વીક એન્ડ

હુસ્ન મેં ઔર ઇશ્ક મેં જબ રાબિતા કાયમ હુઆ, ગમ બના દિલ કે લિયે ઔર દિલ બના મેરે લિયે

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

ઉર્દૂ ગઝલ અને નઝમના અદ્ભુત અને અપૂર્વ શાયર તરીકે ‘સાહિર’ લુધિયાન્વીનું નામ શાયરીના ચાહકોએ અચૂક સાંભળ્યું જ હોય. ‘સાહિર’ સાહેબનાં ફિલ્મી ગીતો અને ગઝલો આજના દૌરમાં શ્રોતાઓનાં દિલોના તાર ઝણઝણાવી તેની જાદુગરી ફેલાવી રહ્યા છે. તે વિશે હવે પછી નજીકના સમયમાં વાત કરીશું, પરંતુ આજે ‘સાહિર’ ઉપનામ ધરાવતા બીજા એક શાયરનો પરિચય મેળવીશું. ‘સાહિર’ અરબી ભાષાનો શબ્દ છે. જાદુગર એવો તેનો અર્થ થાય છે. ‘સાહિર’નું મૂળ નામ પંડિત અમરનાથ મદન છે. તેઓ કાશ્મીરી બ્રાહ્મણ હતા. ૨૬ માર્ચ ૧૮૬૩ના રોજ તેમનો જન્મ થયો હતો. ઇ. સ. ૧૯૪૫માં તેઓ મૃત્યુ પામ્યા હતા. આ શાયર દિલ્હીના રઇસ રાયબહાદુર પંડિત જાનકીદાસના સુપુત્ર હતા. તેમના પૂર્વજ પંડિત દીનાનાથજી પંજાબના મહારાજા રણજિતસિંહના દીવાન હતા અને તેમના મોટા કાકા અંગ્રેજ સરકારની ફોજમાં સૂબેદાર હતા.

પંડિત અમરનાથે મહેસૂલ ખાતામાં મામલતદાર તરીકે નોકરી સ્વીકારી હતી. તેમણે આ હોદ્દો પ્રમાણિકતા અને સન્માન સાથે શોભાવ્યો હતો. ત્યાંથી નિવૃત્ત થયા પછી તેમણે જિંદગીના પાછલાં વર્ષો દિલ્હીમાં સાહિત્ય-સેવામાં ગાળ્યા હતા. શાયરો અને સર્જકોને ખૂબ જ ચાહતા. આ શાયર તેમના મિત્રો-શાયરોની શાયરને દાદ આપતા હતા. આ માટે તેઓ દર મહિને તેમના નિવાસસ્થાનમાં ચર્ચા-ગોષ્ઠીનું આયોજન કરતા હતા. તેમાં શાયરો પણ ઉમળકા સમેત ભાગ લેતા હતા. વળી તેઓ દર વર્ષે ધામધુમથી મુશાયરો યોજતા હતા. તેમાં તેઓ પ્રતિષ્ઠિત શાયરોને આમંત્રણ આપતા હતા. ઉર્દૂ ભાષા-સાહિત્યના વિશ્ર્વમાં આ શાયરનું નામ આદર સાથે લેવાતું હતું. હસમુખો સ્વભાવ ધરાવતા આ શાયર મિલનસાર અને સરળ ઇન્સાન હતા.

શરૂઆતમાં તેઓ ફારસી ભાષામાં કાવ્યો લખતા હતા. પણ ત્યાર પછી સાથી શાયરોના આગ્રહને વશ થઇ ૨૨ વર્ષની ઉંમરે તેમણે ઉર્દૂમાં લખવાનું શરૂ કર્યું હતું. ‘કુફ્રેઇશ્ક’ શીર્ષક ધરાવતો તેમનો ગઝલસંગ્રહ ૧૯૩૭માં પ્રકાશિત થયો હતો. તેમની રચનાઓમાં દર્શન અને અધ્યાત્મનો સમન્વય સધાયેલો જોવા મળે છે. તેમની શાયરીમાં ફારસી ભાષાના શબ્દો સાહજિક રીતે વણાઇ ગયા છે.
અનુભૂતિમાંથી પ્રગટેલા અન શાયરના અંદાજ-મિજાજ ધરાવતા તેમના કેટલાક શેરનો હવે રસાસ્વાદ કરીએ.

  • હુસ્ન કો ઇશ્ક સે બેપરદા બના દેતે હૈ;
    વો જો પિન્દારે-ખુદી દિલ સે મિટા દેતે હૈ.

જે લોકો હૃદયમાંથી સ્વમાનનું હુંપદ દૂર કરે છે તેવા લોકો જ પ્રેમ અને સૌંદર્ય વચ્ચેનો પરદો હટાવી દેતા હોય છે.

  • જુનૂને-ઇશ્ક મેં કબ તન-બદન કા હોશ રહતા હૈ
    બઢા જબ જોશે-સૌદા હમને સર કો દર્દે-સર જાના.

