છે માછલી પણ કહેવાય દરિયાઈ ઘોડા
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
પ્રવાસ કરવા માટે ગતિની જરૂરિયાતને સમજીને માનવે કદાચ સૌ પ્રથમ જંગલી ઘોડાઓને નાથ્યા હશે. ઘોડાને આપણે આજે પાલતું જાનવર સમજીએ છીએ, પરંતુ હકીકતે આજે પણ ચીનના મંગોલિયામાં, અને વિશ્ર્વની થોડા સ્થળો પર ઘોડા જંગલી અવસ્થામાં વસી રહ્યાં છે. ઘોડાની શરીર રચનાનો આધાર જે તે વિસ્તારની આબોહવા અને તે સપાટ મેદાનોમાં છે, કે પહાડોમાં છે, કે પછી દરિયામાં છે તેના પર નિર્ધારિત રહે છે. ઓ તેરી… જમીન પહાડો તો સમજ્યા જાણે, પણ દરિયામાં ઘોડો ? ના હોય લ્યા… તો ચાલો મને એક વાત સમજાવો કે રામદેવ પીર જેના પર બેઠા હતાં તે લાકડાનો ઘોડો જો ઊડી શકતો હોય તો દરિયામાં ઘોડા છે તે વાત પણ આપણે માનવી જ રહી ને? હા રામદેવજીના જીવનચરિત્રના ભાગ જેવી આ દૈવી ઘટના તેમની દિવ્યતાનો અહેસાસ કરાવે છે, જ્યારે હું આજે જે ઘોડાની વાત લઈને આવ્યો છું તે કંઈ કલ્પના માત્ર નથી… હા દોસ્તો દરિયામાં પણ સાચુકલા ઘોડા હોય છે.
જે લોકો પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાયેલા છે તે સૌ જરૂર સમજી ગયા હશે કે હું જેની વાત કરું છું તે દરિયાઈ ઘોડો એટલે કે સી હોર્સ છે. પરંતુ અહી મજાની વાત એ છે કે દરિયાઈ ઘોડો એ પૃથ્વી પરના ઘોડા જેવુ સસ્તન વર્ગનું પાણી નથી, પરંતુ દરિયાની કરોડો અબજો જાતિઓની માછલીઓ જેવી એક માછલી છે. ફરક માત્ર એટલો છે કે આ માછલી સાવ ટચૂકડી અને અનોખી છે. તેનું નામ સી હોર્સ એટલે કે દરિયાઈ ઘોડો એટલા માટે પડ્યું છે કે તેના મોંનો આકાર ઘોડાના મોં જેવો જ છે. દરિયાની માછલીઓ પાણીમાં આડી તરતી હોય છે, જ્યારે દરિયાઈ ઘોડો પાણીમાં ઊભો તરે છે. ૂદરિયાની અંદરની જમીનમાં જે ઉથલપાથલો થઈ અને કાંઠા પાસે છીછરી જગ્યાઓનું નિર્માણ થયું, તે જગ્યાઓમાં ઊગતા ઘાંસમાં રહેવા માટે દરિયાની એક માછલી પાઈપ ફિશે પોતાના શરીરમાં પરિવર્તનો લાવતાં દરિયાઈ ઘોડાની જાતનો વિકાસ થયો. દરિયાઈ ઘાંસ પાણીમાં સીધું ઊભું રહેતું હોવાથી આ માછલીઓએ પોતાની શરીર રચના અને તરવાની પ્રક્રિયામાં પણ ઊભા તરવાની કળા વિકસાવી હતી.
વૈજ્ઞાનિકોના સંશોધનો મુજબ દરિયામાં કુલ મળીને દરિયાઈ ઘોડાની પચાસ જેટલી જાતો-પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. આમાંની નાનામાં નાની જાતિ આશરે માંડ અડધો ઈંચની અને મોટામાં મોટી જાતિ આશરે ચૌદ ઈંચના કદની હોય છે. આમ જોવા જાવ તો આ માછલી અંગે ઘણી બાબતો અત્યંત રસપ્રદ છે, પરંતુ તેમાંની સૌથી વધુ મજા પડે એવી થોડી બાબતો આજે જાણીશું. સૌ પ્રથમ મુદ્દો આવે છે ભૂખ. ભૂખ તો સબ કો લગતી હૈ, પરંતુ આ માછલી ટચૂકડી હોવા છતાં અત્યંત ભૂખાળવી હોય છે. તેનું મોં સૂંઢ જેવુ હોય છે અને તેને દાંત હોતા નથી. અધુરામાં પૂરું કુદરતે તેમને હોજરી આપી નથી. અરે ? હા અને એટલે જ તે ખોરાક ખાય ત્યાર બાદ તેના શરીરમાંથી પસાર થઈને નિકાલ થઈ જાય છે. આ કારણે તેમણે દિવસમાં ઓછામાં ઓછા ત્રીસેક વખત ખોરાક લેવો પડે છે, જેથી શરીરને જોઈએ તેટલા પ્રમાણમાં ઉર્જા મળી રહે. તેના ખોરાકમાં તેના કદને અનુરૂપ હોય તેવી ઝીંગાઓની અનેક પ્રજાતિઓનો સમાવેશ થાય છે. પરંતુ તેની વિચિત્ર શરીર રચનાને કારણે તે કોઈની પાછળ પડીને શિકાર કરવાને બદલે એક જગ્યા પર સ્થિર બેસીને નજીકથી પસાર થતા શિકારને ઓચિંતા ઝડપીને ઓહિયા કરી જાય છે.
