ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં સુધારો
મુંબઈ: ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીને આર્થિક વૃદ્ધિ માટે લીધેલા પગલાંને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૪ અને રૂ. ૨૫નો ઉછાળો આવ્યો હતો, જ્યારે કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૪નો સુધારો આવ્યો હતો. આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે ચીને લીધેલા પ્રોત્સાહક પગલાંઓને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ટનદીઠ ૮૪૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય નિકલના ભાવ ૧.૮ ટકા, ઝિન્કના ભાવ ૧.૬ ટકા, એલ્યુમિનિયમના ભાવ ૦.૮ ટકા, ટીનના ભાવ ૦.૭ ટકા અને લીડના ભાવ ૦.૬ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા. આજે અન્ય ધાતુઓમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને રૂ. ૨૨૭, કોપર વાયરબાર અને એલ્યુ. ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૭૫૯ અને રૂ. ૨૧૦, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૧૦ અને કોપર સ્ક્રેપ હેવી, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુ. યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૧૦, રૂ. ૬૫૪, રૂ. ૪૭૮ અને રૂ. ૧૭૧ના મથાળે રહ્યા હતા.