વીક એન્ડ

તમે સાવ નક્કામા છો… ભોળા છો… તમને કંઈ ખબર ન પડે…!

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

દરેક પરિણીત પુરુષે આ શબ્દો એની વિવાહિત જિંદગીમાં એકવાર તો સાંભળ્યા જ હોય. હમણાં તો ઘણા ગુજરાતીઓના ઘરે આ વાક્ય બોલાયું અને તેનું એપી સેન્ટર સુરત જાણવા
મળ્યું છે.

વાતમાં જાજુ મોણ ન નાખતા પેપર ફોડી દઉં છું કે સુરતમાં લોકસભાની એક બેઠક બિનહરીફ જાહેર થઈ. કહેવાય છે કે કરોડોનો વહીવટ થયો. એ.. મુખ્ય પક્ષના ઉમેદવારે તો પેટ ભરીને ખાધા,એનો હક છે.કારણ કે એ મુખ્ય પક્ષમાં હતો, પરંતુ નાના નાના પક્ષવાળાઓએ પણ વહેતી ગંગામાં ધુબાકા મારી લીધા.

અમારા ચુનિયાના ઘરે તે દિવસની મગજમારી ચાલુ થઈ ગઈ છે. એમાં પણ ત્રણ દિવસ પહેલાં સેન્સેક્સની સાથે સાથે ચુનિયાનું એકાઉન્ટ પણ પડ્યું. જે શેર લીધા હતા એ જ આખલાના માથા સાથે ભટકાણા. તે દિવસે સોનામાં ૨૦૦ રૂપિયા ઓછા થયા હતા. અને ભાભીએ શેર નહીં સોનું લેવા માટે ધમ પછાડા કર્યા હતા, પરંતુ ચુનિયાએ સમજાવ્યું હતું કે આ શેરમાંથી જે કંઈ કમાઈએ એમાંથી સવા શેર સોનું લઈશું. આખલાની પૂઠે કો’કે બીડી અડાડી ને આખલો સડેડાટ નીચે આવ્યો.અને એ આખલાનીચે અમારો ચુનિયો પણ નીચે પછડાયો. ખલાસ!

ભાભી એ ડબલ મારો શરૂ કર્યો : સોનું ના લીધું તો ના લીધું, પણ શેર શું કામ લીધા? તમને લગ્ન વખતે લખેલા લવ લેટરમાં પણ શેર લખતા આવડતા ન હતા.મને તો તે દિવસની ખબર પડી ગઈ હતી કે આને શેર સાથે કાંઈ લેવાદેવા નથી તેમ છતાં મારા લમણે લખાણા. મને એમ હતું કે સુધરી જશો, પરંતુ તમે શેર બજારના રવાડે ચડ્યા.અરે, નહીં સોનુ, નહી શેર એ.. ખાલી સુરતમાં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હોત તો પણ ૧૦૦ ૨૦૦ લળ સોનું ચપટી વગાડતા લઈ શક્યા હોત !

અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હોત તો મારી બહેનપણીઓ વચ્ચે બે- ત્રણ દિવસ તો વટથી કહેત કે મારા ઈ સંસદ સભ્ય બનવાના છે. અને પાછું ખેંચી લીધું હોત તો પાંચ વર્ષની ગ્રાન્ટ જેટલા રૂપિયા કમાયા હોત.

જો કે આ વાતનું ચુનિયાને પણ પારાવાર દુ:ખ તો થયું જ. ખરેખર ગળામાં બગસરાનો પાંચ તોલાનો ચેન પહેરવા કરતાં જો અપક્ષ તરીકે ઊભો રહ્યો હોત તો બગસરાની જગ્યાએ સસરાનો પાંચ તોલાનો સોનાનો ચેન પેરત. મેં કહ્યું કે રૂપિયા તને મળે પછી સસરા થોડા કરાવી દે ? તો એ મને કહે એની દીકરી મારા ઘરે જે છે એને તમે ઓળખતા નથી. મને તો ખાલી આંકડાની ખબર પડે.બાકી વહીવટ તો એ જ કરી લે.એના હાથમાં ગયા પછી હાથ ખર્ચીના રોજના રૂપિયા ૧૦૦ થી વિશેષ મને કશું ન મળે.

જો કે પછી ભાભીએ મન મનાવ્યું છે અને દરેક લોકોને એ કહેતા ફરે છે : ‘મારા ઈ બહુ ભોળા છે.’

મને આ વિધાન ઉપર વાંધો હતો એટલે મેં તો કીધું કે ‘ભાભી, આ ભોળો કઈ રીતે?’ તો મને કહે : ‘હું એને મૂરખ થોડા કહી શકું?’

આમ મૂરખનું સુધારેલું વર્ઝન એટલે ભોળા ખરેખર ઘણા એવા શબ્દો છે જેનો અર્થ ભોળા થાય છે. ઘણીવાર ઘરવાળી એવું કહે કે ‘તમારે તો ખરીદી કરવા જવું જ નહીં તમને બધા છેતરી જાય છે.તમે બહુ ભોળા છો.’ અહીં ભોળપણનો અર્થ બુદ્ધિ વગરના અથવા તો મંદબુદ્ધિ એવો પણ થઈ શકે. કોઈ કામમાં કૌશલ્યની જરૂર હોય તો તરત જ કહેશે કે એને ના કહેતા આ એનું કામ નહીં એ બહુ ભોળા છે. ’ અહીં ભોળપણનો અર્થ ડફર એવો કરી શકો.

આ તો તમારી ઘરવાળી તમારા વિશે સુવિચાર છે તે મેં તમને કહ્યું ,પરંતુ ક્યારેક પતિદેવ જાતે જ એમ કહે કે મને એ બધું ન સમજાય હું ભોળો છું’ તો સમજવું કે આ શખસ મહા ચબરાક,ચાલુ, ગામ આખાને વેચી અને ચણા ખાઈ જાય એવો કાટ માણસ છે.

એવું જ એક હીટ વાક્ય છે ’તમને કાંઈ ખબર ન પડે..’ આ વાક્યનો પ્રયોગ ત્યારે જ થાય જ્યારે પત્ની પોતાનું કામ પોતાની રીતે કઢાવવા માગતી હોય, હજી તમે પડોશમાં રહેતી સુંદર પડોશણ માટે તમારી કાર્યદક્ષતા દેખાડવા તત્પર થતા હોય અને આજુબાજુ જોઈ અને ખાતરી પણ કરી લીધી હોય કે કોઈ તમારી વાતમાં વચ્ચે પડશે નહીં. ખાલી જગ્યામાં જ શોર્ટ મારવાનો છે. બરાબર તમે તેના કોઈ કામ માટે હા પાડવા જતા હો ત્યાં તમારી અર્ધાંગિની તમારું આખું અંગ દાબી તમારું બાવડું પકડી તમને એક બાજુ કરી અને એ સુંદર પાડોસણ (જો કે તમારી પત્ની માટે તે ચિબાવલી, નખરાળી) સામે આવી અને કહે ‘એને રહેવા દે, તારું કામ નહીં થાય, આમાં એને કાંઈ ખબર ન પડે! ’. આપણું બાવડું એવું દબાવ્યું હોય કે આંગળાની છાપ આપણા બાવળા ઉપર પડી ગઈ હોય એટલે આપણે એમ પણ ન કહી શકીએ કે ના ના એવું નથી,મારાથી કામ થશે.’ પરંતુ પત્નીની પકડની તાકાત સામે આપણા શબ્દો બહાર ના નીકળે.

આવા તો ઘણાં વાક્યો છે, જે તમારી સામે ઉપયોગ થતો હશે, પરંતુ દરેક વખતે શબ્દનો અર્થ ફરી જતો હોય. ચાલો , મારી ઘરવાળી પણ મને બોલાવે છે ચાર વાર રાડ પાડી છે હવે જવાબ નહીં દઉં તો જમવાનું કામવાળી ને આપી દેશે, પણ મને નહીં જમવા દે.!

જોયું, ફોન કરીએ ને એની માને તરત કીધું : બહુ મીંઢા છે. આવાં કેટલાં વાક્યો માટે ભલે તમે જવાબદાર ન હો , છતાં માર્કેટમાં ફરતા હોય તો મને લખી અને જણાવજો.

વિચારવાયુ
‘અમારે ઘરમાં એનું જ ચાલે’
આ વાક્ય બોલનારનું જ ખરેખર ચાલતું હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button