‘ગદ્દાર’ નિલેશ કુંભાણી સામે સુરતના મતદારો લાલઘુમ, કોંગ્રેસના કાર્યકરોએ આપી આ ચીમકી
સુરત: સુરત લોકસભા સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર 21 એપ્રિલના રોજ રદ થયું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે તે ભાજપની નેતાગીરી સાથે મળી ગયા હતા, અને તેમણે જાણી જોઈને તેમનું ફોર્મ રદ્દ થાય તે માટે બેદરકારી દાખવી હતી. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ ખાતરી થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ તેમની પાસે ખુલાસો માંગ્યો હતો જો કે તેમણે પક્ષને કોઈ ખુલાસો ન આપતા અંતે તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજય થયા બાદ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે. નિલેશ કુંભાણીના ટેકેદારો સહી ખોટી હોવાનું કઈ જે રીતે ગાયબ થયા છે. જેને નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થયું છે અને ત્યારબાદ નિલેશ કુંભાણી પણ સંપર્ક વિહોણા થતાં કોંગ્રેસના કાર્યકરો આ સમગ્ર ખેલમાં નિલેશ કુમારીને ગદ્દાર ગણાવી રહ્યા છે.
આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુરત રેલ્વે સ્ટેશન ખાતે સીટી બસ પર અને રીક્ષા ઉપર નિલેશ કુંભાણીની વિરુદ્ધમાં પોસ્ટર લગાવી વિરોધ દર્શાવ્યો હતો. મતદારોનો અધિકાર છીનવનાર ગદ્દાર નિલેશ કુંભાણીને મતદારો શોધે છે તે પ્રકારના પોસ્ટરો લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
નિલેશ કુંભાણીના લીધે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. અહીં ચૂંટણી લડ્યા વિના જ કોંગ્રેસ હારી ગયું છે. આ સમગ્ર ઘટના માટે કોંગ્રેસ નિલેશ કુંભાણીને જવાબદાર માને છે. કુંભાણીએ કોંગ્રેસ પક્ષ અને સુરતના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી હોવાની લાગણી કોંગ્રેસી કાર્યકરોમાં જોવા મળી રહી છે.
કોંગ્રેસના કાર્યકરો આજે શુક્રવારે તા. 26 એપ્રિલની સવારે સુરત રેલવે સ્ટેશન નજીક મોટી સંખ્યામાં ભેગા થયા હતા. અહીં નિલેશ કુંભાણીના વિરોધમાં જુદા જુદા પ્રકારના પોસ્ટરો લઈ રોષ વ્યક્ત કર્યો હતો. રેલ્વે સ્ટેશનથી નીકળતી સિટી બસ અને રિક્ષા ઉપર પોસ્ટરો ચોંટાડ્યા હતા.
સુરતના મતદારોના અધિકારો છીનવનાર ગદ્દાર નિલેશ કુંભાણીને મતદારો શોધી રહ્યા છે, દલાલ નો દલાલ લોકશાહીનો હત્યારો જેવા પોસ્ટરો જુદી જુદી રીક્ષાઓ અને સીટી બસ ઉપર ચોંટાડીને સમગ્ર શહેરમાં ફરતા કરવામાં આવ્યા છે.
સમગ્ર સુરતમાં છેલ્લા બે દિવસ દરમિયાન નિલેશ કુંભાણીના ઘર, રસ્તાઓ પર બેનરો લગાવ્યા બાદ આજે કોંગ્રેસી કાર્યકરોએ રસ્તા પર ઉતરી સિટી બસ, રિક્ષાઓ પર પોસ્ટરો ચોંટાડ્યા હતા. નિલેશ કુંભાણી સુરત આવશે તો લોકો તેને દંડાથી મારશે, એમ કહી કોંગ્રેસી કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી કલ્પેશ બારોટ એ કહ્યું હતું કે આજે અમે રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યો છે. કુંભાણીએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. સુરતના 18 લાખ મતદારો સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે. એક બાજુ સરકાર મતદાન જાગૃતિના અભિયાન કરે છે, ત્યારે મતદારોનો અધિકાર છીનવાનો હક નિલેશ કુંભાણીને કોણે આપ્યો.?
કોંગ્રેસના કાર્યકરોની સાથો સાથ સુરતના મતદારો પણ નિલેશ કુંભાણીની રાહ જોઈ રહ્યા છે કે નિલેશ કુંભાણી ક્યારે આવશે.? નિલેશ કુંભાણીએ જેટલું ભાજપના ખોળામાં બેસવું હોય એટલું બેસી જાય પોલીસનો જેટલો બંદોબસ્ત લેવો હોય તેટલો લઈ લે. પરંતુ શહેરની જનતા નિલેશ કુંભાણીને બરાબરનો મેથીપાક આપશે તેવું હાલ સર્વત્ર સાંભળવા મળી રહ્યું છે.