લગ્ન માટે તૈયાર થઈને મતદાન કરવા પહોંચ્યા વરરાજા…
મુંબઇઃ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે, જેમાં મહારાષ્ટ્રની આઠ બેઠકો પર પણ મતદાન થઇ રહ્યું છે. સામાન્ય રીતે મતદાન પ્રત્યે લોકો ગંભીર નથી હોતા અને એને રજાનો દિવસ ગણીને બહારગામ જવાનો કે બહાર જવાનો પ્રોગ્રામ બનાવી લેતા હોય છે, પણ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના એક મતદાન મથક પરથી એક ખુશીના સમાચાર જાણવા મળ્યા છે.
અહીં એક વરરાજા સવારના પહોરમાં તૈયાર થઇને મતદાન કરવા પહોંચી ગયા હતા. આટલું ઓછું હોય તેમ મતદાન કરી લીધા બાદ તમામ લોકોને મતદાન કરવા માટે પણ વિનંતી કરી હતી. વોટિંગ કરતા સમયે વરરાજા સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. વરરાજાએજણાવ્યું હતું કે તેના લગ્ન બપોરે હોવાથી તે સવારના સમય કાઢીને મતદાન કરવા આવ્યો છે. વરરાજાએ જણાવ્યું હતું કે મેરેજ જરૂરી છએ એમ મતદાન કરવું પણ જરૂરી છે. મતદાન દરેકની ફરજ છે. તેની પાસે સાંજે મતદાન કરવા આવવાનો સમય નહીં હોવાથી તે સવારે મતદાન કરવા આવ્યો છે.
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે અને તેમાંથી આઠ બેઠકો પર બીજા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. અહીં બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ-વાસીમ, હિંગોલી અને પરભણી બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. અગાઉ 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશના બેતુલમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારનું અવસાન થતાં અહીં ત્રીજા તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઘરેલુ મતદાનની સુવિધા આપી છે