આ પ્રેમના ઉન્માદમાં તન-બદનની કયા કોઇ શુદ્ધિ (સભાનતા) રહેતી હોય છે? જયારે (અમારા દિમાગમાં) વિકારનો ઊભરો આવ્યો તો અમોએ એમ માની લીધું કે હવે મુસીબત દૂર થઇ ગઇ છે.

  • હુસ્ન મેં ઔર ઇશ્ક મે જબ રાબિતા કાયમ હુઆ,
    ગમ બના દિલ કે લિયે ઔર દિલ બના મેરે લિયે
    સૌંદર્ય અને પ્રેમ વચ્ચે જયારે હંમેશ માટેનો સંબંધ બંધાઇ ગયો ત્યારે દુ:ખ હૃદય માટે બન્યું અને હૃદય મારા માટે બન્યું.
  • પા લિયા આપ કો અબ કોઇ તમન્ના ન રહી,
    બે તલબ મુઝ કો જો મિલના થા મિલા આપ
    સે આપ.

તમને પામવાની ઇચ્છા હતી તે ખતમ થઇ ગઇ. તમને હવે (મેં) મેળવી લીધાં તેથી હવે કોઇ ઇચ્છા બાકી રહી નથી. મને જે કાંઇ મળવાનું હતું તે માગ્યા સિવાય (કેવું!) આપમેળે જ મળી ગયું! જો ઇન્સાન તમન્ના સેવે તો તેને બધું મળી જતું હોય છે. તે માટે તેને આમતેમ વલખાં મારવાની જરૂર પડતી નથી. પ્રસ્તુત શેર દ્વારા શાયરે કેવો મજાનો સંદેશો વ્હેતો મૂકયો છે!

  • વો ભી આલમ થા કે તૂ-હી-થા ઔર કોઇ ન થા,
    અબ યહ કૈફિયત હૈ મૈં-હી-મૈં કા હૈ સૌદા મુઝે.

એક વખત એવી પરિસ્થિતિ હતી કે (બધે) તું જ હતો અને અન્ય બીજું કોઇ હતું જ નહીં. હવે મને એવો નશો ચઢયો છે કે હવે તો બધે જ હું અને માત્ર હું જ છું, એવા પ્રકારનું ગાંડપણ મારા માથે સવાર થઇ ગયું છે. માણસ જયારે સ્વમાં, પોતાની જાતમાં ડૂબકી મારે છે ત્યારે આવા પ્રકારનો એહસાસ થતો હોય છે.

  • એક જઝબા થા અઝલ સે ગોરાયે-દિલ મેં નિહાં,
    ઇશ્ક કો ઇસ હુસ્ન કે બાઝાર ને રુસ્વા કિયા.

અનાદિ કાળથી હૃદયના ખૂણામાં એક લાગણી છુપાઇને પડી હતી. તે એ કે પ્રેમને આ સૌંદર્ય રૂપના બજારે જ બદનામ કર્યો છે. પ્યાર-મોહબ્બત જેવા નિર્દોષ ભાવ કયારેય બદનામ થતા નથી, પરંતુ સૌંદર્યના હાટડાએ પ્રેમને બદનામ કરેલ છે. અહીં શાયરનો આક્રોશ બાખૂબી રજૂ થયો છે.

  • કહાં દેરો-હરમ મેં જલવયે સાકી-ઓ-મય બાકી?
    ચલેં મયખાને મેં ઔર બૈઅતે-પીરેમુગાં કર લે.

આ મંદિર અને મસ્જિદમાં સાકી (પીવડાવનાર) અને સુરા કયાંથી જોવા મળશે. તેના ઉપાય માટે ચાલ સુરાલયમાં જઇએ અને સુરાલયના સંચાલકની કંઠી બાંધી લઇએ ત્યાં આપણું કામ થઇ જશે. આ શે’રમાં શરાબખાનાનો માહૌલ કાવ્યતત્ત્વ સમેત ઊભો કરાયો છે તે વાચકો જોઇ શકશે.

  • હમ હૈં ઔર બેખુદી-ઓ-બે ખબરી,
    અબ ન હિન્દી, ન પારસાઇ હૈ
    હવે અમે છીએ અને (અમારી સાથે) અભાન અવસ્થા અને અણજાણપણું છે હવે તો મસ્તી (રંગીની) નથી અને સંયમ પણ નથી.
  • તમન્નાયેં બર આઇ અપની તર્કે-મુદઆ હો કર,
    દુવા દિલ બેતમન્ના અબ, રહા મતલબ સે કયા મતલબ?
    પોતાની અભિલાષાનો ત્યાગ કરીને તમન્નાઓ ફળીભૂત તો થઇ, પરંતુ હૃદય હવે ઇચ્છા વિહોણું બની ગયું છે. હવે મતલબ (અર્થ) સાથે પણ કોઇ મતલબ રહ્યો નથી. અભિલાષાઓ સાથે જીવતો માણસ જયારે તેનો ત્યાગ કરે ત્યાર પછી તેના વગર તે સારી રીતે જીવી શકે ખરો? આ સવાલ અહીં છોડવામાં આવ્યો છે.
  • પરદા પડા હુઆ થા ગફલત કા ચશ્મે-દિલ પર,
    આંખે ખૂલી તો દેખા આલમ મેં તૂ-હી-તુ હૈ.

