સ્ટેઈનવે ટાવર – ન્યૂયોર્ક
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
વિશ્ર્વમાં અમુક સ્થાનોએ જ જમીનની કિંમત એટલી વધી ગઈ છે કે ત્યાં આર્થિક બાબતોનો સરવાળો કરવા માટે બહુમાળી મકાન બનાવવાનો જ વિકલ્પ બાકી રહે છે. બહુમાળી મકાનની બાંધણી માટે વિવિધ પ્રકારના પ્રયોગો થઈ ચૂક્યા છે. મોટાભાગના સફળ પણ થયા છે. સફળ થયેલા પ્રયોગોના આધારે બહુમાળી મકાનોની એક શૈલી પ્રચલિત થઈ. સ્ટેઈનવે ટાવર આ બધી શૈલીથી ક્યાંક અલગ છે.
બહુમાળી મકાનો માટે આ એક નવી દિશા છે. એમ માનવામાં આવે છે કે બહુમાળી મકાનો માટે એનો જમીનનો વિસ્તાર વિશાળ હોવો જોઈએ જેથી મકાનની સ્પ્રિંગ ઇફેક્ટ ઓછી થાય. પણ અહીં તો આશરે ૨૮ મીટરની પહોળાઈમાં ૪૩૫ મીટર જેટલો ૮૨ માળનો રહેણાકીય ટાવર બનાવાયો છે. વિવિધ માન્યતાઓને કારણે આ ટાવરમાં ૯૧ માળ એમ દર્શાવાયું છે. માળને નંબર આપવામાં કેટલીક સંખ્યાઓને બાકાત રાખવામાં આવી છે.
ટાવરની સંકડાશ જોતા એક વાર એમ જણાય કે તેને બે મકાનની વચ્ચે વધેલી જગ્યામાં બનાવી દેવાયો છે. શોપ સ્થપતિ દ્વારા ડિઝાઇન કરાયેલ, આશરે પહોળાઈ અને ઊંચાઈ વચ્ચે ૧:૨૪ ગુણોત્તર વાળો આ ટાવર અંશત: ૯૬ વર્ષ જૂના સ્ટેઈનવે હોલ ઉપર ટેકવાયો છે. મેનહટનના સેન્ટ્રલ પાર્કની મુખ્ય અક્ષના સંદર્ભમાં સાથે આ ટાવરની ગોઠવણ મેળ ખાય છે.
આશરે ૬૦ જેટલા રહેણાકીય આવાસ ઉપરાંત અહીં નીચેના માળે વ્યાપાર તથા મનોરંજનના સ્થાન નિર્ધારિત કરાયા છે. ઊંચાઈને કારણે ટાવરની અગાસીનો પણ આવો જ ઉપયોગ થાય તે સ્વાભાવિક છે. જોકે અગાસીના ઉપયોગમાં જુદા જ પ્રકારની મર્યાદા રહેલી હોય.
ટાવરના જાહેર ક્ષેત્રમાં મુલાકાતીઓને આકર્ષવા માટે અહીં વિકાસના ચિત્રનું કાયમી પ્રદર્શન પણ રાખવાની તૈયારી છે. સમગ્ર ટાવરની રચનામાં વચ્ચેના ભાગમાં લિફ્ટ – દાદર જેવી સામાન્ય સવલતો ગોઠવાઈ છે. પછી આજુબાજુ બંને તરફ જે જગ્યા બચે તેમાં આવાસ ગોઠવાયા છે. મોટા આવાસમાં આ બંને જગ્યાને પરસ્પર જોડી દઈ મોટા આવાસની રચના કરાય છે. આવાસની રચનામાં આમ કંઈ વિશેષતા નથી, માત્ર સગવડતાનો સમાવેશ છે. એક રીતે જોવા જઈએ તો સમગ્ર ટાવર પણ વિવિધ સગવડતાના સમાવેશ માટે જ છે. ન્યૂયોર્ક શહેરના કેન્દ્રનું સૌથી આકર્ષક દ્રશ્ય કદાચ આ ટાવરમાંથી મળે છે. અને તેથી જ અહીંના સૌથી ઉપરના માળના આવાસની કિંમત ૭૦ મિલિયન ડૉલર અર્થાત ૪૦૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. જોકે ઘણા માટે આ એક નાનકડી રકમ હોઈ શકે. અહીંયા રહેવાથી જે ગૌરવ પ્રાપ્ત થાય તેની સામે આ રકમ ઘણા લોકો માટે સામાન્ય બની રહે. ૬૫૦ ચોરસ મીટરનું આ વિશાળ આવાસ બે માળનું બનાવાયું છે અને તેમાં એક અલાયદી વધારાની વિસ્તૃત બાલકનીનું આયોજન રખાયું છે.
