નવી દિલ્હીઃ VVPAT વેરિફિકેશનની માંગ કરતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. બેલેટ પેપરની માંગણી કરતી અરજી પણ ફગાવી દેવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયથી VVPAT સ્લિપ સાથે EVM દ્વારા પડેલા મતોના 100% મેચિંગની માંગને ફટકો પડ્યો છે.
જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સર્વસંમતિથી આ ચૂકાદો આપ્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે VVPAT સાથે EVM દ્વારા પડેલા મતોની ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નો ઉપયોગ કરીને વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લીપનો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બે જજની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. “અમે ફરીથી બેલેટ પેપર લાવવા સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી છે.” એમ સુનાવણી વખતે જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું.
સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું હતું કે ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તે ઉમેદવારે ભોગવવાનો રહેશે. સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે VVPATની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે મતદાન બાદ 45 દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે.
સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે. આના દ્વારા જાણી શકાય છે કે તેમારો મત એ જ વ્યક્તિને ગયો છે કે જેને તમે મત આપ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને