અમેરિકા મુસ્લિમ મહિલાઓના હકોની વાત કેમ નથી કરતું?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અમેરિકા હજુય પોતે જગત જમાદાર હતું ને દુનિયાભરના દેશોને દબડાવતું એ જમાનામાં જ જીવે છે. પોતે કંઈ પણ કહેશે એટલે બીજા દેશો પોતાના પગ પકડતા આવશે એ ભ્રમમાંથી બહાર આવવા જ અમેરિકા તૈયાર નથી ને તેનો તાજો દાખલો ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન અંગે બહાર પડાયેલો રિપોર્ટ છે.
અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને દુનિયાના જુદા જુદા દેશોમાં માનવાધિકાર કાયદાના પાલનની સ્થિતિ પર બહાર પાડેલા ૮૦ પેજના રિપોર્ટમાં ચીન, બ્રાઝિલ, બેલારુસ, મ્યાનમાર સહિતના દેશોમાં માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતને બીજા દેશમાં શું ચાલે છે તેની સાથે લેવાદેવા નથી પણ ભારત અંગે રિપોર્ટમાં શું છે એ ભારત માટે મહત્ત્વનું છે.
અમેરિકાએ ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એવું કરીને ભારતમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું આળ મૂકીને ભારતને સ્થિતિ સુધારવાની સલાહ આપી છે. મણિપુરથી માંડીને મુસ્લિમો સાથે વ્યવહાર સુધીના મુદ્દે અમેરિકાએ ડહાપણ ડહોળ્યું છે અને ભારતને સૂફિયાણી સલાહ આપી છે.
ભારતે ૮૦ પાનાના આ રિપોર્ટને ખોટો અને ભેદભાવપૂર્ણ ગણાવીને ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તડ ને ફડ કરીને કહી દીધું છે કે, આ રિપોર્ટ દર્શાવે છે કે ભારતને લઈને અમેરિકાની સમજ યોગ્ય નથી તેથી અમે આ રિપોર્ટને કોઈ મહત્ત્વ આપતા નથી. મીડિયાએ પણ એ જ કરવું જોઈએ ને આ રિપોર્ટને મહત્ત્વ ના આપવું જોઈએ.
ભારતનું વલણ યોગ્ય છે કેમ કે અમેરિકા ભારતમાં મણિપુરથી માંડીને મુસ્લિમો સાથે વ્યવહાર સુધીના મુદ્દે માનવાધિકારના ઉલ્લંઘનના જે આક્ષેપો કરે છે એ વાસ્તવમાં ભારતના આંતરિક મુદ્દા છે ને તેને દુનિયાના બીજા દેશો સાથે કોઈ લેવાદેવા નથી. બીજું એ કે, અમેરિકાએ આ રિપોર્ટમાં જે પણ કહ્યું એ બધું પાણીમાંથી પોરા કાઢવા જેવું છે. કોઈ પણ પ્રકારના પુરાવા વિના માત્ર ને માત્ર ખોટી ભ્રમણાઓના આધારે ચિતરામણ કરી દેવાયું છે.
આ રિપોર્ટમાં અમેરિકાએ મણિપુરમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરી દાવો કર્યો છે કે, મણિપુરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. મણિપુરમાં મેતેઈ અને કુકી સમુદાય વચ્ચેના સંઘર્ષમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થયું છે. ૨૦૨૩માં ત્રણ મે અને ૧૫ નવેમ્બરની વચ્ચે ઓછામાં ઓછા ૧૭૫ લોકો માર્યા ગયા અને ૬૦,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા. લોકોનાં મોત અને વિસ્થાપન અંગેના આંકડા સાચા છે પણ તેને માનવાધિકાર ભંગ સાથે શું લેવાદેવા?
બે સમુદાયનાં લોકો સામસામે લડે ત્યારે તેમને રોકવાની સરકારની જવાબદારી છે. લોકો પોતે જ લડીને એકબીજાને નુકસાન કરતાં હોય એ ચલાવી ના લેવાય કેમ કે કોઈ સભ્ય સમાજ એ રીતે ટકે નહીં. મણિપુરમાં એવું થયું ને મણિપુરની સરકાર એ રોકી ના શકી એ તેની નિષ્ફળતા કહેવાય પણ એવું દુનિયામાં બધે બને છે. અમેરિકા અને તેના પોઠિયા જેવા
યુરોપના દેશોમાં પણ આ રીતે તોફાનો થાય છે, લોકો મરે છે ને વિસ્થાપિત પણ થાય છે, તેને માનવાધિકારોનું ઉલ્લંઘન ના કહેવાય. જે લોકો લડે છે એ લોકો કરતાં વધારે કિંમત નિર્દોષ લોકો ચૂકવે છે એ અન્યાય કહેવાય ને તેનું નિરાકરણ લાવવું સરકારની ફરજ છે. મણિપુરની સરકાર એ ફરજ ના નિભાવી શકી તેમાં બેમત નથી પણ તેને આટલો મોટો મુદ્દો ના બની શકાય.
આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં સરમુખત્યારશાહી વધી છે. કોની સરમુખત્યારશાહી વધી છે તેનો સીધો ઉલ્લેખ નથી પણ મોદી સરકારનું નામ લેવાયું છે. મોદી સરકાર પત્રકારોને ચૂપ કરવાનો અને તેમને જેલમાં મોકલવાનો પ્રયાસ કરી રહી છે એવું કહેવાયું છે. જમ્મુ-કાશ્મીરના લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું અને લોકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા દેવામાં આવતો નથી એવું પણ કહેવામાં આવ્યું છે. ભારતમાં રાજકીય કેદીઓને ટ્રાયલ વિના અટકાયતમાં રાખવાનો ઉલ્લેખ છે.
આ અહેવાલમાં બીબીસીની મુંબઈ અને દિલ્હી ઓફિસો પરના દરોડાનો પણ ઉલ્લેખ છે. રીપોર્ટમાં દાવો કરાયો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કર્યા પછી બીબીસી પર કરચોરીની તપાસના બહાને દરોડા પાડવામાં આવ્યા હતા. ૬૦ કલાકના દરોડા દરમિયાન અધિકારીઓએ કંપનીની નાણાકીય બાબતો સાથે લેવાદેવા નહોતી એવા પત્રકારોના મોબાઈલ ફોન અને લેપટોપ પણ જપ્ત કરાયા હતા.
સવાલ એ છે કે, ભારતમાં સરમુખત્યારશાહી વધી છે તો અમેરિકા ભારત સાથેના સંબંધો વધારે મજબૂત બનાવવા કેમ ફાંફાં માર્યા કરે છે? ને આ દાવો એ રીતે પણ હાસ્યાસ્પદ છે કે અમેરિકા આખી દુનિયામાં પોતાના ઈશારે નાચતા સરમુખત્યારોને થાબડે છે, તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે છે, તેમના અત્યાચારોને ગણકારતી નથી ને અહીં ભારતને સૂફિયાણી સલાહો આપે છે.
અમેરિકાના માનવાધિકાર રિપોર્ટમાં ભારતમાં રહેતા મુસ્લિમો અંગે કશું ના કહેવાયું હોય તો નવાઈ લાગે કેમ કે અમેરિકાનો એ પ્રિય વિષય છે. આ રિપોર્ટ પ્રમાણે, ભારતની ભાજપ સરકાર ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરી રહી છે અને ભારતમાં લઘુમતીઓ પર હુમલા વધ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારથી અમેરિકા આ રેર્ડ વગાડે છે કેમ કે તેના કારણે મુસ્લિમ રાષ્ટ્રો રાજી થાય છે. એક ચોક્કસ લોબી દ્વારા ભારતમાં મુસ્લિમો પર હુમલા અંગે નિયમિત રીતે જૂઠાણાં ફેલાવાય છે ને એ જ લોકો બેસીને આ રિપોર્ટ બનાવી નાંખે છે.
જે લોકો ભારતમાં મુસ્લિમો અસાલમત હોવાની કે તેમની સાથે ભેદભાવ કરાતો હોવાની વાતો કરે છે એ લોકો યુનિફોર્મ સિવિલ કૃ. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ કે નેશનલ સિટિઝન રજિસ્ટર જેવાં ઉદાહરણ આપે છે. વાસ્તવમાં આ બધું દેશમાં સમાનતા લાવવા માટે થઈ રહ્યું છે. મજાની વાત એ છે કે જે લોકો મુસ્લિમો સાથે ભેદભાવની વાતો કરે છે તેમને જ મુસ્લિમ સમાજના ભેદભાવો દેખાતા નથી. મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓને દબાવીને રખાય છે, તેમના અધિકારો છિનવાય છે એ દેખાતું નથી.
અમેરિકાના રિપોર્ટમાં કદી દુનિયાભરના મુસ્લિમ દેશોમાં મહિલાઓની સાથે કરાતા ભેદભાવ, તેમની દયનિય હાલતની વાત સાંભળી?