ગફલત શબ્દના આળસ, બેદરકારી, ભૂલ, અસાવધાની, બેશુદ્ધિ જેવા ઘણા અર્થ છે. હૃદયની દ્રષ્ટિ પર બેદરકારીનો પડદો પડી ગયો હતો. હવે જયારે આંખો ઉઘડી ગઇ તો સમજાયું કે સમસ્ત વિશ્ર્વમાં (કણ કણમાં) તું જ તો સર્વવ્યાપી છે. ઇશ્ર્વરને સમજવા અને પામવા માટે હૃદયની આંખો ઉઘાડી રાખવી પડે છે. તે માટે પેલી બે આંખો કામ નથી લાગતી. શાયરે આવી ઝીણી વાત સૂફિયાના અંદાજમાં રજૂ કરી છે.

  • ઐ પરીરૂ! તેરે દીવાને કા ઇમાં કયા હૈ,
    ઇક નિગાહે-ગલત-અંદાઝ પે કુર્બા હોના.

પરી જેવું મુખ ધરાવતી (રૂપસુંદરી)! તારી પાછળ પાગલ થયેલાઓ માટે શ્રદ્ધા માત્ર આ જ એ છે કે તારી અમસ્તી જ એક દ્રષ્ટિ પર કુરબાન થઇ જવું. પ્રેમમાં ફીદા થવાનો અજબ કીમિયો બતાવીને શાયરે કેવી કમાલ કરી છે!

  • કતરા દરિયા હૈ અગર અપની હકીકત જાને,
    પાયેે જાતે હૈ જો હમ આપ કો પા જાતે હૈ.

નદી જયારે સમુદ્રમાં મળે છે ત્યારે તે તેનું અસલ સ્વરૂપ ગુમાવી દેતી હોય છે. આમ, એક બિન્દુ જો પોતાના સામર્થ્યની હકીકત જાણે તો મૂળ તે નદી છે. આપણે ખોવાઇ જઇએ છીએ તે સાચું પણ સાથે સાથે આપણે તેને પામી જઇએ છીએ જીવનનું તત્ત્વજ્ઞાન અહીં ઉદાહરણ સાથે વ્યક્ત કરાયું છે.

  • જિસ કો ખબર નહીં, ઉસે જોશો -ખરોશ હૈ,
    જો પા ગયા હૈ રાઝ, વો ગુમ હૈ, ખમોશ હૈ
    જેમને વાતની કશી જ ખબર નથી, અજ્ઞાત છે એવા લોકોને (નકામો) આવેગ છે અને જુસ્સો છે. પણ જે લોકોને રહસ્યની જાણ થઇ ગઇ છે. એવા લોકો ખોવાયેલા છે તેમ ચુપ છે. એક સદી પહેલા લખાયેલો આ શે’ર આજના જમાનામાં પણ કેટલો બધો સુસંગત છે.
  • ખાલી હાથ આયેંગે ઔર જાયેંગે ભી ખાલી હાથ
    મુફત કી સૈર હૈ, કયા લેતે હૈ, કયા દેતે હૈ.

બાળક (વ્યક્તિ) જન્મે છે ત્યારે બન્ને હાથ ખાલી લઇને આવે છે. વળી જાય છે ત્યારે પણ તે પોતાની સાથે કશું જ લઇને જતો નથી. આ જિંદગી એ તો મફતની મુસાફરી છે. તે કશું લેતી નથી અને
કશું દેતી પણ નથી. જીવનની આ નક્કર હકીકત છે.

  • ગુમ કર દિયા હૈ આલમે-હસ્તી મેં હોશ કો,
    હર ઇક સે પૂછતા હૂં કિ ‘સાહિર’ કહાં હૈ આજ?

આ વૈશ્ર્વિક જીવનમાં મારી સભાન અવસ્થાને મેં ગુમ કરી દીધી છે. (એટલા માટે તો) મને જે કોઇ સામે મળે છે તેને હું પૂછી લઉં છું કે આજે ‘સાહિર’ કયાં છે?

  • ઝિંદગી મેં હૈ મૌત કા નકશા,
    જિસ કો હમ ઇન્તેઝાર કહતે હૈ.

જીવનમાં જ મૃત્યુનો નકશો (ચિતરાયેલો) હોય છે, પણ આપણે સૌ તેને પ્રતીક્ષા જેવું રૂડું નામ આપીએ છીએ. જીવનની સાચી વાસ્તવિકતાને એક વ્યાખ્યામાં બાંધવાનો અહીં પ્રયાસ કરાયો છે, જે કાબિલે-દાદ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button