ્બનટોટા પાસે આવેલા આ એરપોર્ટનું નિર્માણ ચીન દ્વારા કરવામાં આવ્યું છે. શ્રીલંકાની સરકારે તેને 99 વર્ષ માટે ચીનને લીઝ પર આપ્યું છે. આવી સ્થિતિમાં, ભારતીય કંપની માટે આ બંદર નજીક સ્થિત એરપોર્ટનું સંચાલન મેળવવું મહત્વપૂર્ણ છે. શ્રીલંકાને આ માટે પાંચ દરખાસ્તો પ્રાપ્ત થઈ હતી અને કેબિનેટ દ્વારા નિયુક્ત સલાહકાર સમિતિએ ભારતની શૌર્ય એરોનોટિક્સ (પ્રાઈવેટ) લિમિટેડ અને રશિયાના એરપોર્ટ્સ ઑફ રિજિયન્સ મેનેજમેન્ટ કંપનીને 30 વર્ષ માટે મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કર્યો હતો. ગુણવર્દનેએ એમ પણ કહ્યું હતું કે કેબિનેટે નાગરિક ઉડ્ડયન અને એરપોર્ટ સેવાઓના મંત્રી દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મત્તાલા એરપોર્ટનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના નામ પરથી રાખવામાં આવ્યું છે.

મહિન્દા રાજપક્ષેના લગભગ એક દાયકા લાંબા શાસન દરમિયાન ઘણા વિશાળ માળખાકીય પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી આ એક છે. આ પ્રોજેક્ટ માટે ચીને ઊંચા વ્યાજ દરે કોમર્શિયલ લોન આપી હતી. આ પ્રોજેક્ટ પર 209 મિલિયન અમેરિકી ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાંથી 190 મિલિયન અમેરિકી ડોલર ચીનની એક્ઝિમ બેંક દ્વારા ઊંચા વ્યાજ દરે આપવામાં આવ્યા હતા. શ્રીલંકાની સરકાર 2016 થી આ એરપોર્ટનું સંચાલન કરવા માટે વ્યવસાયિક ભાગીદારની શોધ કરી રહી હતી. કારણ કે તેને ભારે નુકસાન થઈ રહ્યું હતું.

નોંધનીય છે કે શ્રીલંકામાં એક પછી એક પ્રોજેક્ટ મેળવવા માટે ભારત અને ચીન વચ્ચે કટ્ટર પ્રતિસ્પર્ધા ચાલુ છે. બંને દેશો એક પછી એક પ્રોજેક્ટ મેળવવા અને બીજા પાસેથી પ્રોજેક્ટ છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે શ્રીલંકામાં જેના હાથમાં વધુ પ્રોજેક્ટ હશે, તેને હિંદ મહાસાગરમાં વધારે ફાયદો થશે. આ એરપોર્ટ શ્રીલંકાના દરિયાકાંઠાના શહેર હમ્બનટોટા પાસે આવેલું છે. હંબનટોટા પોર્ટને શ્રીલંકાની સરકારે 99 વર્ષ માટે ચીનને લીઝ પર આપ્યું છે. આવી સ્થિતિમાં, ભારતીય કંપની માટે આ બંદર નજીક આવેલા એરપોર્ટનું સંચાલન મેળવવું મહત્વપૂર્ણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button