અમેરિકાનાં જીડીપીમાં ઘટાડો થતાં સોનાની મંદીને બ્રેક ₹ ૩૫૪નો ઉછાળો, ચાંદી ₹ ૪૭૬ વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષ ૨૦૨૪નાં પહેલા ત્રિમાસિકગાળામાં અમેરિકાનો જીડીપી બે વર્ષની ધીમી ગતિએ વૃદ્ધિ પામતા ૧.૬ ટકાના સ્તરે રહ્યો હોવાથી ફેડરલ દ્વારા રેટ કટની ચિંતા ફરી સપાટી પર આવી હતી. અને વૈશ્ર્વિક બજારમાં સોનામાં સલામતી માટેની માગ નબળી પડતાં ભાવમાં જોવા મળેલી મંદીને બ્રેક લાગતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ વધી આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થતા હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૩થી ૩૫૪નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૭૬નો ઉછાળો આવ્યો હતો.
આજે ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૩ વધીને રૂ. ૭૨,૧૫૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૫૪ વધીને રૂ. ૭૨,૪૪૮ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ સુસ્ત રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૭૬ વધીને રૂ. ૮૧,૩૭૪ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૩૪૭.૧૫ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૩૫.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના હાજરમાં ભાવ ૦.૧૬ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે ગઈકાલે અમેરિકાનાં જીડીપીનાં ડેટાની જાહેરાત બાદ વૈશ્ર્વિક સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો, પરંતુ તે પૂર્વે સલામતી માટેની માગનો ટેકો દૂર થવાથી ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાથી વૈશ્ર્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે ભાવઘટાડો જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
વધુમાં આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચરનાં ડેટા તેમ જ રોજગારીનાં સાપ્તાહિક ડેટા પર સ્થિર થઈ છે. જોકે, ગઈકાલના નબળા જીડીપીનાં ડેટાની જાહેરાત બાદ હવે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી અથવા તો છેલ્લા ત્રિમાસિકગાળાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી
રહ્યા છે.