EVMના ઉપયોગ મુદ્દે ‘SC’નો ચુકાદો: પીએમ મોદીએ કહ્યું વિરોધ કરનારાને જોરદાર લપડાક
નવી દિલ્હી/પટણાઃ ઈવીએમ-વીવીપીએટી કેસ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓની ફગાવ્યા પછી એના અંગે બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તેનાથી અમુક લોકોના સપના ચકનાચૂર થઈ ગયા છે.
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) મારફત નાખવામાં આવેલા મતોને વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએમટી) સ્લિપ મારફત સમગ્ર મતોની ચકાસણીની માગ કરતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ચૂંટણીમાં મતપત્રો પરત લેવાની માગણીને ફગાવી હતી. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી હતી.
બિહારના અરરિયામાં એક ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિપક્ષના ચહેરા પર જોરદાર લપડાક છે. હવે આ લોકો મોંઢું ઊંચું કરીને જોઈ શકશે નહીં. આજનો દિવસ લોકશાહી માટે શુભ દિવસ-વિજય દિવસ છે. જૂના દિવસો પાછા આવશે નહીં. I.N.D.I.A. ગઠબંધનના દરેક નેતાએ દેશની જનતાની માફી માગવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આજે જે કહ્યું છે એનાથી વિપક્ષના સપના ચકનાચૂર થયા છે. કોર્ટે બેલેટ પેપર ફરી પાછા આવશે નહીં. અમુક લોકો ઈવીએમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે જે લોકોએ પણ ઈવીએમને બદનામ કરવાની કોશિશ કરી છે એ લોકોના મોંઢા પર પણ સુપ્રીમ કોર્ટે તમાચો માર્યો છે. આજે લોકતંત્ર માટે વિજય દિવસ છે.
આ મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે આજે પૂરી દુનિયા ભારતમાં લોકશાહીની, ભારતની ચૂંટણી પ્રક્રિયાની, ચૂંટણીમાં ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરી રહી છે, ત્યારે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ઈવીએમને બદનામ કરવામાં વ્યસ્ત હતા. આ લોકોએ લોકતંત્રને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી છે.