આવા મકાન પર પવનનો માર વધુ આવે. એમ કહેવાય છે કે જ્યારે પવનની ગતિની માત્રા વધુ હોય ત્યારે આ ટાવર ૯૦ સેન્ટીમીટર જેટલો ઝૂલે છે. અગત્યની વાત એ છે કે આવા ટાવરની રચનામાં માળખાકીય મજબૂતી માટે તકનીકી જ્ઞાન ચરમ કક્ષાનું હોવું જોઈએ. ગણતરીઓ થઈ જ હશે, અને ટાવરનું બાંધકામ ૨૦૨૧માં પૂર્ણ થઈ ગયું હોવાથી તે ગણતરી મહદ અંશે સાચી પણ હશે. પ્રશ્ર્ન સામાજિક સ્વીકૃતિનો પણ છે. બની શકે કે કહેવાતો ૯૦ સેન્ટીમીટરનો ઝૂલાવ મકાનની મજબૂતી માટે પ્રશ્ર્નો ઊભા ન પણ કરે, પરંતુ તેમાં રહેનાર વ્યક્તિ તો અસલામતી અનુભવે જ.
પ્રશ્ર્ન એ થાય કે આવી અસલામતી જન્માવે તેવી રચના કરવા પાછળ કઈ પ્રેરણા હશે. એમ પણ કહી શકાય કે જ્યારે બહુમાળી ટાવરના કોઈ એક માળનો વિસ્તાર જો નાનો હોય તો તેમાં રહેનાર માનવી વધુ એકલતા અનુભવે અને તે પ્રકારની માનસિકતાથી પીડાય. ઇજનેરી દ્રષ્ટિએ આ ટાવર એક સફળતા ગણાય, પણ માનવતાની દ્રષ્ટિએ કેટલાક પ્રશ્ર્નો રહી જાય. બની શકે કે કેટલાક લોકોને આ જગ્યાનો મોહ હોય – આ સ્થાને રહેવું હોય, છતાં પણ આગળ જતાં તેમને એવી લાગણી તો ન જ થવી જોઈએ કે ક્યાંક ખોટો નિર્ણય લેવાઈ ગયો.
આ ટાવરની અનુભૂતિ વિશ્ર્વના બીજા બધા જ ટાવર કરતાં ભિન્ન રહેવાની જ. આ ટાવર એક રીતે બહુમાળી મકાનની નજાકતતા દર્શાવે છે. તે ઉપરાંત આ ટાવરની બહારની સપાટી પર લગાવેલ ટેરા-કોટા ટાઇલ્સનો રંગ પણ જુદા જુદા સમયે જુદી જુદી પ્રકાશ વ્યવસ્થામાં જુદો જુદો જણાય છે. આનાથી કંઇક વિવિધતાની અનુભૂતિ થાય. પણ તેની સામે ટાવરનું જે પાતળાપણું છે, તેની અસર વધુ ત્વરિત, વધુ જલદ તથા વધુ સમય સુધી રહેનારી બની રહે.
સ્થાપત્યકીય અને તકનીકી બાબતો સાથે આ ટાવર બાંધકામના ક્ષેત્રમાં પણ એક સીમાચિહ્ન સમાન છે. જ્યાં જમીન પ્રમાણમાં ઓછી હોય ત્યાં બહુમાળી મકાનના બાંધકામમાં તકલીફ તો રહે જ.
બાંધકામ ચાલુ હતું ત્યારે એક સમયે અહીં કે સ્કેફોલ્ડિંગ પડી જતા અકસ્માત પણ થયો હતો. પણ તે બધા સાથે જે રીતે બાંધકામ સંપન્ન કરવામાં આવ્યું તે પ્રશંસનીય છે. માલ-સામાન ઉપર લઈ જવા સાથે જે અગત્યનો પડકાર હોય છે તે ઊંચાઈ પર કામ કરતા શ્રમિકોની સલામતીનો ગણાય. તેમને સલામતી હોવા સાથે સલામતીનો ભાવ પણ કાયમી રહે તેવી વ્યવસ્થા જરૂરી બની રહે. જ્યારે મકાન પાતળું હોય ત્યારે આ સિદ્ધ કરવું મુશ્કેલ બની રહે.
ઇચ્છિત વ્યાપારી નફો મેળવવા માટેની આ રચના છે. સ્થાપત્ય તો કદાચ પછીનો વિષય છે. કિંમતી જમીનના ટુકડામાંથી શક્ય એટલું પ્રાપ્ત કરી લેવું એ આ ટાવરનો મુખ્ય ઉદ્દેશ જણાય છે. આ માટે ક્યાંક માનવની મનોસ્થિતિને નજર અંદાજ કરાયું હોય તેમ લાગે છે.