મોંઘવારીમાં તહેવારો કેવી રીતે ઉજવવા? નાગરિકોનો સવાલ
ખાંડના ભાવ વધવાની શક્યતા
મુંબઈ: દેશમાં ખાંડના અગ્રણી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં લગભગ એક દાયકા પછી આખો ઑગસ્ટ મહિનો વરસાદ વિનાનો જવાને કારણે આગામી ઑક્ટોબર મહિનાથી શરૂ થનારી ખાંડ મોસમ ૨૦૨૩-૨૪માં રાજ્યનાં ખાંડના ઉત્પાદનમાં ચાર વર્ષનો સૌથી મોટો ૧૪ ટકા જેટલો ઘટાડો નોંધાવાની શક્યતા ઉદ્યોગ અને સરકારી અધિકારીઓએ રૉઈટર્સ સમક્ષ વ્યક્ત કરી છે. ખાંડનાં ઉત્પાદનમાં ઘટાડો થવાથી શક્યત: ફુગાવામાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતાં
સરકાર ખાંડની નિકાસને હતોત્સાહિત કરશે આથી ખાંડના આંતરરાષ્ટ્રીય
ભાવવધારાને ટેકો મળી રહ્યો છે જે હાલ એક દાયકાની ઊંચી સપાટીની નજીક છે. જોકે, સ્થાનિકમાં ખાંડના ઊંચા ભાવને કારણે બલરામપુર ચીની, દ્વારકેશ સુગર, શ્રી રેણુકા સુગર્સ અનેે દાલમીયા ભારત સુગર જેવી કંપનીઓના માર્જિનમાં વધારો થવાની સાથે તેઓ ખેડૂતોને સમયસર શૅરડીની ચૂકવણી પણ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દેશમાં ખાંડના કુલ ઉત્પાદન પૈકી મહારાષ્ટ્ર એક તૃતિયાંશ હિસ્સો ધરાવે છે અને આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યમાં ખાંડનું ઉત્પાદન વર્તમાન મોસમના ૧.૦૫ કરોડ ટન સામે ઘટીને ૯૦ લાખ ટન આસપાસ રહેવાની શક્યતા વેસ્ટ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનનાં પ્રમુખ બી. બી. થોમ્બારેએ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે શેરડીના પાકને વૃદ્ધિના તબક્કામાં પૂરતો વરસાદ ન મળતાં લગભગ તમામ જિલ્લામાં પાકની વૃદ્ધિ અટકી છે.
એકંદરે ઉત્પાદનમાં સતત થઈ રહેલી વધઘટને કારણે ખાંડની વૈશ્ર્વિક બજારને મહારાષ્ટ્ર આંચકા આપતું હોય છે. નોંધનીય બાબત એ છે કે આ વર્ષે ઑગસ્ટ મહિનામાં સાધારણ કરતાં ૫૯ ટકા ઓછો વરસાદ થયો છે. મહારાષ્ટ્રનાં સુગર કમિશનર ચંદ્રકાંત પુલ્કુંદવારે જણાવ્યું હતું કે અમને ખાંડ મિલના પ્રતિનિધિઓએ સમીક્ષાની બેઠકમાં માહિતી આપી હતી કે ઑગસ્ટ મહિનામાં સૂકુ હવામાન અને તાપમાન વધુ રહેતાં આ વર્ષે શેરડીની ઊપજ ઓછી રહેશે. જોકે, પાકને વધુ નુકસાન થતું અટકાવવા સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની તાતી આવશ્યકતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
એક દાયકામાં પહેલી વખત ઑગસ્ટ મહિનામાં કોરાડુ રહ્યા બાદ રાજ્યના હવામાન ખાતાએ સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ વરસાદ થવાની આગાહી કરી છે. ખાંડની નિકાસ માટે મહારાષ્ટ્રની ખાંડના ઉત્પાદનની ભૂમિકા મહત્ત્વની હોવાનું મુંબઈ સ્થિત ગ્લોબલ ટ્રેડિંગ હાઉસનાં ડીલરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧.૩૭ કરોડ ટનની વિક્રમ સપાટીએ રહેતાં સરકારે ૧.૧૨ કરોડ ટન નિકાસને મંજૂરી આપી હતી, જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં ખાંડનું ઉત્પાદન ઘટીને ૧.૦૫ કરોડ ટન રહેતાં નિકાસ ૬૧ લાખ ટન સુધી સિમિત રહી હતી.
જોકે, રોઈટર્સ સમક્ષ ગયા મહિને સરકારનાં ત્રણ સૂત્રોએ સાત વર્ષના લાંબા સમયગાળા બાદ સરકાર આગામી ઑક્ટોબર મહિનામાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
તુવેર દાળના ભાવ આસમાને
મુંબઈ: ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે, એ માહોલમાં માગણી વધતાં દાળોની કિંમતમાં દસ ટકાનો વધારો થયો છે. તુવેરની દાળનો ભાવ કિલોદીઠ ૧૭૦ રૂપિયાથી વધુ અને ચણાની દાળનો ભાવ ૮૦ રૂપિયે કિલો પર પહોંચ્યો છે. નવરાત્રિ સુધીમાં માગણી હજુ વધી જતાં ભાવ હજુ વધવાની શક્યતા દર્શાવાઈ રહી છે.
આહારમાં દાળોનો સૌથી વધુ વપરાશ ભારતમાં થાય છે. તેમાં સૌથી વધારે તુવેરદાળની ખપત થાય છે. દેશમાં દર વર્ષે ૪૨ લાખથી ૪૪ લાખ ટન તુવેરદાળની માગ હોય છે. આર્થિક વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં દેશમાં ૪૨.૨૦ લાખ ટન તુવેરનું ઉત્પાદન નોંધાયું હતું. વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં તુવેરના ઉત્પાદનનું લક્ષ્ય ૪૫.૫૦
લાખ ટન રાખવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં ૩૬.૬૬ લાખ ટન તુવેરદાળનું ઉત્પાદન થયું હતું. તુવેરમાંથી દાળ બનાવવાની પ્રક્રિયામાં ૧૮થી ૨૦ ટકા જથ્થો ઘટે છે. તેથી માગ અને પુરવઠામાં ત્રણ લાખ ટનથી પાંચ લાખ ટન જેટલો તફાવત રહેવાની શક્યતા હોય છે. ખરીફ મોસમમાં તુવેરની વાવણીમાં ૧૧.૪૦ ટકાનો ઘટાડો થયો છે.
ગણેશોત્સવની માગણીને ધ્યાનમાં રાખીને તમામ છૂટક દુકાનદારોએ આ મહિનાના પહેલા અઠવાડિયામાં દાળોની ખરીદી કરી હતી. તેથી હાલમાં જથ્થાબંધ બજારમાં દાળોના ભાવ સ્થિર છે. છૂટક બજારમાં તુવેર દાળનો ભાવ કિલોના ૧૬૦ રૂપિયાથી વધીને ૧૮૦ રૂપિયા પર પહોંચ્યો છે. ચણાની દાળનો ભાવ ૬૫ રૂપિયાથી વધીને ૭૫થી ૮૦ રૂપિયા પર પહોંચ્યો છે. (એજન્સી)