વિશ્ર્વ બજાર પાછળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિકગાળાના અમેરિકાના જીડીપીનાં ડેટા અત્યંત નબળા આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વધુ વિલંબ કરે તેવી ભીતિ હેઠળ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું. તેમ જ આજે પણ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં વિશ્ર્વ બજારમાં કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારો આગળ ધપ્યો હતો.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એક માત્ર એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નિરસ માગે જોવા મળેલા કિલોદીઠ રૂ. એકના ઘટાડા અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ૧૬નો સુધારો આગળ ધપ્યો હતો. આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે જે ધાતુઓના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો તેમાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૬ વધીને રૂ. ૩૦૫૬, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને અનુક્રમે રૂ. ૮૪૫ અને રૂ. ૮૩૮, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. નવ વધીને રૂ. ૮૫૩, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને અનુક્રમે રૂ. ૭૭૮ અને રૂ. ૧૬૨૩ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. ૮૮૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૫૮ અને બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૫૬૭, રૂ. ૫૪૦ અને રૂ. ૧૯૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૯૦ના મથાળે ટકેલા રહ્યા હતા.