દો હંસોના જોડાની માફક દરિયાઈ ઘોડા પણ એક જ જીવનસાથી સાથે ઘર માંડે છે. હવે દરિયામાં નેટફલિકસ, પ્રાઈમ કે હોટસ્ટાર પર અનુપમા જોઈને સમય પસાર કરી શકાતો નથી, એટલે આ યુગલો દિવસનો ઘણો ખરો વખત એકબીજાની પૂંછડી પકડીને ફેરફુદરડી ફરે, એકબીજાને રંગો બદલી બદલીને મોહિત કર્યા કરતાં હોય છે. પરંતુ પ્રજનન સમયે તેમનું આ નૃત્ય આઠેક કલાક પણ ચાલી શકે છે. ગર્ભાધાન મતલબ કે ઈંડાઓનું ફલન થયા બાદ માદા દરિયાઈ ઘોડી નરના પેટના ભાગે આવેલા કાંગારું જેવા એક પાઉચમાં ઈંડા મૂકી દે છે. નર દરિયાઈ ઘોડો આ ઈંડાઓને અમુક અઠવાડિયાઓ કે કયારેક મહિનાઓ સુધી સેવે છે. જ્યારે બચ્ચા તૈયાર થઈ જાય ત્યારે પોતાનું પેટ સંકોચીને ઘાંસના જંગલ જેવા વિસ્તારમાં રમતા મૂકી દે છે. તેથી જ ક્યારેક આડી લાઈને ચડી ગયેલું દરિયાઈ ઘોડું બાપનો ઠપકો સાંભળે છે કે ક્યાં યે દિન દેખને કે લીએ તુઝે તઈણ મહિને પેટ મેં પાલા થા?
મોં સિવાય તેના શરીરમાં ધડ અને નીચે પૂંછડી હોય છે. આ પૂંછડી તેમના જીવનનું અગત્યનું અંગ છે. છીછરા દરિયાના હળવા હિલોળા લેતા પાણીમાં પોતાની જગ્યા પર ટકી રહેવા તથા છુપાવા, શિકાર કરવા અથવા તો પછી ઈલુ ઈલુ કરવામાં આ પૂંછડી સૌથી મહત્વનો ભાગ ભજવે છે. હવે સમજીએ કે આ ઘોડો, ઘોડી અને ઘોડું પોતાનો શિકાર કરવા, કે શિકાર થવામાંથી બચવા શું કરતાં હશે. તેનો શિકાર કરવા આવતી બીજી માછલીઓ અને કારચલાઓથી બચવા માટે તેઓ છદ્માવરણ એટલે કે કેમોફલેજનો ઉપયોગ કરે છે. ઓકટોપસની માફક સી હોર્સ પાસે પણ આસપાસના વાતાવરણમાં ભળી જવા માટે રંગ બદલવાનો મહારથ હાંસલ છે. બીજો મુદ્દો એ છે કે તેની આંખો તેના ચપટા માથાની બંને બાજુ હોવાથી તેની બંને આંખો અલગ અલગ દિશામાં ચારે બાજુના દૃશ્યો જોવાની શક્તિ ધરાવે છે.
પાણીમાં તરવા માટે તેના કાનની જગ્યા નજીક બે સાવ નાની નાની પાંખો હોય છે, પરંતુ તેનાથી તે થોડું અંતર કાપી શકે પરંતુ પાણીમાં ઉપર નીચે જવા માટે તેમના શરીરમાં હવા ભરેલું એક ગોલબ્લેડર નામનું અંગ હોય છે, જેની મદદથી તેઓ પાણીમાં ઉપર નીચે જવાની ગતિ નિયંત્રિત કરી શકે છે. અંતે હવે એક કલ્પના કરીએ તેમની વિચિત્રતાની. અગાઉ કહ્યું તેમ નાનામાં નાનું દરિયાઈ ઘોડું ૦.૬ ઈંચનું હોય છે… મતલબ કે ચોખાના એક દાણા જેટલું… ચલ મેરા ઘોડા ટીક ટીક ટીક…