ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન જોવા મળેલો આઠ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રનાં અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૦૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૧ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૨.૯૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૪ અને ઉપરમાં ૮૨.૯૩ની રેન્જમાં અથડાઈને અંતે બે પૈસા ઘટીને ૮૩.૦૩ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકામાં જાહેર થયેલા ઑગસ્ટ મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો હોવાથી તેમ જ ક્રૂડતેલના વાયદામાં આગેકૂચ જળવાઈ રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૧ ટકા વધીને ૧૦૪.૭૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૭૦ ટકા વધીને બેરલદીઠ ૯૨.૫૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૩૧.૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૨.૦૧ પૉઈન્ટનો અને ૩૩.૧૦ સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.