ફિન્ચે પણ મજાકમાં કહ્યું, ‘ધોની વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી સાથે વર્લ્ડ કપમાં જોવા મળી શકે’
ચેન્નઈ: જૂન મહિનાના ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં વિકેટકીપર-બૅટરના સ્થાન માટે જોરદાર હરીફાઈ છે. ઇશાન કિશનનો ચાન્સ બહુ જ ઓછો છે, પરંતુ રિષભ પંત તેમ જ સંજુ સૅમસન, કેએલ રાહુલ અને ‘ટૉક ઑફ ધ ટાઉન’ દિનેશ કાર્તિકમાંથી કોઈ એકની પસંદગી નક્કી છે. જોકે કૅપ્ટન, વિકેટકીપર અને બૅટર ત્રણેયની એકસાથે જવાબદારી સંભાળીને વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકેની નામના મેળવનાર મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ વર્લ્ડ કપની ટીમ માટે ચર્ચામાં છે. ભલે સત્તાવાર રીતે ધોનીનું નામ નહીં ચર્ચાતું હોય, કારણકે તે રિટાયર થઈ ગયો છે, પણ તેના કરોડો ચાહકો ઇચ્છતા જ હશે કે ધોની વર્લ્ડ કપમાં રમે.
ચેન્નઈ સુપર કિંગ્સના ધોનીને આઇપીએલની વર્તમાન સીઝનમાં બહુ ઓછા બૉલ રમવા મળ્યા છે, પણ એમાં તે ધમાકેદાર રમ્યો છે. જાણીએ તેનો પર્ફોર્મન્સ: ધોનીની આઠમાંથી છ મૅચમાં બૅટિંગ આવી છે, તમામ છ મૅચમાં તે અણનમ રહ્યો છે, તેણે 35 બૉલમાં 91 રન બનાવ્યા છે, અણનમ 37 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે, 260.00 તેનો અદ્ભુત સ્ટ્રાઇક-રેટ છે અને તેણે આઠ છગ્ગા તથા આઠ ચોક્કા માર્યા છે.
ધોની 2007માં લાંબા વાળ રાખતો હતો અને ત્યારે તેની સુકાનમાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. યોગાનુયોગ, હાલમાં તે લૉન્ગ હેર સાથે જ આઇપીએલમાં રમી રહ્યો છે.
હવે મૂળ વાત પર આવીએ. વીરેન્દર સેહવાગે તાજેતરમાં મજાકમાં કહ્યું હતું કે ‘ધોની બહુ સારા ફૉર્મમાં છે. તેને જૂનના વર્લ્ડ કપમાં વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી આપવી જોઈએ.’
ઇરફાન પઠાણ અને વરુણ આરૉન પણ વીરુના મંતવ્ય સાથે સંમત છે. ત્રણેયે ધોની વિશે એક સંયુક્ત ઇન્ટરવ્યૂ દરમ્યાન આ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…
એ તો ઠીક, પણ આઇપીએલમાં નવ ટીમ વતી રમી ચૂકેલા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન આરૉન ફિન્ચને પણ લાગે છે કે ‘ધોની વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી સાથે વર્લ્ડ કપમાં જોવા મળી શકે’
42 વર્ષના ધોનીને જો વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મળે તો તે કદાચ સ્વીકારે પણ નહીં, કારણકે તેના સ્થાને કોઈ યુવા ખેલાડીનો ટીમમાં સમાવેશ થાય એવું જ તે ઇચ્છતો હશે. બીજું, ભારતમાં પાકિસ્તાન જેવું નથી કે કોઈ ફેમસ ખેલાડી નિવૃત્તિ જાહેર કરી દે ત્યાર બાદ થોડા સમય પછી રિટાયરમેન્ટ પાછું ખેંચી લે.
જોકે જૂનના ટી-20 વર્લ્ડ કપમાં ધોની જો કોઈ કારણસર રમે તો કંઈ ખોટું પણ નથી. ભારતની પહેલી ચાર મૅચ (લીગ મૅચો) આયરલૅન્ડ, પાકિસ્તાન, અમેરિકા અને કૅનેડા સામે રમાશે અને એમાં ખાસ કરીને ધોનીની બૅટિંગની જરૂર માત્ર પાકિસ્તાન સામે (રવિવાર, નવમી જૂન) જ થશે. ત્યાર બાદ ભારતીય ટીમ આગળ વધશે તો ધોનીની જરૂર ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે પડશે. ટી-20 વર્લ્ડ કપ કેવી રીતે જીતવો એ ધોની બહુ સારી રીતે જાણે છે
ચીફ સિલેક્ટર અજિત આગરકર અને તેની કમિટી હાલમાં ભારતીય ટીમ નક્કી કરી રહ્યા હશે, કારણકે બે-ચાર દિવસમાં આઇસીસીને 15 ખેલાડીની ટીમનું લિસ્ટ આપી દેવાનુંછે. એના પરની વિચારણામાં આગરકર હાલમાં ધોનીના મુદ્દે વિચારમાં તલ્લીન હોય તો નવાઈની વાત ન કહેવાય.